For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અસિત વોરા, જીતુ વાઘાણીના કૌભાંડમાં હાથ કાળા, સમન્સ પાઠવો : યુવરાજસિંહ

Updated: Apr 22nd, 2023

અસિત વોરા, જીતુ વાઘાણીના કૌભાંડમાં હાથ કાળા, સમન્સ પાઠવો : યુવરાજસિંહ

- ભાજપના મોટા ગજના નેતાઓના કૌભાંડ દબાવવા ધમપછાડા, 7 કોઠા વિંધી સત્ય રજૂ કરવા આવ્યો

- સાડા આઠ કલાકની મેરાથોન પૂછતાછ બાદ યુવરાજસિંહ જાડેજાની ધરપકડ,  રાજકીય કિન્નાખોરી રાખી આરોપીઓને જ સાક્ષી બનાવી સમન્સ પાઠવ્યું

ભાવનગર : ભાવનગરના ચકચારી ડમી કૌભાંડે ભાજપના મોટા ગજના નેતાઓને પણ ભેરવી દીધા હોય તેમ યુવરાજસિંહ જાડેજાએ જીપીએસસીના પૂર્વ અધ્યક્ષ અસિત વોરા અને રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ઉપર સણસણતો આરોપ મુકી બન્નેના કૌભાંડમાં હાથ કાળા હોય, સમન્સ પાઠવવાની માંગણી કરી હતી. અસિત વોરા અને જીતુ વાઘાણી સહિતના અનેક મોટા માથાઓ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો અને સમગ્ર કૌભાંડને ઢાંકી રાખવા તેમની સાથે રાજકીય કિન્નાખોરી રાખી ડમીકાંડના આરોપીઓને જ સાક્ષી બનાવી તેમની વિરૂધ્ધ સમન્સ કાઢવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી જે શક્યતાઓ દર્શાવાઈ રહી હતી તે મુજબ સાડા આઠ કલાકની મેરાથોન પુછપરછ બાદ આખરે યુવરાજસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી હતી.

બહુચર્ચિત ડમીકાંડમાં આજે શુક્રવારે યુવરાજસિંહ જાડેજાએ પોલીસમાં રજૂ થતા પહેલા મીડિયા સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે, સત્ય ઉપર અસત્ય હાવી થઈ રહ્યું છે. ત્યારે સાત કોઠા વિંધી આજે સત્ય રજૂ કરવા અહીં આવ્યો છે. મારા ઉપર નામ છુપાવવાના આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ જે ચાર નામ આપ્યા હતા. તેમાં પોલીસે આજદિન સુધી અધરપડ કે પૂછતાછ કરી નથી. જેના પરથી સ્પષ્ટ કહીં શકાય કે, પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં છે.

કૌભાંડમાં હાથ મેલા કરી ચુકેલા મોટા રાજકીય માથાઓ સમગ્ર કૌભાંડને દબાવવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યા છે અને ડમીકાંડને ડાયવર્ટ કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આરોપીઓને સાક્ષી બનાવી જે રીતે મને સમન્સ પાઠવાયું છે. તે રાજકીય કિન્નાખોરીની વિચારેલી ચાલ છે. ભાવનગરના રાજનેતાઓ જે હાલ સત્તામાં છે, તે લોકો રાગદ્વેશ રાખી ખોટી હવા આપી રહ્યા છે અને કૌભાંડીઓને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

પરંતુ જો મારૂ સમન્સ નીકળતું હોય તો અવધેશ પટેલ અને અવિનાશ પટલે, જશુ ભીલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ અધ્યક્ષ અસિત વોરા અને રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઈએ. પસંદગી મંડળના પૂર્વ અધ્યક્ષ અસિત વોરાના સમયમાં ઘણાં કૌભાંડો થયા છે. તો પૂર્વે શિક્ષણ મંત્રીના નેજા હેઠળ કટકીનો ભાગ પહોંચતો હતો. એટલા પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રી પણ દૂધના ધોયેલા નથી. તેમના સામે સમન્સ કાઢી પૂછતાછ થવી જોઈએ. આ ઉપરાંત પસંદગી મંડળની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, પંચાયત સંવર્ગ ની ભરતીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર-કૌભાંડ થયો હોવાનો પણ યુવરાજસિંહ જાડેજાએ ધડાકો કર્યો હતો.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હાલ હું જે પાર્ટી સાથે સંકળાયેલો છું તે પાર્ટીને દબાવવા અને બદનામ કરવા માટે રીતસરનું રાજકીય ષડયંત્ર ચાલી રહ્યું છે. ભાવનગર બેઠકથી ચૂંટણી લડવા ટિકિટ આપ્યાનું જાહેર કરવાનું હતું. ત્યારે પણ ભાજપના નેતાઓ ઓફર લઈને આવ્યા હતા. જો તેમનો ખેસ પહેરી લીધો હોત તો આજે આ સ્થિતિ ઉભી ન થઈ હોય તેમ જણાવી ઉમેર્યું હતું કે, લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટ ચલાવતો આર.એમ. પટેલ એમપીએચડબ્લ્યુમાં એસઆઈ, જીઆઈનું ફ્રોડ સર્ટિફિકેટ આપતો હોવાનું સ્ટીંગ ઓપરેશન અને પુરાવાઓ આપ્યા હોવા છતાં કૌભાંડને છાવરવા માટે આજદિન સુધી આર.એમ. પટેલને સમન્સ નથી પાઠવાયું કે પોલીસ કાર્યવાહી કરાઈ નથી.

સમગ્ર ડમીકાંડમાં પૂર્વ અને હાલના શિક્ષણમંત્રીઓ, પસંદગી મંડળના અધ્યક્ષના પણ નિવેદન લેવા જોઈએ. એક પણ રૂપિયાના આર્થિક વ્યવહારો થયા ન હોવાની મક્કમતા રાખી પોતાના પર થયેલા આક્ષેપો રાજકીય દ્વેષ, પૂર્વાગ્રહથી થયા હોવાનું ઉમેર્યું હતું.

ઉલ્લેખનિય છે કે, યુવરાજસિંહ જાડેજા બપોરે ૧૨ કલાક બાદ પોલીસ સમથ પોતાનો પક્ષ રાખવા અને નિવેદન આપવા માટે રજૂ થઈ ગયા બાદ સાડા આઠ કલાકની પુછતાછના અંતે પોલીસે વિદ્યાર્થી નેતાની ધરપકડ કરી હતી.

5 પાંડવ પાસે તમામ આધાર-પુરાવા

યુવરાજસિંહ જાડેજાએ પોતાને ખોટી રીતે કૌભાંડમાં ફીટ કરી દેવાની દહેશત હોવાથી પોલીસમાં હાજર થતા પહેલા જે-જે પરીક્ષા-ભરતી કૌભાંડમાં સંડોવાયેલા છે અને સહયોગી છે, તે તમામ લોકો વિરૂધ્ધમાં પુરતા આધાર-પુરાવા છે. આ આધાર-પુરાવાઓ કોઈ પણ અસામાજિક તત્ત્વો કે કૌભાંડને ડામી દેવા મથતા રાજકીય માથાઓ નાશ ન કરે તેના માટે વિદેશ, ગુજરાત અને ગુજરાત બહાર રહેતા તેમના અંગત મિત્રો એવા પાંચ પાડવને યોગ્ય સમયે પ્રેસ અને જનતા સમક્ષ પહોંચાડવા આધાર-પુરાવા આપી દીધા હોવાનું વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું.

મારું હીટ એન્ડ રન કરી પતાવી દેવાનું ષડયંત્ર

ભાવનગરનું ડમીકાંડ હવે રાજકીય રૂપ લેવા માંડયું છે, રાજ્યના સૌથી મોટા કૌભાંડમાં મોટા ગજના માથાઓ-નેતાઓની સંડોવણી હોવાનો દાવો કરવામાં આવતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. તેવામાં પોલીસ સમક્ષ જવાબ રજૂ કરવા આવતા પહેલા યુવરાજસિંહ જાડેજાએ પોતાને ધમકી મળી રહી હોવાનું અને હીટ એન્ડ રન કરી પતાવી દેવાનું ષડયંત્ર રચાઈ રહ્યાનું કહ્યું હતું. આ અગાઉ પણ પરિવારજનોને ધમકી મળતી હોય, પોલીસ પ્રોટેક્શન આપવા તેમણે માંગણી કરી હતી.

30 નહીં 100 થી વધુના નામનું લિસ્ટ આપવા સક્ષમ

એમપીએચડબ્લ્યુ (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર)ના કૌભાંડી અને સહયોગી મળી ૩૦ કૌભાંડીઓના બંધ કવરમાં નામ લઈને પહોંચેલા યુવરાજસિંહ જાડેજા મીડિયા સમક્ષ પોતે ૩૦ નહીં ૧૦૦થી વધુ નામનું લિસ્ટ આપવા સક્ષમ હૂંકાર કર્યો હતો. વર્ષ ૨૦૧૨થી નહીં પરંતુ સમગ્ર કૌભાંડ ૨૦૦૪થી ચાલી રહ્યું છે. તેમાં રાજકીય નેતાઓની પણ ભાગબટાઈ હોવાનો દાવો કર્યો હતો.

મોનિટરિંગ સભ્ય તરીકે સ્થાન શા માટે નહીં

વર્ષ ૨૦૧૯માં તેમણે બિન સચિવાલયનું કૌભાંડ છતું કર્યું ત્યારે સીટની રચના કરાઈ હતી અને તેમાં જાણકારી-માહિતી મેળવવા મોનિટરિંગ સભ્ય તરીકે તેઓને સભ્ય તરીકે નિમવામાં આવ્યા હતા. પરંતુ ભાવનગરમાં તો અવળી ચાલ હોય તેમ પોતાને જ પોલીસે પૂછતાછ માટે સમન્સ મોકલ્યું છે. ડમીકાંડમાં પણ સીટની રચના થઈ છે, ત્યારે તેમને મોનિટરિંગ સભ્ય તરીકે શા માટે સ્થાન નથી આપવામાં આવ્યું ? તેવો સવાલ યુવરાજસિંહે કર્યો હતો.

એસ.પી. કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ

ચકચારી ડમી કૌભાંડને ઉજાગર કરનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આજે શુક્રવારે એસઓજી સમક્ષ પોતાનો પક્ષ મુકવા ભાવનગર આવ્યા ત્યારે એસ.પી. કચેરી ખાતે પોલીસનો મસમોટો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખૂદ એસ.પી. કચેરી જ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હોય તેમ ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર, ચાર પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ૫૦ મહિલા અને પોલીસ જવાન, આઈબીનો સ્ટાફ, ૧૬ બોડી વોર્મ કેમેરા અને પોલીસ સિવાયના અન્ય તમામ લોકોની પ્રવેશબંધી માટે બેરિકેટ્સ મુકી દેવાયા હતા.

ભીડભંજનદાદાના દર્શન કરી પોલીસ સમક્ષ હાજર 

બીજા સમન્સ બાદ સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની કચેરીએ પોતાનો પક્ષ મુકવા આવેલા યુવરાજસિંહ જાડેજાએ ગઈકાલે જ સોશિયલ મીડિયામાં પોતે ભાવનગરમાં નિલમબાગ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના આશીર્વાદ લઈ પોલીસને કૌભાંડીઓના નામ આપવાની જાહેરાત કરી હતી. જેને લઈ આજે શુક્રવારે સવારે ભાવનગર આવેલા યુવરાજસિંહે નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી બાદ ભીડભંજન મહાદેવના દર્શન કરી તેમના સમર્થકો સાથે નવાપરા સ્થિત રેલ સ્વરૂપે એસ.પી. કચેરીએ પહોંચી નિયત સમયથી એક કલાક વહેલા પહોંચી પોલીસ સમક્ષ હાજર થયા હતા.

પોલીસ અને આપના નેતા વચ્ચે ચકમક ઝરી

ડમી કૌભાંડે હવે રાજકીય રંગ ધારણ કરી લીધો છે. સમગ્ર કૌભાંડને ઉઘાડું પાડનારા યુવરાજસિંહ જાડેજાની પડખે આમ આદમી પાર્ટી ચડી ગઈ છે. આજે એસઓજી સમક્ષ નિવેદન નોંધાવવા આવેલા વિદ્યાર્થી નેતા એસ.પી. કચેરી ખાતે પહોંચ્યા ત્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી સહિતના આગેવાનોએ પોલીસ નિવેદન નોંધવાના સમયે યુવરાજસિંહની સાથે પાંચ બીજા વ્યક્તિને સાથે રહેવા માંગણી કરી હતી. જે માંગને ન સ્વીકારવામાં આવતા એક સમયે પોલીસ અને આપના નેતાઓ વચ્ચે ચકમક ઝરી હતી.

આહવાનના પગલે યુવાઓ સમર્થન માટે ભાવનગર પહોંચ્યા, રાત સુધી ધામા

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કૌભાંડ, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટ સિસ્ટમમાંથી આઝાદી અપાવવા માટે જે લડાઈ લડવામાં આવી રહી છે તેમાં યુવાનોને સમયદાન આપવા માટે આહવાન કરી પોલીસ સમક્ષ જવાબ રજૂ કરવા જતા સમયે યુવાનો ઉપરાંત સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓને સાથે જોડાવવા માટે કહ્યું હતું. જેના પગલે કાળઝાળ ગરમીમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપરાંત સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સુરેન્દ્રનગર, ગાંધીનગર, ભાવનગરના યુવાનો, એનએસયુઆઈ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં તેમની સાથે જોડાયા હતા. એસ.પી. કચેરીએ યુવાનો-આગેવાનોના ટોળા એકઠા થતાં બંદોબસ્તમાં રહેલી પોલીસે તમામને એસ.પી. કચેરીથી ૧૦૦ મીટર દૂર ઉભા રાખ્યા હતા. યુવાનોએ પણ વિદ્યાર્થી નેતા માટે ભૂખ્યાં-તરસ્યા રહી રાત્રિ સુધી ધામા નાંખ્યા હતા.

156 + 3 ના હાથીના કાનમાં ઘૂસી તાંડવ કરીશ

પોલીસના તેડાં બાદ યુવરાજસિંહ જાડેજા આક્રમક થયા હતા. ડમીકાંડમાં સમન્સના કારણે પોલીસમાં હાજર થતા સોશિયલ મીડિયામાં સરકાર સામે પણ બાયો ચડાવી ૧૫૬ + ૩ના હાથી (ભાજપ સરકાર)ના કાનમાં ઘૂસી તાંડવ કરીશ તેવો હૂંકાર કર્યો હતો. યુવરાજસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, આઝાદી બાદ ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ૧૮૦૦ પાદર દેશના ચરણોમાં સમર્પિત કર્યા હતા. ત્યારે અમે લઈને નહીં લડીને લેવાનો ગુણ ધરાવીએ છીએ. એટલે જ ડંકાની ચોટ ઉપર ૨૦૧૨થી નહીં ૨૦૦૪થી જે કાંઈ કૌભાંડો થયા છે, તેને ઉઘાડા પાડવાનો દાવો કર્યો હતો.

Gujarat