ભાવનગર, તા. 31 માર્ચ 2020, મંગળવાર
કોરોના મહામારીને લઈ સમગ્ર વિશ્વમાં ફફડાટ વ્યાપી ચુક્યો છે ત્યારે છેલ્લા ચાર દિવસથી ભાવનગર જિલ્લા જેલમાં મુક્તિની માગ સાથે કેદીઓએ ભુખહડતાલ શરૂ કરી હતી. દરમિયાન આજે નામદાર હાઈકોર્ટ અને જીલ્લા કલેકટરના આદેશ અનુસાર કાચા કામના અને સાત વર્ષ સુધીની સજા ભોગવતા 52 કેદીને બે માસ જ્યારે દસ વર્ષ કે આજીવન કેદની સજા ભોગવતા 12 કેદીને 14 એપ્રિલ સુધી પેરોલ મુક્ત કરવામાં આવતા 64 કેદી આજે મંગળવારે જેલ બહાર આવ્યા હતા.
કોરોના વાયરસના પગલે સમગ્ર ભારત દેશમાં લોકડાઉન લાગુ કરી દેવાયું છે જેને લઈ બહાર સન્નાટો જોવા મળી રહ્યો છે. મહામારીને નાથવા તંત્ર યોગ્ય પગલાઓ ભરી 144ની કલમ લાગુ કરાઈ છે ત્યારે ભાવનગર જિલ્લા જેલમાં હાલ એક મહિલા અને 50 પુરૂષ સાથે 51 કાચા કામના કેદી 11 મહિલા સહિત 414 કાચા કામના કેદી અને 11 પાસાના કેદી મળી કુલ 483 કેદી જિલ્લા જેલમાં બંધ છે. મહામારીને લઈ કેદીઓમાં પણ ભયનો માહોલ છવાયો છે ત્યારે કેદીઓએ પેરોલ પર છોડવાની માંગણી સાથે 290 કેદી ભુખહડતાલ પર બેસી ગયા હતા. સાથે અન્નજળનો ત્યાગ કરતા 13 કેદીને સારવારમાં પણ ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન આજે નામદાર હાઈકોર્ટના આદેશ તળે જિલ્લા જેલમાં રહેલ કાચા કામના કેદી અને 7 વર્ષની નીચેની સજા ભોગવતા ૫૨ કાચા પાકા કામના કેદીને બે માસની પેરોલ જ્યારે 10 વર્ષ કે આજીવન કેદની સજા ભોગવતા હોય તેવા 12 કેદીને 14 એપ્રિલ સુધીની પેરોલ રજા મંજુર કરાતા આજે ભાવનગર જિલ્લા જેલમાંથી પ્રશાસને 64 કેદીને પેરોલ મુક્ત કરતા તમામ જેલ બહાર આવ્યા હતા. જેલ મુક્ત થયેલા તમામ કેદીઓને જે તે મથકો સુધી પહોંચતા કરવા તંત્રએ વ્યવસ્થા હાથ ધરી હતી. જ્યારે તમામ કેદીઓને પેરોલ મુક્તિની સાથે જરૂરી સામાન અને સહાય કીટ આપવામાં આવી હતી.
લોકડાઉન લંબાવાશે તો પેરોલની મુદત વધવાની શક્યતા
ભાવનગર જિલ્લા જેલમાં રહેલા કાચા પાકા કામના કેદી અને ભારેખમ સજા ભોગવતા કેદીઓને જિલ્લા જેલમાંથી આજે નામદાર કોર્ટ અને કલેકટરના આદેશ તળે મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે કાચા પાકા ૫૨ કેદીઓને બે માસ માટે પેરોલ આપવામાં આવી છે જ્યારે અન્ય ૧૨ કેદીને ૧૪ એપ્રીલ સુધી પેરોલ મળી છે. જો કે હાલની પરિસ્થિતીને જોતા અને લોકડાઉનની મુદતમાં વધારો કરાશે તો કેદીઓની પેરોલ મુક્ત મુદતમાં પણ વધારો થઈ શકે તેવી શક્યતા જોવા મળી હતી.


