ગઢડીયા ગામે વાડીમાંથી વનસ્પતિ જન્ય ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો
- વાડીમાં કપાસના વાવેતરની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરાયું હતું
- બોટાદ એલસીબી, એસઓજી, પાળીયાદ પોલીસનું સયુક્ત ઓપરેશન, રૂપિયા 2 લાખના ગાંજાના જથ્થા સાથે વાડી માલિકની ધરપકડ કરાઈ
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના અને પાળીયાદ તાબેના ગઢડીયા ગામે રહેતા લધુ કાનાભાઈ મેણીયાએ મોટી વિરવા ગામ જવાના માર્ગ ઉપર આવેલ લીલવળા પાટી તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં પોતાની વાડીમાં વાવેતરની સાથે ગેરકાયદે માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ હોવાની મળેલ હકીકત આધારે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશયલ ઓપરેશન ગૃપ અને પાળીયાદ પોલીસે સયુક્ત ઓપરેશન હાથ ધરી સરકારી પંચ તરીકે બે શિક્ષક અને વીડિયો ગ્રાફરને સાથે રાખી ગઈકાલે સાંજના ૫.૦૦ કલાકના અરસા દરમિયાન વાડીમાં દરોડો પાડી તપાસ હાથ ધરતા વાડીના ૧૨૫ ફુટના ઘેરાવામાં કપાસની આડશમાં માદક પદાર્થ ગાંજાના છોડ મળી આવતા એફએસએલ ટીમને જાણ કરતા અધીકારી અને સ્ટાફ દોડી આવ્યો હતો. બાદ છોડનું પરિક્ષણ કરતા છોડ માદક પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજો હોવાનું સામે આવતા પોલીસ ટીમે વાડીમાંથી ગેરકાયદે પાસ પરમીટ વગર વાડીમાં ઉગાવેલ વનસ્પતિ જન્ય લીલા ગાંજાના છોડ નંગ ૧૪૩ વજન-૪૨.૪૩૦ ગ્રામ (કિમંત રૂપિયા ૨,૧૨,૧૫૦)નો મુદ્દામાલ બરામત કરી વાડી માલિક લધુ કાનાભાઈ મેણીયા (ઉ.વ. ૬૫, રે. ગઢડીયા, મઢુલી સામે, જિ. બોટાદ) મળી આવતા તેની ધરપકડ કરી લીધી હતી. ઉક્ત બનાવ અનુસંધાને પાળીયાદ પીએસઆઈ વાય.એ.ઝાલાએ ફરીયાદી બની ફરીયાદ આપતા પાળીયાદ પોલીસે શખ્સ સામે નારકોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.