Get The App

ભાવનગર : ભાવેણાની ભક્તિના મહાસાગરમાં ભાવથી ભીંજાયા ભગવાન

- ભાવનગરમાં નારાયણની 34મી નગરચર્યા નિર્વિઘ્ને સંપન્ન

Updated: Jul 4th, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગર : ભાવેણાની ભક્તિના મહાસાગરમાં ભાવથી ભીંજાયા ભગવાન 1 - image

ભાવનગર, તા. 04 જુલાઇ 2019, ગુરૂવાર

ભાવનગરમાં નારાયણની 34મી નગરચર્યા અદ્ભુત અને અવિસ્મરણીય બની રહી હતી. અષાઢી બીજના પાવન દિવસે દેશના ત્રીજા અને રાજ્યના બીજા સ્થાનની ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાવેણાંની ધર્મમય જનતાએ ભક્તિનો મહાસાગર છલકાવી દેતા ભગવાન પણ ભક્તોના ભાવથી ભીંજાયા હતા. પાંચેક લાખ ભાવિકોએ સૃષ્ટીના સર્જનહારના પાવનકારી દર્શન કરી ભવો ભવના કષ્ટોમાંથી મુક્તિ મેળવી હતી.

સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજીત 34મી જગન્નાથજીની રથયાત્રાનું આજે ગુરુવારે અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે આયોજન કરાયું હતું.

સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીની મંગળા આરતી કર્યા બાદ સાધુ-સંતો, મહંતોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે મહારાજા વિજયરાજસિંહજી ગોહિલના હસ્તે સોનાના સાવરણાથી છેડાપોરા અને પહિંદ વિધિ કરાઈ હતી. ત્યારબાદ માજી સૈનિકોની બ્યૂગલ સલામી અને ગજરાજોની આગેવાની સાથે ઐતિહાસિક રથયાત્રાનું ધર્મમય માહોલમાં પ્રસ્થાન થયું હતું.

અનેક સ્થળોએ ભગવાનના આગમનનું અદકેરૂ સ્વાગત

14 બ્રહ્માંડના નાથના પાવન દર્શન કરવા સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકો સુભાષનગર ખાતે ઉમટી પડયા હતા. રથયાત્રા જેમ જેમ આગળ ધપતી ગઈ તેમ તેમ રથયાત્રા રૂટ પર વિવિધ મંડળો, આગેવાનો દ્વારા જગતના નાથનું અદકેરૂ અને આતશબાજીથી સ્વાગત કરાયું હતું. 18 કિ.મી.ના નિયત રૂટ પર ભક્તજનો દ્વારા ચા-પાણી, ગુંદી, શિરો, ચણા, બિસ્કીટ, સરબત, છાશ, દૂધ કોલ્ડ્રીક્સ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભક્તોના દ્વારે દર્શન દેવા નીકળેલા ભગવાનના દર્શન કરવા ભાવિકો બફારા વચ્ચે પણ કલાકો સુધી આતૂરતાથી રાહ જોઈ બેઠા હતા. ભાવેણું જાણે જગન્નાથમય બની ગયું હોય તેમ રથયાત્રાના પ્રારંભથી પુર્ણાહૂતિ સુધી 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે..'ના ગગનભેદી નાદ ગુંજતા રહ્યા હતા.

રથયાત્રામાં 117થી વધુ ટ્રક, ટ્રેક્ટર, છકરડા તેમજ જીપ, 4 હાથી, 6 ઘોડા, ઊંટગાડી વગેરેમાં ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને રાષ્ટ્રપ્રેમ દર્શાવતા ફ્લોટોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. તો અખાડાના કરતબોએ લોકોને મંત્રમુગ્ઘ કરી દીધા હતા. મીની ટ્રેઈન, વાંદરો અને રામ-લક્ષ્મણજીને ખંભે બેસાડી નગરયાત્રા કરાવતા 15 ફૂટ ઊંચા હનુમાનજીએ બાળકોને આનંદ કરાવ્યો હતો.

રથયાત્રા ઘોઘાગેટ ખાતે પહોંચી ત્યારે હડકેઠાઠ ભીડ વચ્ચે રથયાત્રાને સુરક્ષિત રીતે પસાર કરાવવા પોલીસ, આર્મીના જવાનો એક્શન મોડમાં આવી ગયા હતા. ભારે ઉત્તેજના વચ્ચે આખરે સંવેદનશીલ વિસ્તાર ખારગેટ, મામાકોઠા રોડ, બાર્ટન લાઈબ્રેરી અને હલુરિયા ચોક ખાતે ભગવાનનો રથ પહોંચ્યા બાદ પોલીસ અને વહીવટી તંત્રએ રાહતનો દમ લીધો હતો.

હલુરિયાથી આગળ ધપી રથયાત્રા ક્રેસંટ સર્કલ, ડોનચોક, મહિલા કોલેજ થઈ રાત્રે 9 વાગે સુભાષનગર નીજ મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં સંતો-મહંતો અને આગેવાનોએ ધર્મસભાને સંબોધન કર્યું હતું. તેની સાથે નારાયણની 34મી નગરચર્યાનું નિર્વિઘ્ને સમાપન થયું હતું. કોઈપણ અનિછચ્નિય બનાવ બન્યા વિના કોમી એખલાસ અને ભાઈચાર સાથે રથયાત્રાનું સમાપન થતાં પોલીસ અને વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

ગોહિલવાડમાં ઠેર-ઠેર શોભાયાત્રા-નગરયાત્રા નીકળી

અષાઢી બીજના દિવસે ભાવનગર શહેર ઉપરાંત સિહોર, વરતેજ, બોટાદ જિલ્લામાં બોટાદ શહેર, ગઢડા વગેરે સ્થળોએ જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ઉપરાંત ગ્રામ્ય પંથકોમાં સંત વેલનાથ બાપુની શોભાયાત્રાનું પણ અનેક સ્થળોએ દર વર્ષની પરંપરા મુજબ આયોજન કરાયું હતું. તો રામાપીરની નીકળેલી નેજાયાત્રાઓએ આખાય ગોહિલવાડને ધર્મમય બનાવી દીધું હતું.

ભગવાનના રથ અને છેલ્લો ફ્લોટ વચ્ચે 3 કિ.મી.થી વધુનું અંતર

ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી સાથે રથમાં બિરાજી નગરયાત્રાએ નીકળ્યા હતા. શરૃઆતમાં ભગવાનનો રથ અને 117 નંબરના છેલ્લા ફ્લોટ વચ્ચે માત્ર 200 મીટરનું જ અંતર રહેતું હતું. ત્યારબાદ રથયાત્રા આગળ ધપતા ભાવિકોની સંખ્યા વધતી ગઈ હતી. જેના કારણે રથ અને છેલ્લા ફ્લોટ વચ્ચે 3 કિલોમીટરથી પણ વધુનું અંતર થઈ ગઈ હતું. ભક્તોને દર્શનનો લાભ દેવા રથ રોકાતો હોવાના કારણે રથ દાદાસાહેબ દેરાસર પાસે પહોંચ્યો ત્યારે વાહનો નિલમબાગ સર્કલ પહોંચી ગયા હતા. આ અંતર ઘોઘાગેટથી માંડી હલુરિયા ચોક અને ક્રેસંટ સુધી જોવા મળ્યું હતું.

રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર

- 3 ટન ચણાની પ્રસાદી રથયાત્રા સમિતિ દ્વારા
- પાંચેક હજાર કિલો શિરો, ચણાની પ્રસાદી ભક્તો તરફથી
- પાંચેક લાખ ભાવિકો
- દર્શનાર્થીઓ રથના વહન કરી શકે તે માટે રોડની બન્ને સાઈડના એક-એેક દોરડા
- 2 શણગારેલા ગજરાજ
- 6 ઘોડા
- 4 અખાડા
- 117 ફ્લોટ
- ઊંટગાડી
- વિવિધ રાસમંડળી, સત્સંગ મંડળી
- ઢોલ, નગારા, ડી.જે.
- જગન્નાથજીની ટ્રેન
- રામ-લક્ષ્મણને ખભે બેસાડીને જતાં હનુમાનજીની વિરાટ પ્રતિમાનું ફ્લોટ
- વાયુ વાવાઝોડા, આર્મી, શહીદ જવાનોના ફ્લોટ
- અખાડીયનો અને સ્કેટીંગના મંત્રમુગ્ઘ કરી દેતા કરતબ

રથયાત્રાની સાથે સાથે................

- રથયાત્રાને અનુલક્ષીને ભાવનગર શહેરમાં બંસી સીટીબસ સેવા બંધ રહેતા તેનો શટલીયા રીક્ષાચાલકોએ ગેરલાભ ઉઠાવી મુસાફરો પાસેથી મનસ્વી રીતે ઉંચા ભાડા વસૂલ્યા હતા.
- આજે સવારથી જ બફારાનું પ્રમાણ વધેલુ જણાતુ હતુ તેથી રથયાત્રામાં જોડાયેલા  તેમજ ભગવાનના દર્શનાર્થે આવેલા ભાવીકોમાં ગરમીનો ભારે કકળાટ થતો જોવા મળતો હતો.
- રથયાત્રાને અનુલક્ષીને શહેરની મોટા ભાગની સરકારી કચેરીઓમાં રજાનો માહોલ જોવા મળ્યો હતો.
- રથયાત્રામાં ટ્રકોની હારમાળા બાદ ભગવાન જગન્નાથજીના મુખ્ય રથ વચ્ચે લાંબો ગાળો રહેતો જણાતો હતો.
- રથયાત્રાની સૌથી આગળ ગૃપ દ્વારા ચોકે ચોકે મનમોહક ઈન્સ્ટન્ટ રંગોળીઓ દોરવામાં આવતી હતી. તે જોવા લોકો ટોળે વળતા હતા. આ અવનવી રંગોળીએ ભાવીકોમાં ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. 
- રથયાત્રાની સાથે સાથે અને છેલ્લા ટ્રકની પાછળ કોર્પોરેશનના સફાઈકામદારોની ટીમ દ્વારા રોડ પર ભાવીકો દ્વારા ફેંકોયેલ પાણીની બોટલ, ખાણીપીણીના એંઠવાડના કચરાનું એકત્રીકરણ કરવાની સરાહનીય કામગીરી કરાઈ હતી. 
- રથયાત્રા દરમિયાન ગાયત્રી પરિવાર દ્વારા બે ટ્રકમાં અલગ અલગ રોપાઓનું ભાવીકોને વિનામૂલ્યે વિતરણ કરાયુ હતુ.
- ભાવનગર મહાનગરપાલિકાના સફાઈકર્મીઓ દ્વારા રથયાત્રાના કેટલાક માર્ગો પર રોડની બંને સાઈડ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. 
- રથયાત્રા દરમિયાન યશવંતરાય નાટયગૃહ ખાતે ભાવિકો માટે 100 થી વધુ કિલો બટેટા પૌઆનું વિતરણ કરાયુ હતુ.
- રથયાત્રા દરમિયાન ઘોઘાસર્કલ ખાતે મહાદેવ મિત્ર મંડળ દ્વારા ભાવિકોને 101 કિલો પેંડાનું વિતરણ કરાયુ હતુ. આ સંસ્થા દ્વારા છેલ્લા 9 વર્ષથી રથયાત્રામાં ભાવિકો માટે પેંડાના વિતરણનો પ્રબંધ કરાય છે. 
- ઘોઘાસર્કલ ખાતે  સાવન કૃપાલ રુહાની મિશન દ્વારા સંત રાજેન્દ્રસિંઘજી મહારાજની પ્રેરણાથી ભાવિકો માટે 350 કિલો શેરાનું ફતનાણી પરિવાર દ્વારા વિતરણ કરાયુ હતુ. તેમજ 5000 કપ ચાનું પણ વિતરણ કરાયુ હતુ.
- ઘોઘાસર્કલ નજીક સંસ્કાર મંડળ ખાતે મિત્રમંડળ દ્વારા બે મોટા પીપ ભરીને ભાવિકોને શરબતનું વિતરણ કરાયુ હતુ.  
- સંસ્કાર મંડળ નજીક રામજી મંદિરે મહંત 1008 દેવીદાસબાપુની પ્રેરણાથી 40 કિલો શાકભાજીથી મિશ્રિત ટેસ્ટફૂલ 150 કિલો ઉપમાનું ભાવિકોને વિતરણ કરાયુ 
- પરિમલ નજીક પરિમલ ગૃપ દ્વારા 200 કિલો ભેળનું ભાવિકોને વિતરણ કરાયુ હતુ. 
- તખ્તેશ્વર વેપારી એસોસીએશન દ્વારા વાઘાવાડી રોડ ખાતે ભાવિકો માટે શરબતના 25,000 મીની પાઉચ, 10,000 મીની બોટલ અને પાણીની 5000 મીની બોટલનું ભાવિકોને વિતરણ કરાયુ હતુ. એસો. દ્વારા 32 વર્ષથી આ પ્રબંધ કરાય છે.
- જય ભવાની મિત્ર મંડળ દ્વારા માધવદર્શન સામે ભાવિકો માટે 15 કેન ભરી ઠંડી છાસનું 7,000 થી વધુ ભાવિકોને વિતરણ કરાયુ હતુ.

રથયાત્રાના સેલ્ફી ફોટો સોશિયલ મીડિયા પર છવાયા

છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ કાર્યક્રમમાં સેલ્ફી ફોટા ક્રેર્ઝ વધ્યો છે. આજે ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પણ યુવાન-યુવતીઓ સેલ્ફી લેતા નજરે પડયા હતા અને સેલ્ફી પાડી ફોટા સોશીયલ મીડિયા પર મૂકયા હતાં. આજે ફેસબુક, વોટસઅપ, ટ્વીટર વગેરે પર રથયાત્રાના ફોટા છવાયા હતાં. લોકોએ જુદા જુદા પ્રકારના ફોટા પાડી સોશીયલ મીડિયા પર ચડાવ્યા હતા, જેના પગલે સોશીયલ મીડિયા પર રથયાત્રાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
Tags :