સામાન્ય બીયરમાં 8 ટકા અને આયુર્વેદીકનાં નામે વેંચાતા બીયરની બોટલમાં 11 ટકા આલ્કોહોલ
- આયુર્વેદીક બીયરનાં નામે વેચાતું 33 લાખનું નશાકારણ પીણું પકડાયું
- ખાસ કરીને યુવાધન નશો કરવા આયુર્વેદીક બીયરનું મોટાપાયે સેવન કરી રહ્યો છે
રાજકોટ: સૌરાષ્ટ્રભરમાં આયુર્વેદીક બીયરનાં નામે નશાકારક પીણાં ખુલ્લેઆમ પાનની દૂકાનો પર વેંચાઈ રહ્યાં છે. ખાસ કરીને યુવાધન આ નશાકારક પીણાંનાં રવાડે ચડી ગયો છે. પોલીસ કયારેક કયારેક દરોડા પાડી, કામગીરી કર્યાનો સંતોષ મેળવી લે છે. ગઈકાલે રાત્રે ઉપલેટા પોલીસે એક પાનની દૂકાનમાં દરોડા પાડી ત્યાંથી આયુર્વેદીક બીયરનાં નામે વેંચાતાં નશાકારક પીણાંની 14 બોટલ ઝડપી લીધા બાદ ગોડાઉન પર દરોડો પાડી ત્યાંથી મોટો જથ્થો મળી કુલ 33.65 લાખની કિંમતની બોટલો ઝડપી લીધી હતી.
ઉપલેટાનાં પીઆઈ કે.કે. જાડેજાએ મળેલી બાતમીનાં આધારે પાંજરાપોળ ચોક પાસે આવેલી વીર પાન નામની દૂકાનમાં દરોડો પાડી ત્યાંથી આયુર્વેદીક બીયરનાં નામે વેંચાતી નશાકારક પીણાંની 14 બોટલ કબ્જે કરી દુકાન માલીક પારસ નિલેશભાઈ દેસાઈ (34) અને તેનાં ભાઈ વિશાલ (28, રહે, બંને પવન એપાર્ટમેન્ટ, પાંજરાપોળ ચોક, ઉપલેટા) ની પુછપરછ કરી હતી.
જેમાં બંનેએ આ૫ેલી માહિતીનાં આધારે દ્વારકેશ એપાર્ટમેન્ટમાં આવલી એક દૂકાન કમ ગોડાઉનમાં દરોડો પાડતા ટ્રકમાંથી નશાકારક પીણાંની બોટલો ઉતરતી હતી, જેથી ટ્રક અને ગોડાઉનમાંથી પોલીસે વધુ 22570 બોટલ કબ્જે કરી હતી.
આ રીતે પોલીસે બંને સ્થળેથી કુલ 22,584 બોટલ કબ્જે કરી હતી. જેની કિંમત પોલીસે ૩૩.૬પ લાખ અને ટ્રકની કિંમત ૧૦ લાખ ગણી કુલ ૪૩.૬પ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે આ પ્રકરણમાં હાલ જાણવાજોગ નોંધ કરાઈ છે. એફએસએલનાં રિપોર્ટ બાદ નશાબંધી આબકારીની કલમો હેઠળ બંને દૂકાનદાર સામે ગુનો દાખલ કરવામાં આવશે. આયુર્વેદીક બીયરની જે બોટલો કબ્જે થઈ છે, તે વેંચવી ગુનો નથી, પરંતુ મોટી સંખ્યામાં સ્ટોક કરવા માટે નશાબંધી અને આબકારી વિભાગનું લાયસન્સ જરૂરી છે. જે નહીં હોવાથી હાલની કાર્યવાહી કરવામાં આવી છે.
વધુ પૂછપરછમાં દૂકાનદાર દેસાઈ બંધુઓએ ભાવનગરનાં એક શખ્સ મારફત વડોદરાથી માલ મંગાવ્યાનું કહ્યું છે.
ચોંકાવનારી બાબત એ છે કે સામાન્ય રીતે બીયરની જે બોટલ આવે છે, તેમાં આલ્કોહોલની માત્રા 8 ટકા હોય છે. જયારે ગઈકાલે ઉપલેટા પોલીસે કબજે કરેલી આયુર્વેદીક બીયરની બોટલમાં આલ્કોહોલની માત્રા 11 ટકા આસપાસ છે. જેને કારણે જ મુખ્યત્વે દારૂના નશાના બંધાણી ખૂલ્લેઆમ આયુર્વેદીક બીયરના નામે વેચાતી નશાકારક પીણાની બોટલોના રવાડે ચડી જાય છે.
દારૂના દોઢ પેગથી જેટલો નશો ચડે છે એટલો નશો આયુર્વેદીક બીયરની બોટલથી ચડતો હોવાથી બંધાણીઓ મોટાપાયે તેનું સેવન કરી રહ્યા છે.
એટલું જ નહીં રૂા.40ની કિંમતની આ બોટલ વેપારીઓ રૂા.100નો નફો ચડાવી રૂા.140માં વેચે છે. તગડા નફાને કારણે વેપારીઓ મોટાપાયે આ ધંધો કરી રહ્યા છે.