For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાવનગરની 526, તળાજાની 1407 અને મહુવાની 386 હેક્ટર જમીન ખારાશમુક્ત બની

Updated: Sep 23rd, 2022

Article Content Image

- 5 વર્ષથી સતત સારા વરસાદના પરિણામે

- દરિયાથી અડધાતી 4 કિ.મી. સુધીના વિસ્તારમાં ખારોપટ્ટ મોજુદ : ક્ષાર અંકુશ વિભાગે 7 બંધારા અને 131 ચેકડેમ બાંધ્યા

ભાવનગર : ભુગર્ભ જમીનમાંથી ક્ષાર ઘટાડવા મોટો ફાળો વરસાદ ઉપર હોય છે. જ્યારે કુદરતીની સાથે કૃત્રિમ ફાળાના ફળ સ્વરૂપ છેલ્લા પાંચ વર્ષના અભ્યાસના તારણ પરથી ભાવનગરમાં ૫૨૬ હેક્ટર, તળાજામાં ૧૪૦૭ હેક્ટર, મહુવામાં ૩૮૬ હેક્ટર ખારાશવાળી જમીન ફળદ્રુપ બની હોવાનું તારણ નિકળ્યું છે. જે ખારાશવાળી જમીનમાં ૨ થી ૫ હજાર ટીડીએસ જોવા મળે છે.

ક્ષાર અંકુશ નિવારણ અંગેની કામગીરી માટે હાઇલેવલ કમિટી-૨ ૧૯૮૩ દ્વારા સુચવાયેલ કામગીરી કરવામાં આવેલ અને એચ.એલ.સી.-૨ દ્વારા સુચવાયેલ સ્થળો પર વિવિધ ક્ષાર નિવારણ યોજનાઓ જેમ કે બંધારા, ટાઇડલ રેગ્યુલેટર રિચાર્જ રીઝર્વાપર, રીચાર્જ ટેન્ક, વિસ્તરણ નહેર તથા ચેકડેમો બનાવવામાં આવે છે અને જમીનમાં વધતા ક્ષારના પ્રમાણને અંકુશમાં લાવવા મહેનત કરાય છે પરંતુ આ યોજનાની સાથોસાથ સારા વરસાદનું પણ હોવું અનિવાર્ય છે. વરસાદનું એક કે બે વર્ષ નબળા જાય કે દુષ્કાળની સ્થિતિ સર્જાય એટલે જમીનમાં ક્ષારનું પ્રમાણ રોકેટ ગતિએ વધવા પામતું હોય છે. છેલ્લા પાંચ વર્ષના સારા વરસાદના પરિણામે ક્ષાર વધવાનું અટકી ક્ષારયુક્ત જમીન ક્ષાર યુક્ત થવા પામી છે. ભાવનગરમાં આવેલ ભુગર્ભ શાસ્ત્રની કચેરી હાલ ડચકા ખાતી હાલતે નહિવત સ્ટાફ વચ્ચે કામગીરી બજાવી રહી છે. વર્ષ ૨૦૧૪-૧૫નો વાર્ષિક અહેવાલ બન્યા બાદ આજ સુધી આ અહેવાલ બની શક્યો નથી. જે સરકારની ઉદાસીનતા છતી કરે છે અને વર્ષ ૧૪-૧૫ના આંક પ્રમાણે ભાવનગર તાલુકામાં ૧૮૦૯ હેક્ટર ખારાશવાળી જમીન હતી જે હાલ ૫૨૬ હે. ઘટીને ૧૨૮૩ હેક્ટર થવા પામી છે. તળાજામાં પાંચ વર્ષ પૂર્વે ૫૬૧૯ હેક્ટર ખારી જમીન હતી તે હાલ ૧૪૦૭ હેક્ટર ઘટીને ૪૨૧૨ હેક્ટર થઇ છે. જ્યારે મહુવામાં ૧૨૭૦૨ હેક્ટર સામે ૩૮૬ જેવો નહીવત ઘટાડો નોંધાઇ હાલ ૧૨૩૧૬ હેક્ટર ખારો પટ્ટ જોવા મળે છે જેના ભુગર્ભ પાણી ૨૦૦૦ થી ૫૦૦૦ ટીડીએસ ધરાવી રહ્યા છે. આ પરિક્ષણ દર વર્ષે જીઓલોજીસ્ટ કરી રહ્યા છે. દયનીય બાબત એ છે કે આ કામગીરી કરનારની ત્રણ પોસ્ટ સામે એક છે અને તે પણ આઉટ સોર્સના કર્મચારી તરીકે કામગીરી બજાવી રહી છે. જે વર્ષમાં એકવાર ૨૬૫ કુવાના સેમ્પલ મેળવી પ્રોફાઇલ નિરીક્ષણ અને વર્ષમાં બેવાર ચોમાસા પૂર્વે અને ચોમાસા બાદ કોસ્ટલ ઓબ્ઝર્વેશન વોલના ૧૨૮ કુવામાંથી સેમ્પલીંગ કરી પૃથ્થકરણ કરવામાં આવે છે. આમ ખારાશ અટકાવવા મહત્વનો ભાગ વરસાદ પર આધારીત છે. ઉપરાંત માનવસર્જીત યોજનાઓ હેઠળ આ ખારાશ ઓછી કરવા ભાવનગરમાં ૯ બંધારા અને ૧૩૧ ચેકડેમો ક્ષાર અંકુશ વિભાગે બનાવ્યા હોવાનું જણાયું છે.

Gujarat