ભાવનગરની સરકારી કચેરીઓમાં હજુ રજા જેવો માહોલ, ગોકળ ગતિએ થતી કામગીરી
ભાવનગર, તા. 02 ઓક્ટોબર 2019, શનિવાર
દિવાળી પર્વમાં સરકારી કચેરીઓમાં મીની વેકેશન પડી ગયુ હતુ તેથી અધિકારી-કર્મચારીઓને જલ્સા પડી ગયા હતા પરંતુ છેલ્લા બે દિવસથી ભાવનગરની સરકારી કચેરીઓ ખુલ્લી ગઈ હોવા છતાં કચેરીઓમાં રજા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા અધિકારી-કર્મચારીઓ હજુ રજા પર હોવાથી કચેરીઓમાં ધમધમાટ જોવા મળતો નથી. આ ઉપરાંત પદાધિકારી અને નગરસેવકો પણ હજુ રજાના મુડમાં હોવાથી કચેરીઓમાં દેખાતા નથી તેથી અરજદારો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે.
ભાવનગર શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓમાં દિવાળી પર્વમાં ૬ દિવસનુ મીની વેકેશન પડી ગયુ હતું. ગઈકાલે શુક્રવારથી સરકારી કચેરીઓમાં મીની વેકેશન પુરૂ થઈ ગયુ છે અને સરકારી કચેરીઓ શરૂ થઈ ગઈ છે પરંતુ હજુ સરકારી કચેરીઓમાં રજા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
મહાપાલિકા, જિલ્લા કલેકટર, જિલ્લા પંચાયત, બહુમાળી ભવન સહિતની સરકારી કચેરીઓમાં ઘણા અધિકારી-કર્મચારીઓએ શુક્રવાર અને શનિવારની રજા મુકી હોવાથી કચેરીઓમાં કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી હતી. આ ઉપરાંત મહાપાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ મોટાભાગના પદાધિકારી, નગરસેવકો, ચૂંટાયેલા સભ્યો વગેરે જોવા મળતા નથી. નગરસેવકા અને સભ્યો પણ હજુ રજાના મુડમાં જણાય રહ્યા છે તેથી સરકારી કચેરીઓમાં સન્નાટા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
સરકારી કચેરીઓમાં જુદા જુદા કામ માટે અરજદારોની અવર-જવર શરૂ થઈ ગઈ છે પરંતુ ઘણા અધિકારી-કર્મચારી રજા પર હોવાથી અરજદારોના કામ અટકયા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. આગામી સોમવારથી સરકારી કચેરીઓ ધમધમતી થશે તેમ જણાય રહ્યુ છે ત્યારે અરજદારોના કામ ઝડપી પૂર્ણ થાય તેવુ આયોજન કરવુ જરૂરી બની રહે છે.