For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બહુચરાજી મંદિરમાં માગસર સુદ બીજના પર્વે રસ-રોટલી મહોત્સવની અનોખી પરંપરા

Updated: Nov 23rd, 2022


- માઈમંદિરોમાં શ્રધ્ધાળુઓ બહોળી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડશે

- કળીયુગના કલ્પતરૂ અને ચંડીપાઠ સમાન અધિક ફળદાયી ગણાતા મા આનંદના ગરબાની શ્રધ્ધાળુઓ 12 કલાક રમઝટ બોલાવશે

ભાવનગર : માગસર સુદ બીજના પાવનકારી મહાપર્વે બહુચરાજી માતાજીએ તેમના અનન્ય ભકતની લાજ રાખવા માટે કેરીના રસ અને રોટલીનું જ્ઞાાતિજમણ કરાવ્યુ હતુ. તેની સ્મૃતિમાં ગોહિલવાડમાં આવેલા શ્રધ્ધેય બહુચરાજી માતાજીના પ્રાચીન અને અર્વાચીન મંદિરોમાં તા.૨૫ નવેમ્બરને શુક્રવારે પરંપરાગત રીતે માઈભકતો દ્વારા આ પર્વની હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. 

ભાવનગર શહેરની મધ્યમાં રૂવાપરી દરવાજા પાસે આવેલા આશરે ૨૫૭ કરતા વધુ વર્ષ પૌરાણિક સિધ્ધપીઠ બાલા બહુચરાજી મંદીરમાં માગસર સુદ બીજના પર્વને અનુલક્ષીને તા.૨૫મીએ  કળીયુગના કલ્પતરૂ અને ચંડીપાઠ સમાન અધિક ફળદાયી ગણાતા મા આનંદના ગરબાની અખંડ મહાધૂનનો સવારે ૭,૩૦ કલાકે દિપપ્રાગટય સાથે પ્રારંભ થશે. જે મહાધૂનને સાંજે ૭,૩૦ કલાકે વિરામ અપાશે. બાદ માતાજીની મહાઆરતી, થાળ અને મહાપ્રસાદ રાખેલ છે. આ ઉપરાંત શહેરના વડવા ખડીયાકુવા બહુચરાજી મંદિર, અધેવાડાના બહુચરાજીધામ, સિહોર તાલુકાના અગીયાળી ખાતે આવેલા નાના બહુચરાજીધામ સહિતના તમામ પ્રાચીન અને અર્વાચીન મંદિરોમાં પણ સવારે મહાપુજન, અખંડ આનંદના ગરબાની વ્યકિતગત અને સામુહિક અખંડ મહાધૂન, અન્નકુટના દર્શન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.તેમજ માતાજીને ગોખ પુરવામાં આવશે. અત્રે એ ખાસ નોંધનીય છે કે, શહેરમાં આજથી ૫૪ વર્ષ પૂર્વે રૂવાપરી  દરવાજા બાલા બહુચરાજી મંદીરમાં સર્વ પ્રથમ આનંદના ગરબાની ધૂનનો શુભારંભ થયો હતો. માઈભકતોમાં માગસર સુદ બીજનું સર્વાધિક અનન્ય મહાત્મ્ય હોય ગોહિલવાડમાંથી બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ શ્રધ્ધાળુઓ યાત્રાધામ બહુચરાજી,શંખલપુર ખાસ દર્શનાર્થે જનાર છે. આ નિમીત્તે સ્થાનિક અનેક ટુર ઓર્ગેનાઈઝર્સ દ્વારા સ્પે.ટુરના પણ આયોજન કરાતા તેને માઈભકતોમાંથી સારો પ્રતિસાદ સાંપડેલ છે અને મોટા ભાગના વાહનો એડવાન્સમાં જ બુક થઈ જવા પામેલ છે.

માગસર સુદ બીજનું અનન્ય મહાત્મ્ય

માઈભકતોમાં આ માગસર સુદ બીજના પર્વનું સર્વાધિક વિશેષ મહાત્મ્ય છે અને તે અંગેની લોકવાયકાઓ મુજબ આજથી ૩૪૫થી વધુ વર્ષ પહેલા અમદાવાદમાં રહેતા મા બહુચરના પરમ ભકત વલ્લભ ભટ્ટની ભકિતની કસોટી કરવા કેટલાક જ્ઞાાતિજનોએ માગસર સુદ બીજે રસ રોટલીની નાત જમાડવાની માંગણી કરી હતી.પરંતુ શિયાળાના સમયમાં કેરીનો રસ કયાંથી મળે તે સમયે વલ્લભ ભટ્ટ આરાધના કરતા હતા ત્યારે સ્વયં બહુચર માતાજી, નારસંગ વિરે અનુક્રમે વલ્લભ અને ધોળાના સ્વરૂપે હાજર થઈ એ દિવસે ચૌર્યાસીમાં ઉપસ્થિત સૌ કોઈને રસ રોટલીનું જમણ કરાવીને પોતાના અનન્ય ભકત વલ્લભ ભટ્ટની લાજ રાખી હતી. 

Gujarat