ભાવનગર: 110 સોનોગ્રાફી મશીન ધરાવતા સેન્ટરની નિયમિત તપાસ કરાશે
ભાવનગર, તા. 14 ઓક્ટોબર 2019, સોમવાર
ભાવનગર શહેર અને જિલ્લામાં જાતિ ગુણોતરનુ યોગ્ય પ્રમાણ જળવાતુ નથી અને સોનોગ્રાફી મશીનથી ગેરકાયદે પરીક્ષણ કરવામાં આવતુ હોય છે. આ પ્રવૃતિ અટકાવવા માટે જિલ્લા કલેકટરે આદેશ આપ્યો છે અને દરેક સોનોગ્રાફી મશીન સેન્ટર પર સરપ્રાઈઝ ચેકીંગ કરવા અધિકારીઓને જણાવેલ છે. જિલ્લા કલેકટરે તત્કાલ પગલા લેવા આદેશ કર્યો છે ત્યારે અધિકારી-કર્મચારીઓ કેવી કામગીરી કરે છે ? તેની રાહ જોવી જ રહી.
કલેકટર કચેરી ભાવનગર ખાતેના આયોજન ખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને પી.સી એન્ડ પી.એન.ડી.ટી એડવાઇઝરી કમિટીના સભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ ભાવનગર જિલ્લામાં આવેલ સોનોગ્રાફી મશીન ધરાવતા તમામ 110 સેન્ટરોની નિયમિત રીતે તપાસ તેમજ જિલ્લામાં જાતિ ગુણોતર સંતુલન યોગ્ય રીતે જળવાય તે અંગે જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા તેમજ ગાયનેકોલોજિસ્ટ ડોકટરો માટે માર્ગદર્શક તાલીમ અને સેમીનાર યોજવાનુ સૂચન કર્યું હતું. પપેટ શો તેમજ નાટકો દ્વારા લોકોને જાગૃત કરવાની સાથે-સાથે પરિણામલક્ષી કાર્યવાહી થાય તે દિશામાં પણ યોગ્ય પગલા ભરવા કલેક્ટરએ ઉપસ્થિત સભ્યઓ, અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
આ બેઠકમાં લાયન્સ ક્લબ, એફ.પી.એ.આઇ એન.જી.ઓ, જિલ્લા આરોગ્ય અધિકારી, ભાવનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર, સર.ટી હોસ્પીટલના સહિતના પી.સી એન્ડ પી.એન.ડી.ટી એડવાઇઝરી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અગાઉ સોનોગ્રાફી મશીનથી ગેરકાયદે પરીક્ષણ થતા હોવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે તંત્રએ કડક પગલા લેવા જરૂરી બની રહે છે.