ગુજરાતમાં એડીસ મચ્છરોને ડેંગ્યુના કેસો વધારવા મળ્યું અનુકૂળ હવામાન
- ડેંગ્યુ-ચિકનગુનિયા ફેલાવતા મચ્છરના ઈંડા પાણી વગર પણ એક વર્ષ જીવી શકે છે!
- ભારે વરસાદ પછી ૧૬થી ૨૮ સે.વચ્ચે રહેતા તાપમાનથી
- નર મચ્છરો ફૂલપાંદડાના રસથી પેટ ભરે જ્યારે માદા માનવનું લોહી પીવા તેને કરડે છે,માણસને ૩૨ અને મચ્છરને ૪૭ દાંત
- ૩૦ દિવસની જિંદગીમાં માદા મચ્છર ૧૦-૧૨ વાર ઈંડા મુકે છે, જેને પોષણ માનવ રક્તથી મળે
- માણસને ડંખ મારી માત્ર ૦.૧ મિ.મિ.લોહી ખેંચે પણ તેમાં અતિ ગંભીર બિમાર પાડી દે છે
- કાર્બન ડાયોક્સાઈડથી મચ્છરો આકર્ષાય, ૭૫ ફૂટ દૂરથી તે માણસની ગંધ પારખી જાય છે!
રાજકોટ
ગુજરાતભરમાં દિવસના સમયે અને તેમાંય વિશેષતઃ સૂર્યાસ્ત પહેલા અને સૂર્યોદય પછીના બે કલાક દરમિયાન વધુ કરડતા એડીસ ઈજીપ્ટી પ્રકારના મચ્છરાના કારણે ડેંગ્યુ તાવના કેસોમાં અનેકગણો વધારો આ વર્ષે આવ્યો છે. કોરોના વાયરસનો ચેપ માણસથી માણસમાં પ્રસરે તેમ ડેંગ્યુ વાયરસનો ચેપ માણસથી મચ્છરમાં અને મચ્છરથી માણસમાં પ્રસરે છે. આ મચ્છરોને વસ્તી વધારવા, એક્ટીવ (કરડવા માટે) રહેવા ૧૬થી ૨૮ સે.વચ્ચેનું તાપમાન અનુકૂળ હોય છે અને તેથી વધુ કે ઓછા તાપમાનમાં તે મૃતપ્રાય થાય છે અને હાલ ગુજરાતમાં આવું હવામાન હોય અને તેમાં ઉપરથી ભારે વરસાદથી છીછરાં,ચોખ્ખાપાણચ્મળી રહ્યા હોય મચ્છરોનો ઉપદ્રવ હજુ એકાદ માસ જારી રહેવાની સંભાવના તબીબો જણાવે છે.
ધરતી પર મચ્છરોની ૩૦૦૦ જાતો છે અને ભારતમાં ૨૫૦ પ્રકારની અને તેમાં ગુજરાતમાં માત્ર ૨૩ પ્રકારના મચ્છરો હોય છે પરંતુ, આ પ્રકારોમાં ડેંગ્યુ ફેલાવતા અને ઘર-ઓફિસમાં બંધિયાર છીછરાં પાણીમાં પેદા થતા એડીસ ઈજીપ્ટી પ્રકારના મચ્છર સૌથી ખતરનાક છે જે ડેંગ્યુ,ચિકનગુનિયા જેવા ગંભીર રોગ ફેલાવે અને મુખ્યત્વે દિવસે કરડે છે. જ્યારે ઓનોફીલીસ મચ્છરો મેલેરિયા ફેલાવે છે અને તે કેસો હાલ નહીવત્ નોંધાય છે. ત્રીજો મુખ્ય પ્રકાર ક્યુલેક્સ મચ્છરોનો છે જે ગટર,ખાબોચિયાના ગંદા પાણીમાં પેદા થાય છે અને સૌથી મોટા કદના અને સૌથી વધુ ડંખ મારનાર હોય છે ,જેનાથી હાથીપગો ફેલાય પણ પણ તેના વાયરસ હાલ સક્રિય નથી તેથી તે મચ્છરો ન્યુસન્સ મચ્છરો ગણાય છે.
ડેંગ્યુ ફેલાવતા એડીસ મચ્છરોની વિગતો રસપ્રદ છે. આ પ્રકારના નર જાતિના મચ્છરો તો ફૂલ અને પાંદડાનો રસ ખાઈ પેટ ભરી લે છે, મનુષ્યને કરડતા નથી પરંતુ, માત્ર માદા મચ્છરો જ મનુષ્યનું લોહી પીવા કરડે છે. નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ આ અંગે માહિતી આપતા કહે છે, એક વાર ડંખ મારે એટલે માત્ર ૦.૧ મિ.મિ.લોહી મનુષ્યના શરીરમાં ખેંચે છે પરંતુ, તે દરમિયાન જો આ મચ્છર કોઈ ડેંગ્યુ દર્દીને કરડીને સાજા માણસને કરડે એટલે તેને ચેપ ફેલાવે છે. આમ વ્યાકરણ મૂજબ મચ્છર કરડી ગયો કે કરડી ગયું તે નહીં પણ મચ્છર કરડી ગઈ તે શબ્દપ્રયોગ સાચો છે!
મનુષ્યને ૩૨ દાંત છે ત્યારે મચ્છરને ૪૭ દાંત હોય છે. નદી-ગટરમાં પેદા થતા મચ્છર ૩ કિ.મી.દૂર સુધી જઈ શકે પણ ડેંગ્યુના મચ્છર માત્ર ૩૦૦ મીટર સુધી જ દૂર જઈ શકે છે, અર્થાત્ એક શેરી-લત્તાનું મચ્છર બીજી શેરીમાં જતું નથી!
માદા મચ્છર માટે માણસોને કરડવું તે જીવનનો સવાલ છે. આ મચ્છરનું આયુષ્ય માત્ર ૩૦ દિવસનું હોય છે પરંતુ, એટલા જીવનમાં તે ૧૦થી ૧૨ વાર અને દરેક વખતે એક સાથે ૧૫૦-૨૦૦ ઈંડા મુકે છે, જેનો નાશ ન થાય કે ન કરાય તો દરેક ઈંડામાંથી ૭થી ૧૨ દિવસમાં અનુક્રમે લાર્વા, પ્યુપા અને પુખ્તમચ્છર બની જાય છે અને આ મચ્છરની મા જો ડેંગ્યુથી ચેપગ્રસ્ત હોય તો તે મચ્છર પણ ડેંગ્યુ ફેલાવે છે!
ઘર-ઓફિસમાં ડેંગ્યુના મચ્છરને નરી આંખે ઝીણવટથી જુઓ તો ઓળખી શકાય છે, ક્યુલેક્સ મચ્છર સપાટીને સમાંતર ખુંધ કાઢીને બેસે, મેલેરિયા ફેલાવતા એનોફીલીસ મચ્છર ૪૫ ડિગ્રીએ ખુણો બનાવીને બેસે ત્યારે એડીસ મચ્છર સપાટીને સમાંતર બેસે છે.
૧૫૦૦થી ૧૮૦૦ મિ.મિ.ના માણસને ૩૨ દાંત હોય છે ત્યારે માત્ર ૫ મિ.મિ.ના મચ્છરને કુદરતે ૪૭ દાંત આપ્યા છે, જાણે કે કરડવા માટે જ. વળી, જાણકારો કહે છે મચ્છર ૭૫ ફૂટ દૂરથી માણસની ગંધ,શ્વાસ પારખી જાય છે અને આંખ નહીં હોવા છતાં જોયા વગર તે માણસ સુધી પહોંચીને કરડે છે.
આ મચ્છરોનો ત્રાસ ક્યારે ઓછો થશે? મનપા સૂત્રો કહે છે કડકડતી ઠંડી પડે, ૧૬ સે.થી નીચે તાપમાન જાય અને ટકે ત્યારે એક તો મચ્છરો નિષ્ક્રીય થવા લાગે છે અને બીજું લોકો આંખી બાંયના વસ્ત્રો પહેરતા હોય છે ત્યારે ડેંગ્યુનો ફેલાવો ઘટે છે.આમ, એક-દોઢ માસ હજુ ખતરો વધુ રહેશે અને કડકડતી ઠંડીમાં તે ઘટશે. આ ઉપરાંત ઉનાળામાં જ્યારે ૪૦ સે.એ તાપમાન પહોંચે ત્યારે પણ આ મચ્છરોને કરડવાનું કામ અશક્યવત્ બની જાય છે. અલબત, મચ્છરે જ્યાં ઈંડા મુક્યા હોય તેની સઘન સફાઈ ન થઈ હોય તો આ ઈંડા એક વર્ષ સુધી જીવી શકે અને વરસાદનું પાણી મળે ત્યારે ફરી જીવિત થઈને બહાર આવી શકે છે.
ડેંગ્યુના મચ્છર બાળકોને વધુ કરડે કે મોટાઓને?
મચ્છર કોને વધુ કરડે તે અંગે કેટલાક તારણો નીચે મૂજબ છે.
(૧) બ્લડ ગ્રુપ ઓ ધરાવનારને અન્ય કરતા વધુ કરડે છે.
(૨) મચ્છરો કાર્બન ડાયોક્સાઈડ વાયુથી સચેત થઈ જાય છે, જ્યાંથી તે આવે તે ભણી ધસે છે, મોટી ઉંમરના લોકોના ઉચ્છશ્વાસમાં બાળકો કરતા તેનું પ્રમાણ વધુ હોય તેથી પ્રૌઢો,વૃધ્ધો,સગર્ભા મચ્છર કરડવાની શક્યતા વધુ.
(૩) મચ્છર કરડવાથી ઈમ્યુનિટી ઓછી હોય તેને બિમાર થવાની શક્યતા વધુ છે.
(૪) મચ્છરો બ્લુ રંગથી આકર્ષાય છે, આથી મોસ્ક્વિટો કીલીંગ મશીનમાં બ્લુ લાઈટ રાખી તેને આકર્ષાય છે.