Get The App

સુરતથી માદરે વતન આવતા પરિવારો માટે એસ.ટી.ની 80 બસ ફાળવાઈ

Updated: Oct 23rd, 2019

GS TEAM

Google News
Google News
સુરતથી માદરે વતન આવતા પરિવારો માટે એસ.ટી.ની 80 બસ ફાળવાઈ 1 - image
ભાવનગર, તા. 23 ઓક્ટોબર 2019, બુધવાર

દિવાળીના તહેવારો કરવા સુરતથી માદરે વતન આવતા પરિવારો માટે ભાવનગર એસ.ટી. ડિવિઝન દ્વારા સુરત ખાતે વધારાની 80 બસનું સંચાલન કરવામાં આવશે. જે પૈકીની 20 બસને આજે રવાના કરવામાં આવી હતી. ધંધા-વ્યવસાય અર્થે સુરત સ્થાયી થયેલા રત્નકલાકારો અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો દિવાળી કરવા પોતાના વતન આવતા હોવાથી દિવાળીના દિવસો દરમિયાન સુરતથી ભાવનગર વચ્ચે ખૂબ જ ટ્રાફિક રહે છે.

જેના કારણે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો મુસાફરો પાસેથી બમણાં ભાડા વસૂલી ઉઘાડી લૂંટ ચલાવતા હોય, જેને રોકવા માટે એસ.ટી. નિગમ દ્વારા નોર્મલ ભાડા સાથે સુરત માટે એકસ્ટ્રા બસો દોડાવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ભાવનગર એસ.ટી. ડિવિઝન દ્વારા સુરત અને આસપાસના વિસ્તારમાં સ્થાયી થયેલા રત્નકલાકારોને વતન પરત લાવવા માટે તા. 23-10 થી તા. 25-10 સુધી 80 બસ સુરત મોકલવામાં આવશે. ડિવિઝનના આઠેય ડેપોમાંથી આજે બુધવારે 20 બસ સુરત રવાના કરાઈ છે. જ્યારે બાકીની 60 બસ આગામી બે દિવસમાં મોકલવામાં આવશે.

ભાવનગર જિલ્લામાં કામ-ધંધે આવેલા પરિવારો પોતાના વતન જઈ શકે અને એસ.ટી.ને પણ આવક વધે તે માટે ફાળવાયેલી 80 બસ સીધી સુરત જવાના બદલે પ્રથમ અન્ય રૂટો પર દોડશે. જેમાં ભાવનગર, તળાજા અને મહુવા ડેપોમાંથી દાહોદ બાદ બસોને સુરત રવાના કરાશે. બરવાળા તેમજ ડેપોના વાહનો અમદાવાદ અને વડોદરા બાદ સુરત જશે. ગારિયાધાર અને ગઢડા ડેપોમાંથી છોટા ઉદેપુરનું સંચાલન થયા બાદ તમામ બસ સુરત જશે. હાલ ભાવનગરની 12, મહુવા અને તળાજા ડેપોની 2-2 મળી કુલ 16 બસનું બુકીંગ થઈ ગયું છે. જ્યારે સુરતથી ભાવનગરની તમામ બસો હાઉસફુલ હોવાનું વિભાગીય નિયામક પી.એમ. પટેલે જણાવ્યું હતું.

સુરત માટે કયાં ડેપોની કેટલી બસ ફાળવાઈ

ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને રાખી સુરત માટે 80 બસ મુકવામાં આવી છે. જેમાં ભાવનગર ડેપોની 16, પાલિતાણાની 11 ગારિયાધાર અને તળાજાની 9-9, મહુવા અને બોટાદની 10-10 અને બરવાળાની 6 બસ સુરત જશે. આ આઠેય ડેપોમાંથી આવતીકાલે તા. 25-10ને ગુરૂવારે 40 અને તા. 25-10ને શુક્રવારે 20 બસ સુરત જવા રવાના થશે. વધુમાં દિવાળીના તહેવાર દરમિયાન નિગમની 1200 બસ રાજ્યના અલગ-અલગ રૂટ પર દોડશે.
Tags :