શહેરના ક.પરાના યુવાનની હત્યામાં એક શખ્સ ઝડપાયો
લગ્નમાં ડી.જે. વગાડવા મામલે છરી અને પાઈપના ઘા ઝીંકી દેતા સારવારમાં મૃત્યુ થયું હતું
વધુ પાંચ શખ્સના ફરિયાદમાં નામ ઉમેરવાની માંગણી બાદ બપોરે મૃતદેહ સ્વીકાર્યો
ભાવનગર: શહેરના કરચલિયા પરામાં એકાદ સપ્તાહ પૂર્વે લગ્નમાં ડી.જે. વગાડવા બાબતે યુવાનને છરી અને પાઈપના ઘા ઝીંકી દેતા ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા યુવાનનું મૃત્યુ થયું હતું. જેથી મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યા હોય, પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી નાસતા-ફરતા વધુ એક શખ્સને ઝડપી લીધો હતો.
ઘટના સંદર્ભે મળતી વિગત અનુસાર શહેરના ક.પરા, વાઘેલા ફળી, શારદા સોડાવાળા ખાંચામાં રહેતા કિશનભાઇ ઉર્ફે ગેરી અનંતભાઈ ચૌહાણને ગત ૧૪મીએ તેમના કુટુંબી સાગરભાઈ ચૌહાણના લગ્ન પ્રસંગમાં ડી.જે. વગાડવા બાબતે આલોક નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. તેની દાઝ રાખી આલોક, દિનેશ ડાભી અને રોહિત નામના શખ્સોએ રાત્રિના સમયે કિશનભાઈના ઘર પાસે આવી ગાળો બોલી કિશનભાઈના ભાઈ વિશાલભાઈને છરી અને લોખંડના પાઈપના ઘા ઝીંકી દઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. આ મારામારીના બનાવમાં લોહિયાળ ઈજા પામેલા યુવાન વિજયભાઈ ઉર્ફે વિશાલભાઈ ચૌહાણ (ઉ.વ.૩૬)નું ગઈકાલે બુધવારે સારવાર દરમિયાન મૃત્યુ થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
યુવાનના મૃત્યુ બાદ તેમના પરિવારજનોએ વધુ પાંચ શખ્સના ફરિયાદમાં નામ ઉમેરી તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો નનૈયો ભણ્યો હતો. જો કે, સમજાવટ બાદ આજે ગુરૂવારે બપોરે મૃતદેહને સ્વીકારી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં પોલીસે અગાઉ આલોક અને રોહિત નામના શખ્સની ધરપકડ કરી હતી. તો ફરાર થયેલો વધુ એક શખ્સ ગોવિંદ ઉર્ફે દિનેશ બાબુભાઈ ડાભી (રહે, ક.પરા)ને આજે ગુરૂવારે રાત્રે ૧૦ કલાકે ઝડપી પાડવામાં આવ્યો હોવાનું ગંગાજળિયા પોલીસે જણાવ્યું હતું.