આંતર યુનિવર્સિટી વેસ્ટઝોન ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરની ટીમને ગોલ્ડ મેડલ મળ્યો

ભાવનગર, તા. 02 ઓક્ટોબર 2019, શનિવાર
ઓલ ઇન્ડીયા આંતર યુનિવર્સિટી ટેબલ ટેનિસ સ્પર્ધા માટે ભાવનગર યુનિવર્સિટીની ભાઈઓની ટીમ બે દિવસ પૂર્વે કવોલીફાઈ થઈ ગઈ હતી. ઈન્દ્રોર ખાતે આંતર યુનિવર્સિટી વેસ્ટઝોન ટેબલ ટેનિસ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ભાવનગર યુનિવર્સિટીના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વેસ્ટઝોનમાં ભાવનગરની ટીમે ડંકો વગાડી દીધો હતો.
ઈન્દ્રોર ખાતે તાજેતરમાં આંતર યુનિવર્સિટી વેસ્ટઝોન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ભાવનગર યુનિવર્સિટીની ટીમના કેપ્ટન કૌશલ ભટ્ટ, પરાગ ચાંદલીયા, કરણપાલ જાડેજા, શીવરાજસિંહ ઝાલા, અજ્ઞાન રાજ્યગુરૂ વગેરે ખેલાડીઓએ સુંદર દેખાવ કર્યો હતો. બે દિવસ પૂર્વે ભાવનગરની ટીમે કવોલીફાઈ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.
ભાવનગર યુનિવર્સિટી સહિતની ચાર ટીમ કવોલીફાઈ રાઉન્ડમાં પહોંચી હતી, જેમાં ભાવનગર યુનિવર્સિટીની ટીમના ખેલાડીઓએ સુંદર રમત રમી ભોપાલની ટીમ સામે 3-2, બીકાનેર સામે 3-0 અને આજે શનિવારે પુના સામે 3-2ના સ્કોરથી વિજય મેળવી ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. આ સ્પર્ધામાં ભાવનગરની ટીમમાંથી રમતા કૌશલ ભટ્ટે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને આ ખેલાડી આ સ્પર્ધાની એક પણ મેચ હાર્યો ન હતો. આ ઉપરાંત અન્ય ખેલાડીઓએ પણ સરસ પ્રદર્શન કર્યુ હતું.
આંતર યુનિવર્સિટી વેસ્ટઝોન ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગર યુનિવર્સિટીના ખેલાડીઓએ આક્રમક રમત રમી હતી અને ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મળી હતી તેથી ભાવનગર યુનિવર્સિટીના ખેલાડી, સ્ટાફ વગેરેએ ખેલાડીઓએ બિરદાવ્યા હતાં. ગોલ્ડ મેડલ મળતા ભાવનગર યુનિવર્સિટીમાં આનંદની લાગણી ફરી વળી છે.
ઓલ ઈન્ડીયા આંતર યુનિ. ટેબલ ટેનિસ સ્પર્ધા માટે પસંદગી
આંતર યુનિવર્સિટી વેસ્ટઝોન ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગર યુનિવર્સિટીના ખેલાડીઓએ સુંદર દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે. ભાવનગર યુનિવર્સિટીની ટીમ આગામી દિવસોમાં ઓલ ઈન્ડીયા આંતર યુનિવર્સિટી ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ સ્પર્ધામાં ભાવનગરના ખેલાડીઓ કેવુ પ્રદર્શન કરે છે? તેના પર સૌની નજર રહેશે.