અધેલાઇ નજીકથી દારૂ-બિયરના જથ્થા સાથે બે શખસની ધરપકડ
- દમણ તરફથી કારમાં છુપાવી ભાવનગર લવાતો હતો દારૂનો જથ્થો
- ભાવનગરના રૂવાપરી રોડના શખસને દારૂનો જથ્થો આપવા જઇ રહ્યાની શખસોએ આપી કબુલાત: વિદેશી દારૂ, કાર સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો
ભાવનગર,25 ડીસેમ્બર 2019 બુધવાર
ભાવનગર જિલ્લાના અધેલાઇથી વેળાવદર તરફ જતા માર્ગ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરી જઇ રહેલ કારને વેળાવદર પોલીસે ઝડપી પાડી કાર સાથે રહેલા આનંદનગરના બે શખસોને દબોચી લઇ વિદેશી દારૂ-બિયરનો જથ્થો કબજે લઇ પુછપરછ કરતા દમણથી દારૂનો જથ્થો ભરી ભાવનગરના રૂવાપરી રોડ પર રહેતા શખસને આપવા જઇ રહ્યા હોવાની કબુલાત આપી હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર વેળાવદર ભાલ પોલીસ મથકના પી.એસ.આઇ. જાડેજા, સ્ટાફના અનિરૂધ્ધસિંહ ચુડાસમા સહિતના આજે વહેલી સવારે પેટ્રોલીંગમાં હતા તે વેળાએ વિદેશી દારૂનો જથ્થો કારમાં લઇ જવાતો હોવાની મળેલી પૂર્વ બાતમીના આધારે વોચમાં હતા તે વેળાએ અધેલાઇ તરફથી વેળાવદર ભાલ તરફ જવાના રસ્તા પર આવેલ નાળા પરથી પસાર થતી હોન્ડા સીટી કાર નં.જીજે-૫-સી.એ-૪૨૩૨ને અટકાવી તલાશી લેતા તેમાં છુપાવી રખાયેલ વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ-૩૮૯ તેમજ ૧૨૦ બિયર ટીન મળી આવતા કબજે લઇ કાર સાથે રહેલ જયેશ બિપીનભાઇ વાઘેલા અને રોબીન વસંતભાઇ સોલંકી (રે.બંને આનંદનગર, ભાવનગર)ની ધરપકડ કરી લઇ બંનેની પુછપરછ કરતા ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલ ગણેશ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર હિંમતભાઇ ડાભીએ દમણ પંથકથી દારૂનો જથ્થો કારમાં ભરી આપતા તેઓ બંને કાર લઇ અધેલાઇથી વેળાવદર થઇ વલભીપુર રોડ પરથી ભાવનગર જીતેન્દ્રને આપવા માટે જઇ રહ્યા હોવાની કબુલાત આપી હતી. વેળાવદર પોલીસે વિદેશી દારૂ, બે મોબાઇલ, કાર મળી રૂા.૨.૮૪ લાખનો મુદ્દામાલ કબજે લઇ બંને શખસ વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ ૬૫(એ, ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.