ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં સેવાસેતુમાં 669 લાભાર્થીએ લાભ લીધો
- શહેરમાં ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
- રેશનકાર્ડ, અમૃતમ કાર્ડ, આવાસ યોજના, આધાર કાર્ડ સહિતની કામગીરી માટે અરજદારો અરજી કરી
ભાવનગર,22 ડીસેમ્બર 2019 રવિવાર
ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં ગઈકાલે શનિવારે સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં જુદી જુદી કામગીરી માટે અરજદારોએ અરજી કરી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
શહેરના ઉત્તર કૃષ્ણનગર વોર્ડના ખેડૂતવાસમાં સવાભાઈ ચોકમાં આવેલ શાળા નંબર-૧૩ ખાતે ગઈકાલે શનિવારે સવારે ૯ થી સાંજના પ કલાક દરમિયાન ઉત્તર કૃષ્ણનગર વોર્ડના સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. સેવાસેતુ કાર્યક્રમમાં બપોર ર કલાક સુધી અરજી સ્વિકારવામાં આવી હતી, જેમાં આવક, જાતિ, ક્રિમીલીયર પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ નોંધાવવાની અરજી, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, જન્મ મરણના દાખલાઓની અરજી, ગુમાસ્તા ધારા-વ્યવસાયવેરાની અરજી, ઘરવેરાની માઈનોર સુધારા બાબતની અરજી, જનધન યોજના, ઘરેલુ નવા વિજ જોડાણ માટેની અરજી, આવાસ યોજના મંજુરી પત્ર, બસ કનેકશન પાસ, મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડ, ટોયલેટ અરજી સહિતના કામની અરજી ૬૬૯ અરજદારે કરી હતી.
વ્યકિતલક્ષી-વ્યકિતગત યોજનાના લાભો અંગેની અરજીઓ સ્વિકારી હતી અને આગામી દિવસોમાં નિરાકરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, કોંગ્રેસ નગરસેવકો સહિતના પદાધિકારી, અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં. આગામી દિવસોમાં અન્ય વોર્ડમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.