અકવાડા ગામે દેશી દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરોને ગ્રામજનોએ આપી વોર્નીંગ
- થોડી તો રહેમ કરો... દેશી દારૂના હાટડા બંધ કરો...
- 150થી વધુ યુવાનોએ દારૂનું વેચાણ બંધ કરવા હાથ જોડયા: સરકાર યોગ્ય પગલા નહીં લે તો ઉગ્ર આંદોલન સાથે જનતા રેડની અપાઇ ચિમકી
ભાવનગર, તા.11 ડીસેમ્બર 2019 બુધવાર
ભાવનગર શહેર નજીકના અકવાડા ગામે ધમધમતા દેશી દારૂના અડ્ડાઓને લઇ આજે ૧૫૦થી વધુ યુવાનોએ બુટલેગરોને દેશી દારૂના હાટડાઓ બંધ કરવા વોર્નીંગ આપી તેમજ હાથ જોડી દૂષણને અટકાવવા અનુરોધ કર્યો હતો. જ્યારે આ બાબતે સરકાર યોગ્ય પગલા નહીં લે તો ઉગ્ર આંદોલન સાથે જનતા રેડની ચિમકી ઉચ્ચારી હતી.
છેલ્લા થોડા સમયથી ભાવનગરમાં વકરતા દેશી દારૂના દૂષણને લઇ ભારે વિરોધનો સુર ઉઠી રહ્યો છે. અકવાડા અને ગામ સીમાડે દેશી દારૂનું વેચાણ કેન્દ્ર સ્થાને રહ્યું છે. હજુ બે દિવસ પૂર્વે ભાવનગરથી ઘોઘા માર્ગ પર અકવાડા ગામના હાઇવે પર થાંભલે થાંભલે 'અહીં દારૂ મળે છે' સહિતના સ્લોગન સાથે બેનરો લાગતા ભારે ચકચાર મચી જવા પામી છે. દેશી દારૂના દૂષણે અનેક નવયુવાનોનો ભોગ લીધો છે અને દૂષણના પગલે મહિલાઓ વિધવા બની છે. ઘરની રોજીરોટી છીનવાય છે, બાળકો અનાથ બન્યા છે પરંતુ આ દૂષણ રોકવાનું નામ જ લેવાતું નથી દિનપ્રતિદિન વકરી રહ્યું છે.
ત્યારે આજે દેશી દારૂના ધમધમતા હાટડાઓ સામે રોષ ઠાલવી અકવાડા ગામના ૧૫૦થી વધુ યુવાનોએ દેશી દારૂના અડ્ડાઓ પર પહોંચી બુટલેગરોને હાથ જોડી ધંધા બંધ કરવા જણાવી વોર્નીંગ આપી હતી તેમજ જો તાકીદના ધોરણે સરકાર પગલા નહીં લે તો જનતાએ કાયદો હાથમાં લઇ જનતા રેડ કરવાની નોબત આવી પડશે તેમ જણાવી ઉગ્ર આંદોલનની ચિમકી આપી હતી. અકવાડા ગામ સીમાડે ખુણે-ખાચરે વેચાતો દારૂ જગજાહેર છે છતાં પોલીસ તંત્ર તેની સામે કોઇ ઠોસ કાર્યવાહી કરી રહી નથી.
માત્ર બે-પાંચ લીટર દેશી દારૂનો કેસ કરી સંતોષ માની લેતી જોવા મળે છે ત્યારે બીજા જ દિવસે ત્યાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની રાવ ઉઠવા પામી છે. આજે અકવાડાના નવયુવાનોએ દેશી દારૂના દૂષણ સામે અવાજ ઉઠાવ્યો છે તે કાબીલે તારીફ છે. કાલે નોબત આવશે કે શહેરભરના લોકો આ દૂષણને હટાવવા માગ પોકારશે ત્યારે તાકીદના ધોરણે પોલીસે પોતાનું ત્રીજુ લોચન ખોલી લાલ આંખ કરી કાયદાકીય પગલા લેવાની લોકમાગ ઉઠતી જોવા મળી છે.