પાલિતાણાના આદપુર ગામ સીમાડે શેઢાની ફેન્સીંગમાં દીપડો ફસાયો
- શેત્રુંજય ડુંગર પાસેના ગામોમાં આટાફેરાથી ફફડાટ
- વન વિભાગે બેભાન કરી પીંજરે પુરી સારવાર અર્થે રાણીગાળા હોસ્પિટલ મોકલાયો
પાલિતાણા,14 ડીસેમ્બર 2019 શનિવાર
પાલિતાણાના આદપુર ગામ નજીક આજે વહેલી સવારે પુખ્ત વયનો દીપડો શેઢાની ફેન્સીંગમાં ફસાઇ જતા વટેમાર્ગુઓએ તુર્ત જ વન વિભાગને જાણ કરી વેટરનિટી ડોક્ટર દ્વારા ટ્રેન્કયુલાઇઝ કરી બહાર કાઢી ઇજા પામેલ પગે સારવાર કરી વધુ સારવાર અર્થે રાણીગાળા ખાતે પાંજરે પુરી મોકલી દેવાયો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ પાલિતાણા ડુંગર વિસ્તારોમાં લાંબા સમયથી દીપડાની આવન-જાવન રહી છે. જ્યારે આજે વહેલી સવારે આદપુર ગામના ખેતરના શેઢામાં ૯ થી ૧૦ વર્ષની પુખ્ત વયનો દીપડો ફેન્સીંગના તારમાં ફસાઇ પડયો હતો. જ્યારે વટેમાર્ગુઓએ અન્યને ઇજા પહોંચાડે તે પૂર્વે ભયના માર્યા તુર્ત જ વન વિભાગને જાણ કરાઇ હતી અને જંગલ ખાતાએ વેટરનીટી ડોક્ટર સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે દીપડાનો પગ ફસાયેલી હાલતમાં હોય તેને ઇન્જેક્શન દ્વારા ટ્રેન્ક્યુલાઇઝ (બેભાન) કરી સેફ રીતે બહાર કાઢી પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી હતી અને બાદમાં પાંજરામાં પુરી વધુ સારવાર અર્થે જેસર રાણીગાળા એનીમલ હોસ્પિટલ ખાતે મોકલી દેવાયો હતો.
એક તબક્કે શેત્રુંજય ડુંગર આજુબાજુના જીવાપુર, આદપુર, ગણધોળ, હસ્તગીરી, કંજડા, ડુંગરપુર, રોહિશાળા જેવા વિસ્તારોમાં દીપડાના આટાફેરા નોંધાયા છે. જો કે, હુમલો કે ઇજાના કોઇ બનાવ બન્યા નથી પરંતુ દીપડો એ ચંચળ શિકારી પ્રાણી હોય લોકોમાં ભય સતત રહેવા પામે છે તો બીજી તરફ સિધ્ધવડ ખાતે ૧૫૦૦ આરાધકો નવાણુ યાત્રા ઉપાધાન તપ ચાલુ થઇ રહ્યું છે ત્યારે જૈનોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. જ્યારે વન વિભાગ દ્વારા પુરતા પ્રયાસો અને દીપડાની રંજાડને પહોંચી વળવા કમર કસવી પડશે અને પુરતી વ્યવસ્થા ગોઠવણ કરવી પડશે તેવું ચર્ચાઇ રહ્યું હતું.