ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના 34 કર્મચારીને બઢતી
ભાવનગર, તા. 15 નવેમ્બર 2018, બુધવાર
ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આજે ગુરુવારે કર્મચારીના બદલી-બઢતીના કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં 40 આરોગ્ય વિભાગના કર્મચારીને બદલી-બઢતી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતના સંવાદ ગૃહ ખાતે આજે ગુરુવારે સવારે 11.30 કલાકે ફીમેલ હેલ્થ સુપરવાઈઝરની માંગણી મુજબ ફેર બદલી કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં 6 કર્મચારીઓને પસંદગીના સ્થળે બદલી આપવામાં આવી હતી.
આ ઉપરાંત ફીમેલ હેલ્થ વર્કર સંવર્ગમાંથી ફીમેલ હેલ્થ સુપરવાઈઝર અને મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (પુ) સંવર્ગમાંથી મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઈઝરમાં બઢતી આપવા અંગેના સ્થળ પસંદગી કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં 11 ફીમેલ હેલ્થ વર્કરને બઢતી સાથે પસંદગીના સ્થળે બદલી આપવામાં આવી હતી, જયારે 23 મલ્ટીર્પપ્સ હેલ્થ વર્કરને બઢતી સાથે પસંદગીના સ્થળે બદલી આપવામાં આવી હોવાનુ આરોગ્ય વિભાગે જણાવ્યુ હતું.
3 વર્ષ સુધી એક સ્થળે નોકરી કરી હોય તેવા કર્મચારીઓને પસંદગીના સ્થળે બદલી આપવામાં આવી હતી, જયારે સરકારના નીયમ મુજબ 34 કર્મચારીઓને બઢતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં કોઈ વિવાદ થયો ન હતો અને શાંતીમય માહોલમાં કેમ્પ પૂર્ણ થયો હોવાનુ આરોગ્ય વિભાગે જણાવેલ છે. આ કેમ્પમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારી-કર્મચારીઓ હાજર રહ્યા હતા.