Get The App

ભાવનગર: મીની વેકેશન બાદ આજથી સરકારી કચેરીઓ ધમધમશે

Updated: Oct 31st, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગર: મીની વેકેશન બાદ આજથી સરકારી કચેરીઓ ધમધમશે 1 - image

ભાવનગર, તા. 31 ઓક્ટોબર 2019, ગુરૂવાર

સરકારી કચેરીઓમાં નાના-મોટા તહેવારની જાહેર રજા આવતી હોય છે તેથી કર્મચારીઓને જલ્સા પડી જતા હોય છે અને ઘણીવાર સળંગ રજા આવતા સરકારી કચેરીઓમાં મીની વેકેશન પડી જતુ હોય છે, આવુ જ ચિત્ર દિવાળી પર્વમાં જોવા મળ્યુ હતું. દિવાળી પર્વમાં સરકારી કચેરીઓમાં સળંગ છ દિવસનુ મીની વેકેશન પડી ગયુ હતુ તેથી કર્મચારીઓ ગેલમાં આવી ગયા હતાં. સરકારી કચેરીની સાથે બેંક પણ કેટલાક દિવસ બંધ રહી હતી. રજાના કારણે અરજદારોના કામ અટકી ગયા હતા પરંતુ આવતીકાલ શુક્રવારથી સરકારી કચેરીઓ ધમધમતી થશે તેથી હવે અરજદારોના કામ થઈ જશે તેમ જણાય રહ્યુ છે.

ભાવનગર સહિત રાજ્યભરમાં ગત તા. 26 થી 31 ઓકટોબર દરમિયાન મહાપાલિકા, જિલ્લા પંચાયત, જિલ્લા કલેકટર સહિતની સરકારી કચેરીઓ જાહેર રજાના કારણે બંધ રહી હતી. જેમાં 26મીએ ચોથો શનિવાર, 27મીએ રવિવારને દિવાળી પર્વ હતુ, 28મીએ સોમવારને બેસતુ વર્ષ હતુ અને 29મીએ મંગળવારને ભાઈબીજની જાહેર રજા હતી તેથી તમામ સરકારી કચેરીઓ બંધ રહી હતી. તા. 30 ઓકટોબરને બુધવારે સરકારી કચેરીઓ એક દિવસ શરૂ હતી.

પરંતુ રાજ્ય સરકારે આગામી બીજો શનિવાર ભરવાની શરતે રજા જાહેર કરી દીધી હતી અને આજે તા. 31 ઓકટોબરને ગુરૂવારે સરદાર પટેલ જયંતીની જાહેર રજા હતી. એક દિવસ સરકારી કચેરી શરૂ રહેવાની હતી પરંતુ કર્મચારીઓ સળંગ રજા માણી શકે તે માટે સરકારે જ બુધવારની રજા જાહેર કરી દીધી હતી તેથી કર્મચારીઓએ સળંગ છ દિવસની રજા મજા પરિવાર સાથે માણી હતી.

આ ઉપરાંત બેંકો પણ ગત તા. 26 થી 28 ઓકટોબર ત્રણ દિવસ બંધ રહી હતી. સરકારી અને બેંક કર્મચારીઓને દિવાળી પર્વમાં રજા મળતા કર્મચારીઓને જલ્સા પડી ગયા હતાં.  સરકારી કર્મચારીઓએ રજાના કારણે ઉત્સાહભેર દિવાળી પર્વ મનાવ્યુ હતું. કેટલાક કર્મચારીઓ સાથે ગામડે રજા માણવા ગયા હતા અને કેટલાક કર્મચારીઓ પરિવાર સાથે બહારગામ ફરવા ચાલ્યા ગયા હતાં. કેટલાક કર્મચારીઓએ ભાવનગરમાં જ રજા માણી હોવાનુ સુત્રોએ જણાવેલ છે.

મીની વેકેશન આવતીકાલે શુક્રવારે પૂર્ણ થાય છે તેથી શુક્રવાર સવારથી તમામ સરકારી કચેરીઓ ધમધમતી થશે પરંતુ નવા પ્રથમ દિવસે રજા જેવો માહોલ જોવા મળે તો નવાઈ નહી. કર્મચારીઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે. રજા પૂર્ણ થતા હવે સરકારી કચેરીમાં જુદા જુદા કામ માટે અરજદારોની ભીડ જામશે ત્યારે નવા વર્ષે અરજદારોના કામ ઝડપી થાય તેવુ આયોજન કરવુ જરૂરી બની રહે છે.
Tags :