રાજકોટની તમામ સિટી બસો ઈલેક્ટ્રીક એસી બસમાં ફેરવાશે
- મોટી ખખડધજ બસોને બદલે મીની બસોથી શહેરી પરિવહન
- વધુ 100 બસો માટે ઓફર મંગાવતી મનપા, ઈલે.બિલ,મેઈન્ટેનન્સ, ઓપરેટીંગનો કરાર થશે
- આવી ૫૦ બસો જાન્યુઆરીથી શહેરમાં,વધારે ૧૦૦ બસોને પણ મળી મંજુરીઃ મનપાને પ્રતિ કિમી રૂા.૫૩.૯૧નો ખર્ચ થશે
રાજકોટ, તા. 5 નવેમ્બર 2020, ગુરુવાર
રાજકોટમાં હાલ મોટી અને મીડી કદની ૯૦ સિટી બસો અને ૧૦ મોટી સાઈઝની બી.આર.ટી.એસ.બસોમાં દૈનિક સરેરાશ ૫૦ હજારથી વધુ ઉતારુઓ મુસાફરી કરે છે. મહાપાલિકા દ્વારા સંચાલિત શહેરની સિટી બસ સર્વિસ માટે અગાઉ મંજુર થયેલ અને ત્રણ માસ બાદ શહેરમાં આવી રહેલી ૫૦ ઈલેક્ટ્રીક બસો ઉપરાંત વધારાની ૧૦૦ ઈલે.બસો સરકારે મંજુર કરી છે. જેના પગલે હવે સમગ્ર સિટી બસ સર્વિસ ઈલેક્ટ્રીક બસોથી ચાલશે તેમ મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું છે. રાજકોટ ઉપરાંત રાજ્યમાં સુરત, અમદાવાદમાં પણ આવી ઈલેક્ટ્રીક સિટી બસો શરુ થશે.
પચાસ ઈલેક્ટ્રીક બસો માટે અગાઉ ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે અને તેમાં દેશમાં સૌથી ઓછા પ્રતિ કિ.મી. રૂ।.૫૩.૯૧ પૈસાના ભાવ આવ્યા છે જે મંજુર કરાયા છે અને આ બસો જાન્યુઆરી સુધીમાં રાજકોટમાં આવી જાય તેવી શક્યતા છે તેમ મનપાની રાજકોટ રાજપથ લિ.ના જનરલ મેનેજર જે.ડી.કુકડીયાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ ઉપરાંત બીજી ૧૦૦ ઈલેક્ટ્રીક બસો માટે અગાઉ માંગેલી મંજુરી પણ સરકારે આપી છે જેના પગલે મનપાએ આ માટ ટેન્ડર ઈન્વાઈટ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જ આવી રહેલી ઈલેક્ટ્રીક સિટી બસો ૨૭-૨૮ બેઠકની છે અને તે ઉપરાંત તેમાં મુસાફરો ઉભા રહી શકે તેવી મિડિયમ કદની હશે. શહેરમાં હાલ સિટી બસ વર્ષે ૭૦ હજાર કિ.મી. અર્થાત્ દૈનિક ૧૯૦ કિ.મી. ચાલે છે. જેમાં મનપાએ વર્ષો પહેલા પાટા ઉપર દોડતી રિક્ષા કરતા પણ ઓછા ભાવ અને તે પણ રૂ।.૫ના ગુણકમાં અમલી કર્યા છે. જેના કારણે સિટી બસ લોકોમાં આવકાર્ય બની છે.
હાલ, માત્ર બી.આર.ટી.એસ.ની ૧૦ બસો જ એ.સી. છે જ્યારે ઉપરોક્ત તમામ ઈલેક્ટ્રીક બસો એરકન્ડીશન્ડ હશે તેમ જણાવાયું છે. વળી, રૂ।.૫૩.૯૧ના પ્રતિ કિ.મી. ચાર્જમાં રૂ।.૨૫ લેખે મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ સરકાર દ્વારા સબસિડી મનપાને ચૂકવાશે.સિટી બસ માટે મનપા હાઈ ટેન્શન લાઈનનું કનેક્શન લઈ દેશે જ્યારે ઓપરેટર ઉપર મેઈન્ટેનન્સ, ઈલે.બિલ ભરવું, બસ નિયમોનુસાર ચલાવવી વગેરે જવાબદારી રહેશે. આમ, હાલ કરતા આ સિટી બસ મનપાને સસ્તી પડશે. ઉલ્લેખનીય છે કે સિટી બસનો સૌથી વધુ અને નિયમિત ઉપયોગ કોલેજીયન યુવાન-યુવતીઓ કરતા રહ્યા છે.