For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શહેરમાં ફાયર સેફટી, બી.યુ. પરમીશનના મામલે મનપાએ નોટીસ આપી સંતોષ માન્યો

Updated: Sep 14th, 2021


- ફાયર સેફટીના મામલે 7 અને બી.યુ.પરમીશન ના હોય તેવા 14 હોસ્પિટલને નોટીસ અપાઈ હતી 

- નોટીસ આપવાની કામગીરી પણ અચાનક બંધ કરી દેવાતા ભારે ચર્ચા, નોટીસ બાદ કોઈ કારણસર સીલ મારવાની કામગીરી કરવામાં ના આવી 

ભાવનગર : આરંભે શુરા કહેવત જેવી કામગીરી ભાવનગર મહાનગરપાલિકાની જોવા મળી રહી છે. મહાપાલિકા દ્વારા મોટાભાગની કામગીરીની શરૂઆત સારી રીતે કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ ઢીલીનીતી જોવા મળતી હોય છે, જેના પગલે પરિણામ મળતુ નથી, આવુ જ તાજેતરમાં ફાયર સેફટી અને બી.યુ.પરમીશનના મામલે જોવા મળી રહ્યુ છે. ફાયર સેફટી અને બી.યુ.પરમીશનના મામલે મહાપાલિકાએ કેટલાક હોસ્પિટલને નોટીસ આપ્યા બાદ કોઈ કારણસર કાર્યવાહી કરી નથી અને હાલ નોટીસ આપવાનુ પણ બંધ કરી દેવામાં આવતા લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.  

ભાવનગર શહેરની કેટલીક હોસ્પિટલોમાં ફાયર સેફટીના નિયમનુ પાલન થતુ ના હતું. આ ઉપરાંત કેટલાક હોસ્પિટલમાં બિલ્ડીંગ યુઝ પરમીશન (કમ્પ્લીશન સર્ટિફિકેટ) લેવામાં આવેલ નથી. આ મામલે ગત અઠવાડીયામાં ફાયર વિભાગે ૭ હોસ્પિટલને નોટીસ ફટકારી હતી અને પ દિવસ બાદ હોસ્પિટલને સીલ મારવામાં આવશે તેવુ નોટીસમાં જણાવ્યુ હતું. આ ઉપરાંત બી.યુ.પરમીશનના મામલે ૧૪ હોસ્પિટલને નોટીસ આપવામાં આવી હતી અને તેમાં પણ પ દિવસમાં હોેસ્પિટલને સીલ મારવામાં આવશે તેવી સુચના હતી. આ બંને વિભાગ દ્વારા પાંચ દિવસ બાદ પણ સીલ મારવાની કામગીરી કરવામાં આવી ના હતી અને ત્યારબાદ નિયમનુ પાલન ના કરતા અન્ય લોકોને પણ નોટીસ આપવાની અચાનક બંધ કરી દેવામાં આવી છે. 

નિયમનુ પાલન થતુ નથી છતા મહાપાલિકા દ્વારા માત્ર નોટીસ આપી સંતોષ માનવામાં આવે છે તેથી લોકોમાં ભય રહેતો નથી અને લોકો નિયમનુ પાલન કરતા ના હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ફાયર સેફટી, બી.યુ.પરમીશનના મામલે મહાપાલિકા કડક કાર્યવાહી કરશે તો નિયમનુ પાલન થશે પરંતુ હાલ મહાપાલિકા કોઈ કડક કાર્યવાહીના મુડમાં ના હોય તેમ જણાય રહ્યુ છે. આગામી દિવસોમાં મહાપાલિકા નિયમનુ પાલન કરાવવા લાલ આંખ કરશે કે નહી ? તેની રાહ જોવી જ રહી. 

Gujarat