વાડીની નળમાં બાઇક ચલાવવાના મામલે ચાર યુવાન ઉપર હુમલો
- સિહોરના આંબલા ગામે બે પરિવારો વચ્ચે થઇ હતી બબાલ
- મારામારીમાં ઘવાયેલ ઇજાગ્રસ્તોને ભાવનગર હોસ્પિટલાઇઝ કરાયા: આંબલા ગામના ચાર શખસ સામે ફરિયાદ નોંધાવાઇ
ભાવનગર, તા.11 ડીસેમ્બર 2019 બુધવાર
સિહોર તાલુકાના આંબલા ગામે વાડી વિસ્તારની નળમાં બે બાઈક સામ સામે આવી જતા બોલાચાલી બાદ બખેડો સર્જાતા સશસ્ત્ર મારામારી થતા લાકડી-પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરાતા ચાર વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચી હતી જે તમામને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના આંબલા ગામે રહેતા રાજેન્દ્રસિંહ નવલસિંહ ગોહિલ (ઉ.વ.૪૫)એ સોનગઢ પોલીસ મથકમાં પ્રદિપસિંહ પથુભા ગોહિલ, ઇન્દ્રસિંહ પથુભા ગોહિલ, રવિન્દ્રસિંહ પથુભા ગોહિલ, જગતસિંહ ઇન્દ્રસિંહ ગોહિલ (રે. તમામ આંબલા) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગઇકાલે મંગળવારે સવારે ૮ કલાકના અરસા દરમિયાન તેઓ પોતાનું બાઈક લઈ વાડી વિસ્તારની નળમાંથી પસાર થતા હતા તે વેળાએ રવિન્દ્રસિંહ પોતાનું બાઈક લઈ નીકળતા બન્નેના બાઈક સામસામે આવી જતા બોલાચાલી થતાં તેણે લાફો મારી ઝપાઝપી કરી હતી. દરમિયાન ઉક્ત શખસોએ તેઓના ઘર પાસે આવી લાકડી-પાઇપ છરી જેવા હથિયાર ધારણ કરી હુમલો કરી તેને તેમજ તેઓના સબંધીને માર મારી ઇજા પહોંચાડી હતી.
ઉક્ત મારામારીમાં રાજેન્દ્રસિંહ નવલસિંહ ગોહિલ સહિત ચારને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અનુસંધાને સોનગઢ પોલીસે તમામ સામે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તેમજ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.