Get The App

વલ્લભીપુરના લાખણકાના ઢાળ પાસેથી વિદેશી દારૂની 298 પેટી ભરેલું આઇસર ઝડપાયું

Updated: Mar 30th, 2023

GS TEAM

Google News
Google News
વલ્લભીપુરના લાખણકાના ઢાળ પાસેથી વિદેશી દારૂની 298 પેટી ભરેલું આઇસર ઝડપાયું 1 - image


વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં રાત્રે મજુર બોલાવી મુદ્દામાલની ગણતરી કરાઇ

ઢસાથી ટ્રકનો ડ્રાઇવર બદલાયો, ટ્રકને અટકાવતા ફોર વ્હીલમાં આગળ જતો મુખ્ય સુત્રધાર ફરાર

ભાવનગર: ભાવનગર એલસીબી, પેરોલ ફર્લોના સ્ટાફને મળેલી પૂર્વ બાતમી આધારે વલ્લભીપુરના લાખણકા ગામના ઢાળ પાસે આયશર ગાડીમાંથી ૨૨૯ પેટીમાંથી ૩૫૭૬ બોટલ ઇંગ્લીશ દારૂના મસમોટા જથ્થા સાથે રાજસ્થાનના શખ્સની અટકાયત કરી હતી. જ્યારે ભાવનગરનો બુટલેગર પકડવાના બાકી હોવાનું જણાયું હતું.

મળતી વિગતો મુજબ ભાવનગર એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોર્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મરૂન કલરના કેબીનવાળા કાઠીયાવાડી ટ્રાન્સપોર્ટ બોર્ડ મારેલ આયશર રજી. નં.જીજે-૧૦-ટીટી-૮૫૪૬ વાળા ઇંગ્લીશ દારૂ ભરી ઉમરાળા તરફથી આવતો હોવાની મળેલ બાતમી આધારે પોલીસે વલ્લભીપુરના લાખણકા ગામના ઢાળ પાસે આઇશર ગાડીની વોચ ગોઠવી હતી અને આયસરને અટકાવી ડ્રાઇવરને ઉતારી નામ પુછતા છગનલાલ મનુ રહે. જોલવાટ પોસ્ટ બાંસવારા બાગીદારો રાજસ્થાનવાળો હોવાનું જણાવેલ. ટ્રક ફરતી બાંધેલ તાડપતરી ખોલી આસપાસના પાછળના ભાગે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની પેટીઓ હતી જે રાત્રીના અંધારાના કારણે ચાલુ હાઇવે ઉપર ગણતરી શક્ય ન હોય આયશર ટ્રકને તથા ડ્રાઇવરને વલ્લભીપુર પોલીસ સ્ટેશન ખાતે ૧૧ કલાકે લાવી મજુરો મારફત દારૂ નીચે ઉતારી ગણી જોતા ઓલ સીઝન લખેલ ત્રણ પેટી, મેજીક મોમેન્ટ લખેલ ૧૧૧ પેટી, મેકડોવેલ્સ નં.૧ની ૨૫ પેટી, રોયલ ચેલેન્જની ૩૦ પેટી, રોયલ સ્ટેગની ૩૦ પેટી, ગ્રીન લખેલ ૭૨ પેટીમાંથી કુલ મળી ૩૫૭૬ બોટલ મળી આવી હતી. જ્યારે ડ્રાઇવરની જડતી કરતા ખીસ્સામાંથી વીવો કંપનીનો મોબાઇલ મળી આવેલ જ્યારે ડ્રાઇવરને આ જથ્થો ક્યાંથી ભરેલ છે પુછતા યોગેશ ચેલારામ રે.ભાવનગરએ દારૂના માલની ગાડી લેવા ઢસા જવાનું જણાવી સવારે ઢસા ગયેલ જ્યાં અજાણ્યા વ્યક્તિએ આ આયસર સોંપી ગયો હતો અને યોગેશ ચેલારામ આયસર ટ્રકની સાથે સાથે તેની ફોર વ્હીલ ગાડીમાં આગળ આગળ ચાલતો હતો અને તેની પાછળ પોતે ટ્રક હંકારતો હતો. જ્યારે પોલીસે આયશર ટ્રક રોકેલ ત્યારે યોગેશ નાસી છુટયો હતો. એલસીબી પોલીસે મુદ્દામાલ સાથે પકડાયેલ છગનલાલ મનુ સામે પ્રોહિ. એક્ટની કલમ મુજબ વલ્લભીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

Tags :