ભાવનગર-હરિદ્વાર ટ્રેન : બુકીંગ ખુલ્યાના કલાકોમાં જ હાઉસફૂલ
- સોમવારે રાત્રે 8-20 કલાકે ભાવનગર ટર્મિનસથી પ્રથમ ટ્રીપ રવાના થશે
- વર્ષોની માંગણીને સ્વીકારવામાં આવતા મુસાફરોએ પણ વધાવી લીધી, હવે સોમનાથ, કચ્છ-ભુજ, સુરત ટ્રેનની તાતિ જરૂરિયાત
ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનને ગત સોમવારે રેલવે બોર્ડે સત્તાવાર રીતે મંજૂરીની મહોર મારી દીધી હતી. આ ટ્રેનનું આજે શુક્રવારથી ફક્ત ઓપનીંગ ટ્રેન માટે પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને આઈઆરટીસીની વેબસાઈટ પરથી ટિકિટ બુકીંગ શરૂ થયું હતું. ત્યાં જ યાત્રિકો ધડાધડ ટિકિટ બુકીંગ કરવા લાગતા રાત્રિના આઠ વાગ્યા સુધીમાં ટ્રેન લગભગ ફૂલ થઈ ગઈ હતી. એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ મળી કુલ ૧૮ કોચ સાથેની આ ટ્રેનમાં એસી ટુ ટાયરમાં માત્ર ૧૨ ટિકિટ જ ઉપલબ્ધ હોવાનું ઓનલાઈન દર્શાવાઈ રહ્યું હતું. જેના પરથી સ્પષ્ટ કહીં શકાય કે સોમવારે રાત્રે ૮-૨૦ કલાકે ભાવનગર ટર્મિનસથી હરિદ્વારની જે પ્રથમ ટ્રીપ રવાના થશે તે હાઉસફૂલ જ દોડશે.
વધુમાં ભાવનગરની જનતાની વર્ષો જૂની માંગણી અને રજૂઆત બાદ આખરે ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક ટ્રેન શરૂ થવા જઈ રહી છે. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને પ્રથમ ટ્રીપની ટ્રેન જ હાઉસફૂલ દોડશે. ત્યારે હવે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ઉપરાંત કચ્છ-ભુજ, સુરત (ડેઈલ)ની ટ્રેનને શરૂ કરવાની તાતિ જરૂરિયાત હોય, વંદે માતરમ્ સેવા સંઘના ચેરમેન અને રેલવે ડીઆરયુસીસીના પૂર્વ સભ્ય કિશોર ભટ્ટે માંગણી કરી છે.