ભાવનગર જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટ્રાચારની બોલબોલા !
- જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસ સભ્યોએ ભ્રષ્ટ્રાચારના ખુલ્લા આક્ષેપ કરતા ખળભળાટ
- રોડના કામમાં ગોલમાલ, એક વર્ષમાં રોડ તૂટી ગયા, રોડ કામ નબળા થતા હોવાની વાતને ભાજપના સભ્યનુ સમર્થન
ભાવનગર, 25 નવેમ્બર 2019 સોમવાર
ભાવનગર જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટ્રાચારની બોલબોલા હોય તેમ આજે સોમવારે સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ ભ્રષ્ટ્રાચારના ખુલ્લે ખુલ્લા આક્ષેપ કર્યા હતા અને ભાજપના સભ્યો સ્પષ્ટ જવાબ આપી શકયા ન હતાં. નબળા રોડ, જંગલ કર્ટીંગના ખોટા બીલ સહિતની કામગીરીના મામલે આજે કોંગ્રેસ સભ્યો આક્રમક જોવા મળ્યા હતા અને ઉગ્ર રજુઆત કરી હતી તેથી સામાન્ય સભામાં ગરમાવો જોવા મળ્યો હતો. સામાન્ય સભામાં તમામ ઠરાવને બહાલી આપવામાં આવી હતી પરંતુ ઉપકર વધારવાના મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.
ભાવનગર શહેરની જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે આજે સોમવારે સવારે પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કોંગ્રેસ સભ્યોએ જુદી જુદી કામગીરી અંગે સવાલ પુછી ભાજપ સભ્યોને ભીંસમાં લીધા હતાં. રોડ પર બાવળ કર્ટીંગ કરવામાં આવતા નથી અને જંગલ કર્ટીંગ પણ કરવામાં આવતા નથી.
જંગલ કર્ટીંગના ખોટા બીલ બન્યા છે છતાં તપાસ કરવામાં આવતી નથી તેમ કોંગ્રેસની મહિલા સભ્ય નિર્મળાબેન જાનીએ જણાવ્યુ હતું. ગારિયાધાર અને તળાજા તાલુકાના કેટલાક ગામમાં ખોટા બીલ બન્યા છે તેથી તપાસ કરવા કોંગ્રેસ સભ્યએ રજુઆત કરી હતી. રોડ પર બાવળ કર્ટીંગ અને જંગલ કર્ટીંગ નહી કરી ખોટા બીલ બનાવી ભ્રષ્ટ્રાચાર કરાય છે અને ખેડૂતો પરેશાન થાય છે ત્યારે આ મામલે તત્કાલ તપાસ કરો તેમ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પદુભા ગોહિલે જણાવ્યુ હતું.
જિલ્લાના ગામોમાં રોડના કામ નબળા થાય છે અને અધિકારીઓ તપાસ કરતા નથી. એક વર્ષમાં રોડ તૂટી જાય છે અને રોડમાં ખાડા પડી જાય છે. રોડના કેટલાક કામ હજુ શરૂ થયા નથી અને રોડના કામ સમય મર્યાદામાં પૂર્ણ થતા નથી. કોન્ટ્રાકરો મનમાની ચલાવે છે અને રોડના કામમાં ગોલમાલ જોવા મળી રહી છે તેમ કોંગ્રેસ સભ્ય ગોવિંદ મોરડીયાએ જણાવ્યુ હતું.
આ વાતને ભાજપના સભ્યએ પણ સમર્થન આપ્યુ હતુ અને રોડના કામમાં બેફામ ગેરરીતિ થતી હોય તપાસ કરવા કહ્યુ હતું. નબળા રોડના મામલે કોંગ્રેસના પદુભા ગોહિલ, સંજયસિંહ સરવૈયા સહિતના સભ્યોએ ઉગ્ર રજુઆત કરી હતી અને તત્કાલ પગલા લેવા જણાવ્યુ હતું. આ અંગે તપાસ કરવા ડીડીઓએ ખાતરી આપી હતી. આ સભામાં જુદી જુદી કામગીરી અંગે ચર્ચા થઈ હતી અને અધિકારીઓએ યોગ્ય કરવા જણાવ્યુ હતું.
સામાન્ય સભામાં જુદી જુદી કામગીરીના ઠરાવને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી પરંતુ ઉપકર વધારાનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને ઉપકર નહી વધારવા રજુઆત કરી હતી. કોંગ્રેસના સભ્યોએ આજે કામગીરી અને લોકહિતમાં સવાલ ઉઠાવી ભાજપના સભ્યોને મુંઝવી દીધા હોય તેમ જણાતુ હતું. ભાજપના સભ્યોના સવાલના સરખા જવાબ આપી શકયા ન હતા અને બચાવ કર્યો હતો.
જંગલ કર્ટીંગમાં ખોટા બીલ બન્યા છતા તપાસ કરાતી નથી