ભાવનગર બંદરનો દરિયો કરંટ-ઉંચી હાઈટ પર ઉછળતા મોજા માટે વિશ્વભરમાં પ્રસિધ્ધ
- ત્રણ વર્ષ પૂર્વે 310 ટન વજનના ચાર પ્રોજેક્ટ કાર્ગોનું લોડિંગ થયું
- પાવર પ્લાન્ટના ટર્બાઈન, મોટા બોઈલરોની આયાત-નિકાસ કરી ભાવનગર જેવા એન્કરેજ બંદરનો વિકાસ થઈ શકે
ભાવનગર,25 ડીસેમ્બર 2019 બુધવાર
ભાવનગર બંદરના દરિયાના ઉંચી હાઈટ પર ઉછળતા મોજા અને કરંટને કારણે આ બંદરે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. ત્રણેક વર્ષ પૂર્વે ભાવનગર જેવા એન્કરેજ બંદર પરથી ૩૧૦ ટન વજનના ચાર પ્રોજેક્ટ કાર્ગોનું સૌ પ્રથમ વખત લોડિંગ પણ થયું હતું. ત્યારે શિપબ્રેકરો અને જીએમબી જો સહયારો પ્રયાસ કરે તો ભાવનગર બંદરનો વિકાસ શક્ય છે.
ભાવનગર બંદર સતત કરંટ અને ઉંચી હાઈટ પર ઉછળતા મોજા માટે પ્રખ્યાત છે. દરિયામાં કરંટને કારણે ઘણી વખત જહાજો પોતાના લંગર પણ ગુમાવી દેતા હોવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે વર્ષ ૨૦૧૬ના ડિસેમ્બર માસમાં ભાવનગર બંદર ખાતેથી ભાવનગરની પર્લ ગ્લોબલ શિપીંગ દ્વારા પ્રોજેક્ટ કાર્ગોનું લોડિંગ કરવામાં આવ્યું હતું. આવા પ્રોજેક્ટ અને હેવી લિફ્ટ કાર્ગો મોટાભાગે જેટીના બંદરો જેવા કે પીપાવાવ, મુન્દ્રા, દહેજ અને હજીરા ખાતેથી થતા હોય છે. પરંતુ ભાવનગર બંદર પરથી આ પ્રકારના પ્રોજેક્ટ કાર્ગોનું લોડિંગ સૌ પ્રથમ વખત કરવામાં આવ્યું હતું.
નોંધનિય છે કે, અન્ય બંદરોમાં બર્થ હાયર, પાઈલોટીંગ અને વેઈટીંગમાં જહાજો રહેતા હોવાથી ખૂબ જ ખર્ચાળ હોય છે. જ્યારે એન્કેજવાળા બંદરોમાં અન્ય ચાર્જ-વેઈટીંગ ન હોવાને કારણે ખર્ચ ઓછો આવતો હોય, ભાવનગર જેવા એન્કરેજ બંદરને પાવર પ્લાન્ટના ટર્બાઈન, મોટા બોઈલર વગેરે આયાત-નિકાસ માટે તૈયાર કરાઈ તો બંદરનો વિકાસ થઈ શકે તેમ છે. પ્રોજેક્ટ કાર્ગોના લોડિંગને કારણે ભાવનગરની પર્લ ગ્લોબલ શિપીંગ કંપનીને દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં નાણાં અને વેપાર વ્યવસ્થાના રાજ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત પણ કરવામાં આવી હતી.