Get The App

આયુષ્યમાન કૌભાંડ, રાજકોટ જિ.માં 9338 કાર્ડ રદ,16 ઓપરેટર સસ્પેન્ડ

- અમદાવાદ,વડોદરા,સુ.નગર,મોરબી સહિત રાજ્યવ્યાપી બોગસ કાર્ડ

- ઓપરેટરોના મિલાપીપણાથી બોગસ કાર્ડ નીકળ્યા કે આઈ.ડી. હેક થયા તે તપાસનો વિષય, 4 અધિકારીઓ દ્વારા ચાલતી તપાસ

Updated: Jan 9th, 2020

GS TEAM

Google News
Google News
આયુષ્યમાન કૌભાંડ, રાજકોટ જિ.માં 9338 કાર્ડ રદ,16 ઓપરેટર સસ્પેન્ડ 1 - image

- રાજ્યમાં હજારો કાર્ડ રદ, તેના પર કોઈ લાભ નહીં મળે, બોગસ કાર્ડ પૈસા લઈ ઈસ્યુ કરાયાની પણ શંકા 


રાજકોટ, તા.09 જાન્યુઆરી 2020, ગુરુવાર

કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગરીબોને નિઃશૂલ્ક તબીબી સારવારનો લાભ આપવા માટેની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પી.એમ.જે.વાય.)ના રાજ્યભરમાં હજારો બોગસ કાર્ડ ઈસ્યુ થઈ ગયાનું કૌભાંડ બહાર આવ્યું છે. રાજકોટ જિલ્લામાં આવા ૯૩૩૮ કાર્ડ આજ સુધીમાં ટ્રેક થતા તમામને રદ કરવા હૂકમ જારી કરાયો છે અને આ અંગે જિલ્લા પંચાયતના ચાર અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

આ અંગે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારી ડો.મિતેષ ભંડેરીએ જણાવ્યું કે જિલ્લામાં ૯૩૩૮ આયુષ્યમાન કાર્ડને રદ કરીને બ્લોક કરી દેવાયા છે, અર્થાત્ જે વ્યક્તિઓએ આ કાર્ડ મેળવ્યા હશે તે હોસ્પિટલમાં મફત સારવારનો લાભ લેવા જશે ત્યારે આ કાર્ડ વર્ક કરશે નહીં. આ માટે ૧૬ ડેટા એન્ટ્રી ઓપરેટરોની જવાબદારી ગણીને તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે.  રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, મોરબી, ભા વનગર સહિત અનેક જિલ્લાઓમાં આવા બોગસ કાર્ડ ઈસ્યુ કરાયાનું અને તેને બ્લોક કરાઈ રહ્યાનું જાણવા મળે છે.

આ બોગસ કાર્ડ કોઈ કેમ્પોમાં એક સાથે ઈસ્યુ થયાની અને આ માટે આર્થિક વહીવટ થયાની શક્યતાને પણ સત્તાવાળાઓ નકારતા નથી. સરકારની આધારકાર્ડ સહિતની અનેક મહત્વની સેવાઓની કામગીરી આઉટસોર્સિંગથી રખાતા ડેટા એન્ટ્રી ઓપરેટર મારફત કરાવાય છે જેમાં તેઓને ડેટા અપલોડ કરવા માટે ચોક્કસ આઈ.ડી. આપવામાં આવે છે. આ કૌભાંડમાં (૧) આ આઈ.ડી.નો ઓપરેટરોના કોઈ જાણીતાએ ઓ.ટી.પી.નો ઉપયોગ કર્યો હોય અથવા તો (૧) તેણે પોતે જ તેનો બોગસ કાર્ડ માટે ઉપયોગ કર્યો હોય  કે પછી (૩) આઈ.ડી.હેક કરીને કૌભાંડિયા તત્વોએ તેનો ઉપયોગ કરીને કાર્ડ ઈસ્યુ કર્યા હોય તેવી શક્યતા છે. 

આ કૌભાંડની તપાસમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ પોલીસના સાયબર સેલની પણ મદદ લેશે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાત રાજ્યમાં કેન્દ્ર સરકારની આ યોજના પહેલા મા કાર્ડની યોજના અમલી રહી છે અને કોઈ વ્યક્તિ પાસે આ બન્ને કાર્ડ હોય તો પણ તેમને બમણાં લાભ મળતા નથી પણ એક જ લાભ મળે છે છતાં મા કાર્ડ હોય તેઓ પણ આયુષ્યમાન કાર્ડ કઢાવવા લાઈનમાં ઉભા રહેતા હતા. આવા કાર્ડ માટે કેમ્પોમાં ભારે ધસારો એ રીતે થાય છે જાણે કે કાર્ડ મળ્યા બાદ મોટો લાભ મળવાનોહોય અને આ સ્થિતિનો કૌભાંડિયા તત્વોએ ગેરલાભ ઉઠાવ્યાની શક્યતા છે.