કૃષિ કાયદાથી ફટકોઃ માંગરોળ માર્કેટ યાર્ડને તાળાં મારવા પડે એવી સ્થિતિ
- ખેડૂતોને ખુલ્લા બજારમાં જણસ વેચવાની છૂટથી શેષની આવક બંધ
- કર્મચારીઓને પગાર ચૂકવવાનાં પૈસા નથી : લાઈટ અને ટેલિફોન બિલ પણ નહીં ભરી શકતા ગમે ત્યારે કનેક્શન કપાઇ જવાનો ભય
માંગરોળ
માંગરોળ માર્કેટીંગ યાર્ડની આથક હાલત કથડી ગઈ છે. કેન્દ્ર સરકારે બનાવેલા કૃષિ કાયદાની અસર થઈ છે. ખેડૂતોને પોતાની જણસ માર્કેટીંગ યાર્ડ બહાર વેચવા નવા કાયદાઓથી મળેલી છૂટથી જણસના વેચાણ ઉપર મળતી શેષની આવક બંધ થતાં માંગરોળ માર્કેટીંગ યાર્ડ દેવાળીયુ બન્યું છે. એક વર્ષથી યાર્ડની શેષની આવક શુન્ય છે. આઠ જેટલા કર્મચારીઓને પગાર ચુકવવાના નાણાં નથી. એક માસનો પગાર ચડત થયો છે અને પગાર ક્યારે થશે તે કોઈ જાણતું નથી. પગાર માટે દર માસે પોણા બે લાખ જેટલી રકમની જરૂરિયાત રહે છે. એક વર્ષથી આવક બંધ થતાં કર્મચારીઓએ યાર્ડમાં અગાઉની પુરાંતમાંથી દર માસે અડધો પગાર સ્વીકારી ગાડું ગબડાવ્યું હતું. પુરાંત ખત્મ થતાં પગારના સાંસા પડવા લાગ્યા છે. વીજબિલ અને ટેલીફોન બીલ ચુકવવાના પણ પૈસા ન હોય ગમે ત્યારે વિજ અને ટેલીફોન જોડાણ કપાઈ જશે.
ખેડૂતો માટે બનાવાયેલા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોના નામે ઉદ્યોગપતિઓ કમાયા છે. ખેડૂતોના માલનું ક્યારેય વેચાણ જ થવા દેવાતું નથી. વેપારીઓ બહારથી ખેડૂતો પાસેથી સીધો માલ ખરીદતા હોવાથી માર્કેટીંગ યાર્ડ તેમની પાસેથી ઉધડી શેષની રકમ વસુલતું હતું. જે નવા કાયદાથી બંધ થતાં માર્કેટીંગ યાર્ડ બંધ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અગાઉ 'સેલ નહીં તો શેષ નહીં'ના નારા સાથે થયેલું આંદોલન નિષ્ફળ ગયું હતું. કારણ કે, માર્કેટીંગ યાર્ડની આવક માટે તેલી જણસી ઉપર શેષ વસુલવાના અધિકારનો ઉપયોગ કરી નાળીયેર પણ તેલ આપતી જણસ હોવાથી શેષ વસુલવા કરાયેલા નિર્ણય સામે માંગરોળ નાળીયેર એશોશીએશન સુપ્રીમ કોર્ટ સુધી લડેલું અને ત્યાંથી ચુકાદો આવે તે પહેલાં ધારાસભાની ચુંટણી આવતા મતનાં રાજકારણ માટે માર્કેટીંગ યાર્ડ પર દબાણ લાવી નિર્ણય પાછો ખેંચાવી લેવાયો હતો. હવે આગામી ફેબઆરી-૨૦૨૧માં યાર્ડની ચાલુ બોડીની મુદ્દત પુરી થતાં ચુંટણી યોજાનાર છે ત્યાં સુધીમાં તો યાર્ડ બંધ થઈ જશે તેવું લાગી રહ્યું છે. અત્યારે યાર્ડમાં ટેકાના ભાવે થયેલ ખરીદીની શેષની એકાદ કરોડની રકમ સરકાર છુટી કરે તો કર્મચારીઓનાં પગાર થાય તેવી આશાએ વગર પગારે ફરજ પર આવે છે.