યાત્રાધામ પાલિતાણામાં યોજાનાર 6 ગાઉની યાત્રાને લઈને તમામ ધર્મશાળાઓ હાઉસફૂલ
- બોર્ડની પરીક્ષા પુરી થઈ હોય યાત્રિકોની સંખ્યા વધશે
- શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા પાવનકારી 6 ગાઉની યાત્રાના આયોજનને આખરી ઓપ અપાયો
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા હાથ ધરાનાર માઈક્રો પ્લાનીંગ અંતગર્ત પ્રાથમિક તબકકાની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવેલ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દેશભરમાંથી હજજારો જૈન તથા જૈનેતરો આ યાત્રા ભાવ અને ભકિતપૂર્વક કરી પુણ્યનું ભાથુ બાંધે છે.પવિત્ર યાત્રાધામ પાલિતાણા ખાતે આગામી તા.૨૩ માર્ચે આયોજિત આ પાવનકારી છ ગાઉની યાત્રાના ભગીરથ આયોજનને અનુલક્ષીને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા યાત્રાના એકાદ માસ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. યાત્રાનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ આખરી તૈયારીઓને ઓપ અપાઈ રહ્યો છે. ચાલુ વર્ષે યાત્રાધામ પાલિતાણામાં છ ગાઉની યાત્રાને લઈને ૯૦ ભકિતપાલ ઉભા કરવામાં આવનાર છે. અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ બે તેરસ ઉજવાશે. એટલે કે, કચ્છી સમાજ (અચલગચ્છ) સમાજ દ્વારા પ્રથમ ફાગણ સુદ ૧૩ એટલે કે, તા.૨૨ માર્ચે છ ગાઉની યાત્રા કરાશે. આ દિવસ નિમીત્તે પણ ભકિતપાલ ઉભો કરાશે. જેમાં ખાણીપીણીની નીયત આઈટમ્સનો ભાવિકો ઉપયોગ કરી શકશે. દર વર્ષ કરતા ચાલુ વર્ષે છ ગાઉની યાત્રામાં યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થશે કારણ કે, આગામી તા.૨૩ માર્ચે છ ગાઉની યાત્રા વખતે ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની મહત્વની પરીક્ષાઓ પૂર્ણ થઈ જાય છે તેમજ તા.૨૩ માર્ચે ચોથો શનિવાર આવે છે ત્યારબાદ રવિવાર અને તા.૨૫ મીએ ધૂળેટીની જાહેર રજા આવતી હોય સરકારી કર્મચારીઓને ત્રણ દિવસનું મીની વેકેશન હોય જેથી ત્રણ દિવસનું મીની વેકેશન હોય યાત્રિકોનો ધસારો વધુ રહેશે.આ યાત્રા દરમિયાન પાલિતાણા, ભાવનગર અને અમદાવાદના સ્વયંસેવકો અવિરતપણે ખડે પગે સેવા આપતા હોય છે.અત્રેે એ નોંધનીય છે કે, છ ગાઉની યાત્રા દરમિયાન યાત્રિકો માટે આરોગ્યની તમામ સુવિધાઓ પેઢી દ્વારા ઉપલબ્ધ કરાય છે.