અષાઢ માસમાં 65% વરસાદ હવે શ્રાવણ - ભાદરવાનું ચોમાસુ
- અનરાધાર વરસાદ થકી જળાશયો છલોછલ
સૌથી વધુ ખંભાળિયામાં અધધ 1365 સૌથી ઓછો સિહોરમાં માત્ર 94 મી.મી. પડયો છે વરસાદ
રાજકોટ, તા. 19 જુલાઈ, 2020, રવિવાર
સૌરાષ્ટ્રમાં 'નિસર્ગ' વાવાઝોડાની અસરનાં પગલે ગત જૂન મહિનામાં જ મુશળધાર વરસાદ વરસવાનું ચાલુ થયું હતું, જે સિલસિલો ૧૫મી જૂને વિધિવત ચોમાસાનાં આગમન બાદ પણ જળવાઇ રહ્યો હતો. પરિણામે સૌરાષ્ટ્રમાં ચાલુ ચોમાસે અત્યાર સુધીમાં ૬૫ ટકા એટલે કે સરેરાશ ૧૮ ઇંચ જેવી ધીંગી મેઘકૃપા વરસી ચુકી છે. આવતીકાલે સોમવતી અમાસ સાથે અષાઢ મહિનો પૂર્ણ થશે, પણ હજુ શ્રાવણ અને ભાદરવો બાકી હોવાથી પુષ્કળ મેઘમહેર થવાથી આશા છે.
સૌરાષ્ટ્રનાં ૧૧ જિલ્લા પૈકી ચાલુ ચોમાસે અત્યાર સુધીમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૫૪.૫૪ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો ભાવનગર જિલ્લામાં ૩૯.૩૮ ટકા વરસાદ પડયો છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામો ૫૮.૩૨ ટકા, સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૯.૮૬ ટકા, મોરબી જિલ્લામાં ૫૭.૯૮ ટકા, જામનગર જિલ્લામાં ૯૮.૯૧ ટકા, પોરબંદર જિલ્લામાં ૧૦૫.૯૧ ટકા, જૂનાગઢ જિલ્લામાં ૬૬.૦૦ ટકા, ગીર સોમનાથ જિલ્લામાં ૫૯.૦૬ ટકા, અમરેલી જિલ્લામાં ૬૧.૩૫ ટકા અને બોટાદ જિલ્લામાં ૫૬.૫૯ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
એ જ રીતે જોઇએ તો સૌથી વધુ ખંભાળિયામાં ૧૩૬૪ એટલે કે ૫૫ ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. જ્યારે સૌથી ઓછો સિહોરમાં માત્ર ૯૪ મી.મી. એટલે કે ચાર ઇંચ વરસાદ પણ વરસ્યો નથી. વળી, વરસાદનાં આંકડા નોંધાતા નથી એવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ રેકોર્ડ બ્રેક મેઘમહેર વરસી છે તો ઘણા ગામડામાં માત્ર હળવા - ભારે ઝાપટા જ પડયા છે. જો કે, દોઢ મહિનામાં વરસેલા વરસાદથી સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં નાના - મોટા જળાશયોમાં નવા નીરની ધીંગી આવક થવા સાથે અનેક ઓવરફલો પણ થઇ ગયા છે. પરિણામે પાક - પાણીનું ચિત્ર ચાલુ ચોમાસે ખુબ ઉજળું દેખાઇ રહ્યું છે.