ઇ-બસ સેવાની વાતો વચ્ચે ભાવનગરમાં માત્ર બે રૃટ પર જ સિટી બસ ચાલે છે
- ભાવનગર મહાપાલિકામાં વર્ષોથી ભાજપનુ રાજ છતાં સિટી બસ સેવામાં ધાંધીયા
- ઇ-બસ સેવા શરૃ થતા હજુ લાંબો સમય લાગશે ત્યારે લોકહિતમાં શહેરના તમામ વિસ્તારમાં સિટી બસ સેવા કરવી જરૃરી
ભાવનગર શહેરમાં ઘણા વર્ષ પૂર્વે શહેરના જુદા જુદા વિસ્તારમાં સીટી બસ દોડતી હતી, જેના પગલે સીટી બસમાં મુસાફરી કરતા લોકોને ખુબ જ ફાયદો થતો હતો અને રાહત થતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી સીટી બસ સેવામાં ધાંધીય જોવા મળી રહ્યા છે અને હાલ માત્ર સીટી બસ સેવાના બે રૃટ શરૃ છે, જેમાં ગંગાજળીયા તળાવથી ભરતનગર શહેર ફરતી સડક-શિવનગર સુધી તેમજ ગંગાજળીયા તળાવથી ઘોઘાસર્કલ અને ૧ર નંબરના બસ સ્ટેન્ડ સુધીના રૃટનો સમાવેશ થાય છે. આ બંને રૃટ પર સીટી બસ દોડતી રહે છે, જેના કારણે આ બંને રૃટના મુસાફરોને રાહત રહે છે, જયારે અન્ય વિસ્તારમાં સીટી બસ સેવા બંધ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભાજપના રાજમાં સીટી બસ સેવા સરખી ચાલતી નથી અને મોટાભાગના રૃટ બંધ છે ત્યારે હવે ભાજપ શાસકો દ્વારા પીએમ ઇ-બસ સેવાની વાતો કરવામાં આવી રહી છે. ઇ-બસ સેવા હેઠળ ભાવનગર શહેરને ૧૦૦ ઇ-બસ આપવામાં આવશે અને ઇ-બસ સેવા શરૃ થયા બાદ લોકોને લાભ થશે પરંતુ આ યોજના શરૃ થતા હજુ લાંબો સમય લાગે તેમ છે ત્યારે હાલ લોકોને તત્કાલ લાભ મળી શકે તે માટે શહેરના તમામ વિસ્તારમાં સીટી બસ સેવા મહાપાલિકાએ શરૃ કરવી જરૃરી છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.
ઇ-બસ સેવા યોજના હેઠળ નવા સીટી બસ ડેપો તથા વર્કશોપ બનાવવાના કામનું ઈ-ખાતમુહૂર્ત કરાયુ
ભાવનગર શહેરના લોકોને જાહેર પરિવહન સેવાની સુવિધા ઉપલબ્ધ કરવા માટે કેન્દ્ર સરકારની પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ નવા સીટી બસ ડેપો તથા વર્કશોપ બનાવવાના કામનું ઈ-ખાતમુહૂર્ત આજે બુધવારે કેન્દ્રીય મંત્રી અને મેયરના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમ, સરદારનગર ખાતે યોજાયો હતો, જેમાં પીએમ ઈ-બસ સેવા યોજના અંતર્ગત ૧૦૦ નંગ મીડિયમ ઇ-સીટી બસ ફાળવવામાં આવનાર છે, જેનાથી ભાવનગર મહાનગરપાલિકાના હદના વિસ્તારમાં વસતા તેમજ તેની આસપાસના ભાવનગર મહાનગરપાલિકાના હદથી ૧૫ કિલોમીટર ત્રિજ્યાના ક્ષેત્રમાં આવેલ ગામોના વિસ્તારના નાગરિકોને જાહેર પરિવહન સેવાની સુવિધા પ્રાપ્ત થશે તેવો મહાપાલિકાએ દાવો કર્યો છે.
શહેરના મુસાફરો ના છુટકે રીક્ષાના વધુ ભાડા ચુકવવા મજબુર
ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષથી સીટી બસ સેવામાં ધાંધીયા જોવા મળી રહ્યા છે અને માત્ર સીટી બસ સેવાના બે રૃટ શરૃ છે. શહેરમાં હાલ સીટી બસ સેવાના મોટાભાગના રૃટ બંધ હોવાથી મુસાફરો ના છુટકે રીક્ષાના વધુ ભાડા ચુકવવા મજબુર બન્યા છે. શહેરના કાળીયાબીડ, સિદસર, ચિત્રા, હાદાનગર, કુંભારવાડા, જવેલ્સ સર્કલ, આનંદનગર, બંદર રોડ સહિતના વિસ્તારોમાં સીટી બસ સેવા બંધ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સીટી બસ સેવા શરૃ કરવા વારંવાર રજૂઆત થઈ છે છતાં મહાપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને ભાજપના શાસકો નિષ્ક્રિીય જોવા મળી રહ્યા છે. સીટી બસ સેવાના પ્રશ્ને મહાપાલિકા અને ભાજપ શાસકો દ્વારા યોગ્ય પગલા લેવામાં આવશે કે નહીં ? તેની રાહ જોવી જ રહી.