ડેંગ્યુ મચ્છરોનો કહેર, વધુ 19 કેસ નોંધાતા ફફડાટ
- છેલ્લા બે દિવસમાં ભાવનગર શહેરમાં પ અને જિલ્લામાં 14 પોઝીટીવ કેસ નોંધાયા
- ડેંગ્યુ, મેલેરીયા સહિતના રોગચાળાના પગલે અનેક લોકોનુ દિવાળી પર્વ બગડશે
- આરોગ્ય વિભાગની દવા છંટકાવ, ફોગીંગ સહિતની કાર્યવાહી વચ્ચે પણ માથુ ઉંચકતો રોગચાળો
ચોમાસા બાદ ભાવનગર શહેર અને જિલ્લામાં રોગચાળાએ માથુ ઉંચકયુ છે, જેમાં ડેંગ્યુ, મલેરીયા સહિતના પાણીજન્ય રોગના કેસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તેથી લોકો મૂશ્કેલીમાં મુકાય ગયા છે. છેલ્લા બે દિવસમાં ભાવનગર શહેર અને જિલ્લામાં ડેંગ્યુના વધુ ૧૯ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ છે. રોગચાળો વધતા ભાવનગર મહાપાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ, ફોંગીગ, પત્રીકા વિતરણ સહિતની કામગીરી હાથ ધરી છે પરંતુ રોગચાળો અટકવાનુ નામ લેતો નથી તેથી અનેક લોકોની દિવાળી બગડશે તેમ જણાય રહ્યુ છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ૧૯ ડેંગ્યુના પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામેલ છે, જેમાં શહેરમાં આજે મંગળવારે ડેંગ્યુના પાંચ પોઝીટીવ કેસ નોંધાયા હતા, જયારે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે સોમવારે ડેંગ્યુના ૮ પોઝીટીવ કેસ અને આજે મંગળવારે ડેંગ્યુના ૬ પોઝીટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારમાં ગત જાન્યુઆરી માસથી આજદિન સુધીમાં આશરે ૧૩૦ ડેંગ્યુના કેસ નોંધાયા છે, જેમાં છેલ્લા બે માસમાં આશરે પ૦થી વધુ ડેંગ્યુના કેસ નોંધાયુ હોવાનુ જાણવા મળેલ છે. જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ગત જાન્યુઆરી માસથી આજદિન સુધીમાં કુલ ૪૯ ડેંગ્યુના પોઝીટીવ કેસ નોંધાયા હતા, જેમાં છેલ્લા બે માસમાં ડેંગ્યુના કેસમાં વધારો થયો છે તેથી લોકો ચિંતીત જોવા મળી રહ્યા છે.
શહેર અને જિલ્લામાં છેલ્લા દસ માસમાં આશરે ૧૭૯ ડેંગ્યુના પોઝીટીવ કેસ નોંધાયા હોવાનુ આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ દવા છંટકાવ, ફોગીંગ, પોરાનાશક સહિતની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતા રોગચાળો અટકવાનુ નામ લેતો નથી તેથી લોકો પરેશાન થઈ ગયા છે. રોગચાળાના પગલે ઘણા લોકો બિમારીમાં સપડાયા છે. માંદગીના કારણે અનેક લોકોની દિવાળી બગડશે તેમ જણાય રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગે કડક પગલા લેવા જરૂરી બની રહે છે.