ભાવનગરમાં ડેંગ્યુના વધુ દસ કેસ નોંધાતા ફફડાટ
ભાવનગર, તા. 11 નવેમ્બર 2019, સોમવાર
ભાવનગર શહેરમાં ડેંગ્યુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે અને દિવસે દિવસે ડેંગ્યુના કેસ વધી રહ્યા છે, જે ચિંતાની બાબત છે. શહેરમાં બે દિવસમાં ડેંગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો હતો, જયારે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં એક પણ કેસ નહી નોંધાતા રાહત થઈ હોવાનુ જાણવા મળેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલા લેવા જરૂરી બની રહે છે. હાલ ડેંગ્યુના કેસ વધતા શહેરીજનો ભયભીત જોવા મળી રહ્યા છે.
છેલ્લા બે-અઢી માસથી ભાવનગર શહેર અને જિલ્લામાં ડેંગ્યુના કેસમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં ભાવનગર શહેરમાં ડેંગ્યના દસ પોઝીટીવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, જેમાં રવિવારે બે કેસ અને આજે સોમવારે ડેંગ્યુના આઠ કેસ નોંધાયા હોવાનુ મહાપાલિકાના આરોગ્ય વિભાગે જણાવેલ છે.
જિલ્લાના ગ્રામ્ય પંથકમાં બે દિવસમાં ડેંગ્યુનો એક પણ કેસ નોંધાયો નથી તેમ જિલ્લાના આરોગ્ય વિભાગે જણાવ્યુ હતું. ગ્રામ્ય પંથકમાં ડેંગ્યુના કેસ ઘટતા રાહત થઈ છે પરંતુ શહેરી વિસ્તારમાં ડેંગ્યુના કેસ વધતા લોકો ચિંતીત જોવા મળી રહ્યા છે. ડેંગ્યુ સહિતનો રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગે શહેરમાં વધુ પરિણામલક્ષી કામગીરી કરવી જરૂરી બની રહે છે.
મહાપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં હજુ રોગચાળો અટકયો નથી, જે ગંભીર બાબત છે. દવાખાના-હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય રહ્યા છે. ડેંગ્યુની ઝપેટમાં અનેક લોકો આવી ગયા છે તેથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે આરોગ્ય વિભાગે ડેંગ્યુના કેસ અટકાવવા માટે આયોજન કરી કામગીરી કરવી જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.
ડેંગ્યુ સહિતનો રોગચાળો વધતા લોકોની ચિંતા વધી છે અને લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. હાલ વાતાવરણમાં સુધારો થઈ રહ્યો છે અને તડકો પડી રહ્યો છે તેથી કદાચ રોગચાળો અટકે તેમ જણાય રહ્યુ છે. કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના પગલે ખુબ જ રોગચાળો વધ્યો હતો. રોગચાળો વધતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
જિલ્લામાં સાડા દસ માસમાં ડેંગ્યુના 315 કેસ નોંધાયા
ભાવનગર શહેર અને જિલ્લામાં ગત જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં ડેંગ્યુના કુલ 315 કેસ નોંધાયા હોવાનુ આરોગ્ય વિભાગે જણાવેલ છે, જેમાં શહેરમાં આશરે 230 અને ગ્રામ્ય પંથકમાં આશરે 85 ડેંગ્યુના કેસ નોંધાયા હતાં. છેલ્લા બે-અઢી માસમાં ડેંગ્યુના કેસમાં ખુબ જ વધારો નોંધાયો હતો અને અનેક લોકો ડેંગ્યુની ઝપેટમાં આવી ગયા હતાં. ડેંગ્યુના કેસ વધતા આરોગ્ય વિભાગની દોડધામ વધી ગઈ છે અને લોકો કચવાટ પણ વધી રહ્યો છે.