ભાવનગર જિલ્લામાં આજે દેવ દિવાળીની પરંપરાગત ઉજવણી
ભાવનગર, તા. 11 નવેમ્બર 2019, સોમવાર
ભાવનગર જિલ્લામાં આવતીકાલે કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીની પરંપરાગત અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. દેવ દિવાળીના પર્વ નિમિત્તે ગોહિલવાડના તમામ દેવાલયોને દીવડાના પ્રકાશથી ઝળહળતા કરી દેવામાં આવશે. બાળકો-મોટેરાઓ ફટાકડા ફોડી દેવ દિવાળીનું પર્વ મનાવશે.
મનાવવામાં આવે છે. દેવ દિવાળી સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા પ્રમાણે તારકાસુરના ત્રણ સંતાનો તારકા, કમલક્ષ અને વિદ્યુતમણીએ બ્રહ્માજીની ઉગ્ર તપસ્યા કરી તેમની પાસેથી એક હજાર વર્ષ સુધી જીવવાનું, સોના-ચાંદી અને લોખંડની ત્રણ નગરી તેમજ ત્રણેયના મૃત્યુ એક જ તીરથી થાય તેવું વરદાન મેળવ્યું હતું.
બ્રહ્માજીના વરદાન બાદ ત્રણેય દાનવએ દેવલોક અને પૃથ્વીલોક પર હાહાકાર મચાવ્યો હતો. જેથી ભયભીત બનેલા દેવતાઓએ ભગવાન શિવજી સમક્ષ પ્રાર્થના કરી રાક્ષસોના ત્રાસથી મુક્તિ મેળવવા વિનમણી કરી હતી. દેવતાઓની વિનંતી સ્વીકારી ભગવાને શિવે કારતક સુદ-પૂનમના દિવસે તાંડવ નૃત્ય કરી ત્રિપુરાસુર (ત્રણેય રાક્ષસો)નો સંહકાર કર્યો હતો. જેના કારણે સ્વર્ગલોકમાં દેવતાઓએ દાનવો પર દેવોના વિજયને દીવડાઓની રોશની પ્રગટાવી મનાવ્યો હતો. ત્યારથી હિન્દુ ધર્મના લોકો કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીની ઉજવણી કરે છે.
સદીઓ પૂરાણા આ તહેવારની માન્યતા અને ધાર્મિક શ્રધ્ધા આજે પણ અકબંધ છે. આવતીકાલે તા. 12-11ને મંગળવારે સમગ્ર ગોહિલવાડમાં દેવ દિવાળીનું પર્વ પરંપરાગત રીતે મનાવવામાં આવશે. મંદિર-દેવાલયોને દીવડાઓના પ્રકાશથી ઝળહળતા કરી દેવામાં આવશે. જ્યારે દેવ દિવાળીના પર્વ નિમિત્તે અનેક સ્થળોએ હવન, યજ્ઞાનો કાર્યક્રમ પણ યોજાશે.
આ દિવસે સમુદ્રસ્નાનનું વિશેષ મહાત્મય રહેલું છે. જેથી ખાસ કરીને લોકો કાર્તિક પૂર્ણિમાનું સમુદ્રસ્નાન તેમજ દીપદાન કરી પુણ્યનું ભાથું બાંધશે. જ્યારે બાળકો તેમજ મોટેરાઓ ફટાકડા ફોડી દેવ દિવાળીના પર્વની ઉમંગભેર ઉજવણી કરશે. ભગવાને શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. જેના કારણે કાર્તિક પૂર્ણિમાને ત્રિપુરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.