Get The App

ભાવનગર: સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી

Updated: Nov 3rd, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગર: સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી 1 - image

ભાવનગર, તા. 03 નવેમ્બર 2019, રવિવાર

ભાવનગર શહેર અને જિલ્લાભરમાં સંત શિરોમણી જલારામબાપાની 220મી જન્મજયંતિની  પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ભકિતમય માહોલમાં ઉજવણી કરાઈ હતી.  આ પ્રસંગે લોહાણા સમાજ દ્વારા જલારામબાપાના મંદિરે મહાપૂજન,અર્ચન,મહાઆરતી, અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

ભકત જલારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના આનંદનગરમાં આવેલા જલારામ મંદિરમાં જલારામબાપાની જન્મજયંતિ નિમીત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ધર્મોત્સવને અનુલક્ષીને રવિવારે જલારામબાપાની 220મી જન્મજયંતિ અવસરે સવારે 6 થી રાત્રીના 8 સુધી બાપાના દર્શન ખુલ્લા રહ્યા હતા. સવારે ધજાપૂજન બાદ બાપાનું વિધિવિધાનથી પૂજન કરવામાં આવ્યુ હતુ.

આ વેળા વિવિધ મીઠાઈઓ, ફરસાણ સહિતની અનેક વાનગીઓનો મહાઅન્નકુટ ભાવપૂર્વક ધરવામાં આવ્યો હતો. મહાઆરતી, બાદ શ્રધ્ધાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આજના આ કાર્યક્રમમાં અંદાજે 25 હજારથી વધુ આબાલવૃધ્ધ ભાવિકોએ મહાપ્રસાદ લઈને ધન્યતાની લાગણી અનુભવી હતી. આ મહાપ્રસાદના કાર્યક્રમ માટે ભાઈઓ તથા બહેનો માટે, સિનીયર સીટીઝન્સ, વિકલાંગ તથા અપંગભાવિકો તેમજ આમંત્રીતો  માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

જલારામ જયંતિ નિમીત્તે જનસેવાના કાર્યક્રમના ભાગરૂપે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રકતદાન શિબિર, રૂબેલા રસીકરણ, થેલેસેમિયા પરિક્ષણ અને જનરલ હેલ્થ ચેકઅપ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સુવિધાનો અસંખ્ય લોકોએ લાભ લીધો હતો.આ ઉપરાંત રઘુવંશી (હરિ પરિવાર)ના સહયોગથી ઠકકર સોશ્યલ ગૃપ દ્વારા શહેરના શિવશકિત હોલ ખાતે  ત્રિદિવસીય જલિયાણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ મહોત્સવ દરમિયાન સ્થાપન પૂજન વિધિ,મહાઆરતી, રાસ ગરબાની રમઝટ, મહાયજ્ઞા, 17 વર્ષથી નીચેના બાળકોની વેશભૂષા, અન્નકુટના દર્શન, સંગીતમય સુંદરકાંડ, મહાઆરતી બાદ સંગીતમય જલિયાણ મહાધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ ધર્મોત્સવમાં પણ અસંખ્ય ભાવિકોએ ધર્મલાભ લીધો હતો.
Tags :