Updated: Mar 15th, 2023
- સ્વપ્નશિલ્પ સોસાયટીની યુવતી સાઈકલ લઈ કોલેજ જતી વેળાએ કરૂણાંતિકા સર્જાઈ
- મૃતક યુવતી મહિલા કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી, પરિવારમાં ગમગીની, ટેન્કરના વ્હીલમાં કચડાઈ જતાં સ્થળ પર જ યુવતીએ દમ તોડયો, પોલીસ દોડી ગઈ
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના તરસમિયા, સ્વપ્નશિલ્પ સોસાયટી, પ્લોટ નં.૦૫માં રહેતા રાધિકાબેન રમેશભાઈ મકવાણા (ઉ.વ.૧૯) કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય, આજે સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી સાઈકલ લઈ મહિલા કોલેજ ખાતે અભ્યાસ માટે જઈ રહ્યા હતા. ત્યારે સુભાષનગર, શહેર ફરતી સડક, ગીરીશ શાહના બંગલાની સામે પહોંચતા કાળ બનીને આવી રહેલ ૧૦ વ્હીલવાળું ટેન્કર નં.જીજે.૩૮.ટી.૭૮૬૬ના ચાલકે સાઈકલ સાથે ટેન્કર ભટકાડી કોલેજીયન યુવતી રાધિકાબેનને નીચે પછાડી દઈ પાછળના વ્હીલથી કચડી નાંખતા રાધિકાબેનને માથાના ગંભીર ઈજા થવાથી તેણીએ ઘટના સ્થળ પર જ દમ તોડી દીધો હતો.અકસ્માત સર્જી ટેન્કર સ્થળ પર જ મુકી ચાલક નાસી ગયો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો અને ઘોઘારોડ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સર ટી.હોસ્પિટલ ખસેડયો હતો. સાઈકલ લઈ કોલેજ જતી વેળાએ સર્જાયેલી કરૂણાંતિકાને લઈ પરિવારમાં ગમગીની છવાઈ છે. ઘટના સંદર્ભે મૃતકના મોટાભાઈ નિલેશભાઈ રમેશભાઈ મકવાણા (ઉ.વ.૨૪)એ ટેન્કરના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે આઈપીસી ૩૦૪એ, ૨૭૯ અને એમ.વી. એક્ટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.