Get The App

બહેન સાથે આડો સંબંધ ધરાવતા પ્રૌઢની બે ભાઈઓના હાથે હત્યા

- રાજકોટમાં 50 વર્ષના રિક્ષાચાલકનો અનૈતિક સંબંધે ભોગ લીધો

- બંને આરોપી ભાઈઓ સકંજામાં, લાકડી, પાઈપનાં આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા

Updated: Jul 22nd, 2020

GS TEAM

Google News
Google News
બહેન સાથે આડો સંબંધ ધરાવતા પ્રૌઢની બે ભાઈઓના હાથે હત્યા 1 - image


રાજકોટ, તા. 22 જુલાઈ, 2020 બુધવાર

રાજકોટમાં રિક્ષા ચલાવતા ૫૦ વર્ષનાં પ્રૌઢનો ૪૦ વર્ષની મહિલા સાથેના આડાસંબંધનો કરુણ અંજામ આવ્યો છે. ગોંડલ રોડ પરની શિવનગર સોસાયટી-૧૧માં રહેતા રાજેશ બચુભાઈ ચૌહાણ (૫૦) પર ગઈકાલે રાત્રે તેને જેની સાથે આડો સંબંધ હતો તે મહિલાનાં બે ભાઈઓએ લાકડી, પાઈપનાં આડેધડ ઘા ઝીંકી હુમલો કર્યા બાદ આજે સારવાર દરમિયાન મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. માલવીયાનગર પોલીસે બંને આરોપીઓને સકંજામાં લઈ નિયમ મુજબ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જેનો રિપોર્ટ નેગેટીવ આવે તો જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. 

હત્યાનો ભોગ બનનાર રાજેશભાઈને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ત્રણેય પુત્રીઓનાં લગ્ન થઈ ગયા છે. સૌથી નાનો પુત્ર હજુ અપરિણીત છે. તેણે ગઈકાલે માલવીયાનગર પોલીસને હોસ્પિટલના બીછાનેથી ફરિયાદ લખાવી હતી. 

જેમાં જણાવ્યું કે તેને છેલ્લા દસેક વર્ષથી માયાણીનગર આવાસ યોજનાનાં ક્વાર્ટરની પાછળ આવેલા નહેરૂનગર-૩માં રહેતાં સુધા જગદીશ પરમાર (૪૦) સાથે પ્રેમસંબંધ હતો. જે બાબતે સુધાનાં બે ભાઈઓ રજનીશ ધીરૂ સોઢા અને રાહુલ ઉર્ફે લાલાએ તેને બેથી ત્રણ વખત ઠપકો આપી પોતાની બહેન સાથે સંબંધ નહીં રાખવા ચેતવણી આપી હતી. 

ગઈકાલે રાત્રે તે સુધાને મળવા માટે તેનાં ઘરે ગયો હતો. માયાણીનગર ક્વાર્ટર પાસે પહોંચ્યો ત્યારે ત્યાં સુધાનો ભાઈ રજનીશ રહેતો હોવાથી તેને જોઈ ગયો હતો અને ત્યાં જ તેને રજનીશ અને રાહુલે આંતરી કહ્યું કે, તું અમારી બહેન સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે તેમ કહી આવેશમાં આવી ગાળો ભાંડયા બાદ તેની ઉપર લાકડી અને પાઈપ વડે તૂટી પડયા હતા. શરીર પર આડેધડ ઘા વાગતાં તેણે પણ ગાળાગાળી શરૂ કરી હતી. 

જે સાંભળી આસપાસનાં લોકો ભેગા થઈ જતાં બંને ભાઈઓ જતા રહ્યા હતા. ત્યારબાદ કોઈએ તેનાં પરિવારના સભ્યોને જાણ કરતાં જમાઈ વિજય કેશુભાઈ પરમાર અને પુત્રી તેજલ પત્ની જોશનાબેન ત્યાં દોડી આવ્યા હતા અને તેને ૧૦૮માં સિવિલ ખસેડયો હતો. તેને સાથળના ભાગે ફ્રેક્ચર થયું હતું.

તેની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે બંને આરોપી ભાઈઓ સામે આઈપીસી કલમ ૩૨૫ વગેરે હેઠળ ગુનો નોંધ્યો હતો. આજે સાંજે રાજેશભાઈએ સિવિલમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

પીઆઈ ભૂકણે જણાવ્યું કે, જેના કારણે હત્યા થઈ તે સુધાબેનને સંતાનમાં એક પુત્રી છે. જે પુખ્તવયની છે. સુધાબેનનો પતિ ઘરે બહુ રહેતો નથી. રાજેશભાઈને માત્ર પગમાં ફ્રેક્ચર હતું. આમ છતાં તનું મૃત્યુ થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોત પાછળનું સ્પષ્ટ કારણ બહાર આવશે.


Tags :