Get The App

ખંભાળિયામાં વધુ 17 ઈંચ વરસાદ ખાબકયો

- સૌરાષ્ટ્રને ધમરોળતી મેઘસવારી, લાલપુર,કલ્યાણપુર, જામજોધપુરમાં 8ઈંચ

Updated: Jul 7th, 2020

GS TEAM

Google News
Google News
ખંભાળિયામાં વધુ 17 ઈંચ વરસાદ ખાબકયો 1 - image


ખંભાળિયામાં વધુ 17 ઈંચ વરસાદ ખાબકયો 2 - image

ખંભાળિયામાં વધુ 17 ઈંચ વરસાદ ખાબકયો 3 - image

- ખંભાળિયામાં સિઝનનો કુલ વરસાદ બાવન ઈંચ, જામનગર અને ભાણવડમાં સાત, માણાવદર અને કુતિયાણામાં છ ઈંચ વરસાદથી જળબંબાકાર,અનેક લોકોનું સ્થળાંતર

(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, તા. 7 જુલાઈ 2020, મંગળવાર


ખંભાળિયામાં વધુ 17 ઈંચ વરસાદ ખાબકયો 4 - imageસૌરષ્ટ્રમાં ત્રણ દિવસનાં ભારેથી અતિભારે વરસાદ બાદ આજે બપોરતી મહદઅંશે મેઘવિરામ રહ્યો હતો. જો કે, દ્વારકા જિલ્લાનાં મુખ્ય મથક ખંભાળિયામાં ત રાતતી આજે સાંજ સુધીમાં વધુ ૧૭ ઈંચ વરસાદ વરસી જતાં જળબંબાકાર યથાવત રહ્યો હતો. એ જ રીતે લાલપુર, કલ્યાણપુર અને જામજોધપુરમાં આઠ ઈંચ, જામનગર અને ભાણવડમાં સાત ઈંચ, માણાવદર અને કુતિયાણામાં વધુ છ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અન્ય ૩૦ જેટલા તાલુકા મથકોએ અડધાથી પાંચ ઈંચ મેઘમહેર વરસી હતી. ભારે વરસાદથી જોખમ સર્જાતા જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અનકે લોકોનાં સ્થળાંતર પણ કરાયા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી શરૂ થયેલો વરસાદ આજે મંગળવારે પણ આખો દિવસ અવિરત રીતે વરસ્યો હતો. ખાસ કરીને ખંભાળિયા પર મેઘરાજા જાણે વધુ પડતા મહેરબાન હોય તેમ આજે પણ મુશળધાર વરસાદ વરસતા કેટલાક સ્થળોએ ખાના-ખરાબી જેવા તરસ્યો નિર્માણ પામ્યા છે. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે વરસી ગયેલા વરસાદ બાદ ગતરાત્રીના પણ મુશળધાર પાંચ  ઈંચ વરસાદ પડયો હતો. જે આજે પણ દિવસ દરમ્યાન અવિરત રીતે ચાલુ રહ્યો હતો. આમ ગતરાત્રિથી આજે સાંજે છ વાગ્યા સુધીમાં કુલ ૧૭ ઈંચ (૪૨૩ મીમી) વરસાદ વરસી ગયો હતો. આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ બાવન ઈંચ (૧૩૦૯ મીમી)પડી જતા ચોમાસાના પ્રારંભિક દિવસોમાં ભારે વરસાદથી લોકોમાં અંદરખાને ચિંતા લાગણી પ્રસરી છે. આમ, ખંભાળિયા શહેર તથા તાલુકાના તમામ ગામોમાં સચરાચર વરસાદના કારણે તમામ જળાશયો તરબતર બની ગયા છે. આ ઉપરાંત ખેતરોમાં પણ કેટલાક સ્થળે પાણી ભરાયા હોવાનું જાણવા મળેલ છે. છેલ્લા ત્રણ દિવસથી અવિરત રીતે ચાલુ રહેલો આ વરસાદ હવે જો બંધ નહીં થાય તો નુકશાની થવાની પણ પૂરી દહેશત સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં નગરપાલિકા તંત્ર મામલતદાર તથા સ્ટાફ દ્વારા પણ જુદા જુદા સ્થળોએ રેસ્ક્યુ સહિતની જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 ગતરાત્રીથી અવિરત પુનઃ શરૂ થયેલી આ મેઘ સવારી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક રીતે વરસી હતી. જેમા ખંભાળિયા તાલુકામાં ૨૯૯ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે કલ્યાણપુર તાલુકામાં ૮ ઈંચ, દ્વારકા તાલુકામાં ૪ ઈંચ તથા ભાણવડ તાલુકામાં સાત ઈંચ  વરસાદ મંગળવારે સાંજે ૭ વાગ્યા સુધીમાં નોંધાયો છે.

રાજકોટ શહેરમાં આજે પણ ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. બપોરે સૂર્યનારાયણનાં દર્શન થયા હતાં. આ સાથે આજે અડધાથી એક ઈંચ જેવો વરસાદ પડયો હતો. બીજી તરફ રાજકોટ જિલ્લામાં આજે ઉપલેટામાં ધોધમાર સાડા ત્રણ ઈંચ અને ધોરાજીમાં દોઢ ઈંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળ્યા હતાં.એ જ રીતે હળવા ભારે ઝાપટા સાથે આજે જામકંડોરણામાં એક ઈંચ તથા ગોંડલ, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી અને જેતપુરમાં અડધા ઈંચ જેવી મેઘમહેર થઈ હતી. ધોરાજીનાં કલાણા અને ઉપલેટાનાં મોટી પાનેલી ગામે ૨૪ કલાકમાં ૧૦થી ૧૪ ઈંચ જેવા વરસાદથી જળબંબાકાર થયો હતો.

જામનગર જિલ્લામાં ગત મધરાતથી આજે સાંજ સુધીમાં વધુ આઠ ઈંચ સુધીનાં વરસાદથી જળબંબાકાર ચાલુ રહ્યો હતો. જામનગર શહેરમાં ત રાત્રી દરમિયાન ધોધમાર ત્રણ ઈંચ બાદ આજે ચાર ઈંચ સહિત કુલ સાત ઈંચ વરસાદ પડતા માર્ગો ઉપર ગોઠણડૂબ પાણી ભરાયા હતાં. એ જ રીતે લાલપુર અને જાંમજોધપુરમાં વધુ આઠ ઈંચ વરસાદે લોકોને સ્તબ્ધ કરી દીધા હતાં. ગત રાતથી આજે સાંજ સુધીમં કાલાવડમાં ચાર ઈંચ, જોડિયામાં ત્રણ ઈંચ અને ધ્રોલમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.

પોરબંદર જીલ્લામાં મંગળવારે વધુ ૩ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં અનેક વિસ્તારોમાં પુરનો ભય જોવા મળી રહ્યો છે તો બરડા પંથકમાં ગામડાઓમાં ડેમો છલકાતા મોરાણામાંથી ૭૦ અને કુતિયાણા પંથકમાંથી ૬૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મંગળવારે સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં પોરબંદર જિલ્લા ઉપર મેઘરાજા મહેરબાન રહ્યા હતાં અને સૌથી વધુ કુતિયાણા તાલુકામાં ૧૪૮ મી.મી. વરસાદ ૬ ઈંચ નોંધાયો છે. જયારે પોરબંદર તાલુકામાં ૯૫ મી.મી. ૪ ઈંચ અને રાણાવાવ તાલુકામાં ૭૦ ઈંચ ૩ ઈંચ વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં ચારઈંચ વરસાદ વરસતા હરીશટોકીઝથી હનુમાનગુફા થઈને એસવીપી રોડ ઉપર દોઢથી બે ફુટ પાણી ભરાયા છે તેવી જ રીતે રામટેકરીથી પીજીવીસીએલ કચેરી, રેલ્વે સ્ટેશન રોડ, રામકૃષ્ણ મિશનની આજુબાજુનો વિસ્તાર, તાજાવાલા લોહાણા મહાજનવાડીનો વિસ્તાર, ખીજડીપ્લોટથી છાંયાચોકી રોડ સહિત અનેક વિસ્તારોમાં દોઢથી બે ફુટ પાણી ભરાઈ ગયા છે.

પોરબંદર પંથકમાં એકધારા વરસી રહેલા વરસાદને લીધે ડેમ સાઈટ વિસ્તારનાં લોકો ઉપર જોખમ સર્જાય નહીં તે માટે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જેમાં બરડા પંથકના મોરાણા ગામે ૭૦ જેટલા લોકોનું સ્થળાંતર સલામત જગ્યાએ કરવામાં આવ્યું છે તો કુતિયાણા તાલુકામાં ૧૪ કુટુંબના અંદાજે ૬૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં આજે પણ મેઘસવારી યથાવત રહી હતી. માણાવદરમાં ધોધમાર છ અને વંથલીમાં ચાર તથા જૂનાગઢ અને માંગરોળમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે માળીયા હાટીના અને મેંદરડામાં બે ઈંચ, કેશોદ અને ભેસાણમાં દોઢ ઈંચ તથા વિસાવદરમાં એક ઈંચ મેઘમહેર વરસી હતી. પરિણામે નરસિંહ તળાવ છલકાયું હતું. રસાલા અને બાંટવા ખારા ડેમ ઓવરફલો થયા હતાં.

ગીર સોમનાથ જિલ્લામાં આજે મેઘસવારી ધીમી પડી હતી. આમ છતાં રાતતી આજે સાંજ સુધીમાં સુત્રાપાડામાં ત્રણ, વેરાવળમાં અઢી કોડીનારમાં બે તથા ઉના અને ગીરગઢડામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. એ જ રીતે મોરબી જિલ્લામાં આજે વાંકાનેર, મોરબી અને માળીયા મિંયાણામાં અડધો ઈંચ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ચોટીલામાં એક ઈંચ તેમજ લીંમડી અને થાનગઢમાં અડદો ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા ઝાપટા સિવાય મેઘવિરામ રહ્યો હતો.

અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી

ખંભાળિયા પંથકમાં પૂર જેવી હાલત, ખેતરોમાં પાણી ભરાયા

સોનારડી ગામનું તળાવ તૂટયું, દાતા ગામ સંપર્ક વિહોણું બન્યુંઃ મહાપ્રભુજીની બેઠકમાં પુનઃ પાણી ઘૂસ્યા

ખંભાળિયામાં વધુ 17 ઈંચ વરસાદ ખાબકયો 5 - imageખંભાળિયા તાલુકામાં ગત મોડી રાત્રીથી આજે બપોર સુધી અવિરત  વરસાદને લીધે  ખંભાળિયા-ભાણવડ પટ્ટીના માંઝા, લલીયા, તથીયા વગેરે ગામો તેમ જ દ્વારકા હાઈવે પરના સોનારડી, હંજિયાખડી, આસોટા વગેરે ગામોમાં પણ ૧૦થી ૧૨ ઈંચ જેવો વ્યાપક વરસાદ પડયો હતો. આ ઉપરાંત વિરમદળ, ખજુરીયા સહિતના ગામોમાં પણ સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. છેલ્લા ત્રણ દિવસથી અવિરત રીતે વરસતા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જળોતો  છલકાઈ જતા હવે વધુ વરસાદ પડે તો હાલાકી સર્જાય તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આટલું જ નહીં જો હજુ વધુ વરસાદ થશે તો ઉભા મોલને નુકસાની થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.    

ખંભાળિયા શહેરના પાદરમાં ધરમપુર વિસ્તારમાં આવેલી સુપ્રસિદ્ધ શ્રી મહાપ્રભુજીની બેઠકમાં આજે પણ પુનઃ બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ આવ્યા હતા. અહીંના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા એક મંદિરની બાજુમાં વર્ષો જુનું એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ ઉપરાંત ચાર રસ્તા વિસ્તાર, બેઠક રોડ, રામનાથ સોસાયટી વિગેરે વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો બન્યા હતા. થોડો સમય વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રામનાથ સોસાયટી વિસ્તારમાં ગતરાત્રે વીજશોક લાગતા એક ગાયનું મૃત્યુ નીપજયું હતું.

હાઈવે પર આવેલા સોનારડી ગામ તથા આસપાસના ગામોમાં ૧૨ કલાકમાં મુશળધાર દસ ઇંચ જેટલા વરસાદથી આવેલા વ્યાપક પાણીના કારણે ચાર જેટલા ગામોની ખેતીની જમીન માટે આશીર્વાદરૂપ સોનારડી ગામનું રાધાણી તળાવ તૂટી જતા તંત્ર દોડી ગયું હતું. ખંભાળિયાથી આશરે દસ કિલોમીટર દૂર જામનગર માર્ગ પર આવેલા દાતા તથા આસપાસના ગામોમાં છેલ્લા બે દિવસ દરમિયાન આશરે ૨૨ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો અને આ કારણે તમામ જળાશયો તરબતર બન્યા હતા. નજીકનો સિંહણ ડેમ પણ આજે સવારે ઓવરફ્લો થયો હતો. આ પરિસ્થિતિમાં દાતા ગામમાં પ્રવેશ માટે મેઈન હાઇવેથી ગામને સાંકળતા પ્રવેશ માર્ગ પરના નવા બનેલા પુલ પાસેનો રસ્તો ધોવાઈ જતા દાતા ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું.   વાહનો તથા વ્યક્તિઓની અવરજવર થોડો સમય ઠપ્પ થઈ ગઈ હતી. તંત્ર દોડી ગયું હતું અને જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આજુબાજુના તળાવો થયા ઓવરફલો

ઢાંકમાં ૭ કલાકમાં સાડા છ ઇંચ વરસાદ 

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સતત ચોથા દિવસે પણ મેઘરાજાની અવિરત સવારી થી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ખેતરોમાં પાણી ભરાયા છે અને આજુબાજુનાં જળાશયો, તળાવો, ઓવરફલો થયા છે. 

અવિરત મેઘ કૃપાથી જનજીવન અસ્તવ્યસ્ત ખેતરોમાં ભરાયા પાણી

સાડા ઇંચ જેટલો વરસાદ પડતા ગામ પાસે આવેલ ભમરડીના દિવેશ્વર તળાવ છલોછલ ભરાઇ જતાં. તેની પાસે આવેલ દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ચાલુ થયેલ છે. સતત પડી રહેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ જવાથી નાના મોલમાં પાણી ફરી વળ્યું છે અને વેણુ ડેમમાં સતત પાણીની આવક થતાં ડેમની ૨૦ જેટલા પાટીયા ખોલી નાખવામાં આવ્યા હતા. 

સૌરાષ્ટ્રમાં આજે છૂટા-છવાયા સ્થળે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં વેલમાર્ક લો-પ્રેસર અને સાયકલોનિક સરક્યૂલેશનની અસરથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. હવે હવામાન ખાતાએ આવતીકાલે બુધવારે દ્વારકા સહિતનાં જિલ્લાઓમાં છૂટા - છવાયા સ્થળોએ જ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે. જયારે ગુરૂવારતી વરસાદનું જોર ઘટી જવાની આગાહી કરાઈ છે.

Tags :