ભાવ.રેલવે ડિવીઝને નિયમ ભંગના કેસમાં રૂા. 5.30 કરોડનો દંડ વસૂલ્યો
- છેલ્લા બે વર્ષની તુલનામાં 28 લાખની ઘટ પડી
- વગર ટિકિટે મુસાફરી કરતાં તેમજ વિવિધ નિયમ ભંગના 79,737 કેસ નોંધાયા
વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનને ટિકિટ ચેકીંગ ઝુંબેશમાં જબરદસ્ત સફળતા મળી છે. ભાવનગર ડિવિઝનમાં ટિકિટ ચેકિંગ સતત કરવામાં આવી રહ્યું છે અને ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષ દરમિયાન ટિકિટ ચેકિંગથી ૫.૩૦ કરોડ રૂપિયાની રેલ રાજસ્વ ટિકિટ વિના મુસાફરી કરનારા, અયોગ્ય ટિકિટોથી વસુલવામાં આવી છે, જે છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના લગભગ રૂા.૫.૫૮ કરોડની નજીક છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૭૯૭૩૭ કેસ નોંધાયા છે, જેમાંથી કેટલાક એવા મુસાફરો હતા જેઓ ટિકિટ વિના મુસાફરી કરી રહ્યા હતાં. આ સિવાય રેલવેના અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મુસાફરો પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે.
જૂનાગઢના ટીટીઆઇ એ.એસ. તનવીરે ૩૪૮૯ કેસમાં રૂા.૨૯.૫૦ લાખની વસુલાત કરી છે. આ માટે તેમને જનરલ મેનેજર દ્વારા અવાર્ડ પણ આપવામાં આવ્યું છે. મહિલા ટિકિટ ચેકિંગ સ્ટાફમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જેના એસ. દ્વારા કરવામાં આવ્યું છે, જે ૨૯૬૮ કેસમાં ૨૨.૯૩ લાખ રૂપિયા વસુલ કર્યું છે. ઇમરાન મુંશી, આર.એસ.-પોરબંદર દ્વારા ૧૭૬૫ કેસમાં રૂા.૮.૫૭ લાખની વસુલાત કરવામાં આવી છે. ટિકિટ ચેકિંગ દરમિયાન અત્યાર સુધીની યુપીઆઇ ચુકવણીની ટકાવારીની દ્રષ્ટિએ ભાવનગર ડિવિઝન પશ્ચિમ રેલવેમાં સર્વોચ્ચ સ્થાને છે. સીનીયર ડીસીએમએ જણાવ્યું હતું કે, વિવિધ માધ્યમો દ્વારા મુસાફરોને યોગ્ય ટિકિટ પર મુસાફરી કરવી જોઇએ. વેઇટીંગ લિસ્ટ ઇ-ટિકિટ પર મુસાફરી કરવાની પરવાનગી નથી. એ જ રીતે પ્લેટફોર્મ ટિકિટ પણ મુસાફરી માટે માન્ય નથી તેથી વેઇટિંગ લિસ્ટ ઇ-ટિકિટ અથવા પ્લેટફોર્મ ટિકિટ સાથે મુસાફરી કરશો નહીં. તમારો સામાન બુક કરો, જેથી પ્રવાસ દરમિયાન કોઇ અસુવિધા ન થાય.