એશિયાટિક લાયનને ગીર કે ગુજરાતી લાયન નામ આપી સંરક્ષણની ગાથાનું ગૌરવ લઇ શકાય
ભાવનગર, તા. 17 નવેમ્બર 2018, શનિવાર
ગુજરાત જૈવ વિવિધતા માટે દુનિયાભરમાં ખુબ જ આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતના ભૂગોળ, વરસાદ અને આબોહવાના વૈવિધ્યાતાને કારણે વિવિધ પ્રકારના પરિસરતંત્ર અને રહેઠાણોની રચના થયેલી છે. જેથી આ પરિસરતંત્રોમાં રહેનારા પ્રાણીઓમાં પણ જૈવવિવિધતા જોવા મળે છે.
જ્યારે ગુજરાતેના જૈવવિવિધતાની વાત આવે એટલે અચૂકપણે એશિયાઇ સિંહ (એશિયાટિક લાયોન) અને ઘુડખર (જંગલી ગધેડા)નું નામ આવે કારણ કે આ બંને પેટાજાતિઓ ગુજરાત સિવાય અન્ય કોઇ જગ્યાએ જોવા મળતી નથી. જેને એન્ડેમિક જાતિ કહેવામાં આવે છે. ત્યારે આ સિંહોને પણ જો ગીરલાયન અથવા ગુજરાતી લાયન નામ અપાય તો લોકોની લાગણી બંધાયેલી રહે છે.
એશિયાઇ સિંહ કે જે આપનું રાજ્ય પ્રાણી છે અને હમણાં જ આપનું રાજ્ય પ્રાણી ખુબ ચર્ચામાં રહ્યું. અગાઉ તેના શિકાર બાબતે ત્યારબાદ સંરક્ષણ બાબતે અને તાજેતરમાં તેની ઉપર તોળાઇ રહેલા એક ચેપી રોગ બાબતે. સ્વાભાવિક પણે જો સિંહ જેવી મહત્વની જાતિ ઉપર જોખમ હોય તો તેના સંરક્ષણ બાબતે જરૂરથી તેમને મધ્યપ્રદેશ કે કોઇ અન્ય કોઇ જગ્યાએ ખસેડવાની વાત જરૂરથી થાય. કારણ કે કેટલાક સંશોધનના નિષ્કર્ષરૂપે સુજાવ આપવામાં આવેલો હતો કે ભૂતકાળમાં આફ્રિકામાં બનેલી એક ઘટના જેમાં રોગચાળાને કારણે મોટી સંખ્યામાં સિંહના મૃત્યુ થયા હતા તેવી ઘટના જો ગીર વિસ્તારમાં થાય તો સિંહની આ પેટાજાતિ નાશ થઇ જાય, જેથી તેના બચાવ માટે અન્ય સ્થળ પર ખસેડવામાં આવે.
ખરેખર શું સિંહને ખસેડવાની જરૃરિયાત છે ? વૈજ્ઞાાનિક રીતે તેનો જવાબ કદાચ હા આવશે. અહી મુદ્દો તેમને ખસેડવા કે ન ખસેડવાનો નથી. ગીર, સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના લોકોની એશિયાઇ સિંહ પ્રત્યેની લાગણીઓ. જ્યારે જ્યારે સિંહની વાત આવે છે ત્યારે ત્યારે ગિર અને સૌરાષ્ટ્રની વાતો લોકોના મોઢે આવી જ જાય છે. સિંહ ફક્ત જંગલમાં જ નહિ ગુજરાત અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિમાં પણ વણાયેલ છે. આજે આપણે સૌ જાણી છીએ કે જો આ એશિયાઇ સિંહ (એશિયાટિક લાયોન) બચ્ચા હોય તો ત્યાંના સ્થાનિક લોકોની ભાવના, સહનશીલતા, યોગદાન અને પ્રયત્નોથી આ વિસ્તારમાં જ્યારે જ્યારે કોઇ માલધારીની ગાય, ભેંસ કે બળદ સિંહ શિકાર કરીને લઇ જાય ત્યારે ત્યારે તેઓ આદર પૂર્વક પ્રકૃતિના ક્રમ અને નિયમને સ્વીકારે છે અને ક્યારેય સિંહને નુકશાન કરતા નથી.
આ સિંહ પ્રત્યેની લાગણી શું કોઇ ઇચ્છે કે તેમણે સાચવેલા સિંહ કોઇ બીજી જગ્યાએ લઇ જવામાં આવે ? 'ના' આ લાગણી દુભાવી ન જોઇએ. પરંતુ બીજી બાજુ સિંહનું સંરક્ષણ પણ અગત્યનું છે. એકબાજુ સિંહનું સંરક્ષણ છે તો બીજી બાજુ લોક લાગણી ! આ બન્ને બાબતોને એક તરાજવામાં તોલવા મુશ્કેલ છે. પરંતુ આ મુશ્કેલી સમસ્યા સ્વરૃપે સિંહ પર આવી પડશે તો કદાચ એશિયાઇ સિંહ ફક્ત ફોટોમાં જ રહી જશે. આ મુશ્કેલીના સમાધાનના ભાગરૂપે આ સિંહની પેટાજાતિ અગાઉ ગુજરાત ઉપરાંત ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ હતી. પરંતુ તેમના શિકાર, રહેઠાણના નુકશાન જેવા ખતરાને કારણે ફક્ત ગુજરાતના ગિર વિસ્તારમાં જ જોવા મળે છે. ત્યારે આ એશિયાઇ સિંહ કે જે હવે ફક્ત ગિર અને તેની આસપાસના જ જંગલમાં જોવા મળે છે તો તેને એશિયાટિક લાયોન ન કહેતા ગિર લાયોન (ગિર સાવજ) અથવા ગુજરાતી લાયોન જેવું નામ આપી દઇએ તો? જો આ નામ આપ્યા બાદ તે ભલે ભારતના કોઇપણ પ્રાંતમાં જાય તે ગિર અથવા ગુજરાતનું નામ સાથે લઇને જશે. ગિર લાયોનની સાથે ફક્ત ગિરનું નામ નહિ પરંતુ લોકો દ્વારા સંરક્ષણની ગાથા દેશ-વિદેશમાં સાથે જશે.
જ્યારે અમેરિકાની કોઇ કંપનીમાં સીઇઓ તરીકે કે નાસા જેવી સંસ્થામાં વૈજ્ઞાાનિક તરીકે કોઇ ગુજરાત હોય તો તે બાબતનો આપણને ગર્વ થાય છે. તેવી જ રીતે, જ્યારે આપણો ગિર લાયોન (ગિર સાવજ) અન્ય જંગલ વિસ્તારમાં જશે તો તે ફલેગશીપ જાતિ હોવાને કારણે અન્ય પ્રાણી પક્ષીઓનું પણ સંરક્ષણ થઇ શકશે. જેથી આજે એશિયાઇ સિંહ કે જે એશિયામાં જ હોતા ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે તો તેને ગિર લાયોન અથવા ગુજરાત લાયોન તરીકે નામકરણ કરવામાં આવે. જેથી લોક લાગણી અને સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાઇ રહે. તેવી માગ ગીરફાઉન્ડેશનના કો.સંદિપ મુજપરા દ્વારા કરાઇ છે.