For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હીરા ઉદ્યોગમાં હજુ એક મહિનો મંદીના અણસાર

Updated: Nov 22nd, 2022

Article Content Image

- રફ માલ મોંઘો અને પોલિશ્ડ ડાયમંડની ડિમાંડ ઓછી

- દિવાળી વેકેશન બાદ પણ હીરા ઉદ્યોગની ચમક ઝાંખી, ડોલરના ભાવની ઉથલ-પાથલથી પણ વિપરીત અસર

ભાવનગર : ભાવનગરના મુખ્ય ઉદ્યોગ પૈકીના હીરા વ્યવસાય ઉપર દિવાળી પહેલાની લાગેલો મંદીનો કાંટ દિવાળી વેકેશન ખુલ્યા બાદ પણ રહ્યો છે. કારખાના-ઓફિસો તો ધમધમતી થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી હીરા ઉદ્યોગની ચમક ઝાંખી રહી છે. હાલની સ્થિતિ જોતા ડાયમંડ વ્યવસાયમાં હજુ પણ એકાદ માસ મંદીનો ઓછાયો રહે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં હજારો પરિવાર હીરા ઉદ્યોગ ઉપર નભે છે. પરંતુ આ વર્ષે હીરા ઉદ્યોગ ઉપર મંદીના વાદળો ઘેરાયેલા રહેતા રત્નકલાકાર પરિવારો દિવાળીના તહેવારમાં મૂંઝાયા હતા. કારખાનેદારોએ પણ મંદીની સ્થિતિને કારણે દિવાળી વેકેશન લંબાવ્યું હતું. નવા વર્ષમાં ઉઘડતી બજારે સ્થિતિ સુધરશે તેવી આશા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાવેલા તમામ લોકોને હતી. પરંતુ તે આશા પણ પણ મંદીએ પાણી ફેરવી દીધું હોય તેમ હવે ડિસેમ્બર-જાન્યુઆરીમાં જ હીરા ઉદ્યોગમાં તેજીની ચમક શકે તેવી આશા રાખવામાં આવી રહી છે. મંદીના મુખ્ય કારણમાં આંતરરાષ્ટ્રીય બજારમાં રફ માલના ભાવ ઉંચકાયા હોવાથી રો-મટીરિયલ્સ મોંઘું મળી રહ્યું છે. તેની સાથે પોલિશ્ડ ડાયમંડની બજારમાં ડિમાંડ ઓછી છે. આ ઉપરાંત ડોલરના વધ-ઘટ ભાવે રૂપિયામાં કરેલી ઉથલ-પાથલથી પણ હીરા ઉદ્યોગ પર તેની વિપરીત અસર વર્તાઈ હતી. અત્યારે ભાવનગરમાં તમામ કારખાના-ઓફિસો તો શરૂ થઈ ગઈ છે. પરંતુ લગ્નગાળો, ચૂંટણીના વાતાવરણને કારણે હજુ જોઈએ તેટલી તેજી આવી નથી. એટલે જ ડિસેમ્બરના પહેલા વીક અથવા ક્રિસમસ-ન્યૂ યર બાદ જાન્યુઆરીમાં હીરા ઉદ્યોગ ફરી રાબેતા મુજબ ધમધમતો થશે તેવું ડાયમંડ વ્યવસાયકારો જણાવી રહ્યા છે.

Gujarat