For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

51 મંદિરમાં ચોરીને અંજામ આપનારી તસ્કર ત્રિપુટી ઝબ્બે

Updated: Mar 25th, 2023

51 મંદિરમાં ચોરીને અંજામ આપનારી તસ્કર ત્રિપુટી ઝબ્બે

- ભાવનગર, અમરેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, સોમનાથ જિલ્લામાં ચોરી કરી

- નાસ્તિક તસ્કરોની દર્શન કરવાના બહાને જઈ અને બંધ મંદિરના તાળા તોડી આભૂષણ-રોકડની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી

ભાવનગર/સિહોર : ભાવનગર સહિત રાજ્યભરમાં મંદિરોમાં જઈ ચોરીને અંજામ આપનારી નાસ્તિક ત્રિપુટીને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ-પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લઈ આગવીઢબે પૂછતાછ કરતા છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં તસ્કરોએ ૫૧ મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

સિહોર તાલુકાની ઘાંઘળી ચોકડીથીસિહોર તરફ આવવાના રસ્તાના નાકે અતુલ પ્રવિણભાઈ ધકાણ (રહે, મુળ નવાગામ, તા.ગારિયાધાર, હાલ ફ્લેટ નં.૮, વાલમ ફ્લેટ, મનહરનગર, ખોડિયારનગર ચાર રસ્તા, બાપુનગર, અમદાવાદ), સંજય જગદીશભાઈ સોની  (રહે, મકાન નં.એ/૩, મહાશક્તિ સોસાયટી, અજંતા ઇલોરાની પાસે, હીરાવાડી, અમદાવાદ) અને ભરત પ્રવીણભાઇ થડેશ્વર (રહે, એ/૩૦૧, નીલકંઠ હાઇટ્સ, નરોડા જી.આઇ.ડી.સી., મુઠીયા ટોલટેક્સની પાસે, નરોડા, અમદાવાદ, મુળ કરિયાણા, તા.બાબરા જિ.અમરેલી) નામના ત્રણ શખ્સ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગવીઢબે પૂછતાછ કરતા રીઢા તસ્કરોની ટોળકીએ છેલ્લા ઘણાં સમયથી ભાવનગર, અમરેલી, અમદાવાદ સિટી-રૂરલ, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, સોમનાથ જિલ્લામાં જુદી-જુદી જગ્યાએ ૫૧ મંદિરોમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડની ચોરી કરી હોવાનું તેમજ ત્રણેય શખ્સો પાસેથી મળી આવેલો મુદ્દામાલ આજથી આઠ-દસ દિવસ પહેલા સિહોરના પાલડી ગામની સીમમાં આવેલ સીમાડાના મેલડી માતાજીના મંદિરમાંથી અતુલ અને સંજયે ચોરી કર્યાની તેમજ બજુડ ગામે રામદેવપીરના મંદિરના પરીસરમાં રહેલ દાનપેટી તોડી તેમાંથી રોકડા રૂા.૧૪,૪૦૦ની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચ-પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સોનાની નથ, છત્તર, સરનું, રોકડ અને ત્રણ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી સિહોર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

આ નાસ્તિક તસ્કરોની ત્રિપુટી દર્શન કરવાના બહાને જઈ અને બંધ મંદિરના તાળા તોડી મૂર્તિઓ ઉપર ચડાવેલ સોના-ચાંદીના આભૂષણો અને દાનપેટીમાં રહેલ રોકડ રકમની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપતા હોવાની કબૂલાત આપી હતી. 

વધુમાં ક્રાઈમ બ્રાંચની ઝપટે ચડેલા રીઢા તસ્કરોએ કુલ ૫૧ મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. જેમાં દસેક દિવસ પહેલા પાલડી ગામની સીમમાં સીમાડાના મેલડી માતાજીનું મંદિર, સાતેક વર્ષ પહેલા ગારિયાધારમાં ભીડભંજન મહાદેવ મંદિર-મીઠાકૂવા મંદિરમાં, આઠેક વર્ષ પહેલા પરવડી ગામે રૂપાઈ માતાજીના મંદિરમાં, પાંચેક વર્ષ પહેલા વલ્લભીપુરના લીંબડા ગામે બ્રહ્માણીજીના મંદિરમાં, ત્રણેક વર્ષ પહેલા બગસરા પાસે હીરાપરા સમસ્ત જ્ઞાાતિના ડેરી પીપળીયા ચોક પાસે આવેલ ખોડિયાર માતાના મંદિરમાં, ૧૦-૧૧ વર્ષ પહેલા દામનગરના હજીરાધાર ખોડિયાર માતાજીના મંદિરમાં અને મંદિર સામેની કેબીનમાંથી, છ વર્ષ પહેલા દામનગરના ભાલવાવ ગામની સીમમાં ગાળાવાળા મેલડી માતાજીના ખુલ્લા મંદિરમાં, બે-અઢી માસ પહેલા બજુડ ગામે રામદેવપીરના મંદિરમાં, આઠેક વર્ષ પહેલા ધારૂકા ગામે ભાથીજી મહારાજના મંદિરમાં, ત્રણેક વર્ષ પહેલા ધંધુકા ગામે મોટીજોક ખાતે આવેલ શક્તિ માતાજી અને કોટડા ગામે દોઢેક વર્ષ પહેલા ખોડિયાર માતાજીના મંદિરમાં, ત્રણેક વર્ષ પહેલા ગારિયાધારના લુવારા ગામે ઉકાણીદાદાના આશ્રમમાં, આઠેક વર્ષ પહેલાં વીરમગામ પાસે શાહપુર ગામ નજીક માતાજીના મઢમાં, ચારેક મહિના પહેલા વલ્લભીપુરના ચમારડી ગામે આવડ માતાના મંદિરમાં, આઠેક મહિના પહેલા વલ્લભીપુર ગામે ગુજરાતી પરીવારના મઢમાં, બે માસ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના લાતી ગામમાં માત્રી માતાજીના મંદિરમાં, ત્રણેક વર્ષ પહેલા ગઢડાથી બોટાદ તરફ જતા રસ્તા ઉપર મેલડી માતાજીના મંદિરમાં, દોઢેક વર્ષ પહેલા અમરેલીથી ચીત્ત રોડે ધરાઇ વાવડી ગામે ખોડિયાર માતાના મંદિરમાં, અઢી ત્રણ વર્ષ પહેલા સાવરકુંડલાના સેલણા ગામે નદીના કાંઠે આવેલ મંદિરમાં, ત્રણ વર્ષ પહેલા અમરેલીનાં ભોકરવા ગામે,  વીજપડીની બાજુમાં ડેડકડી ગામ આગળ અને સીમરણ ગામે મંદિરમાં ચોરી કરી હતી.

આ ઉપરાંત દોઢેક વર્ષ પહેલા નારી ચોકડીથી અમદાવાદ તરફ જવાના રસ્તા ઉ૫ર આહીર સમાજ કે ભરવાડ સમાજનાં મંદિરમાં, દામનગરની બાજુમાં પાડરશીંગા ગામે રામદેવપીરના મંદિરમાં, ગઢડાથી બોટાદ જવાના રસ્તે બાજુ બાજુમાં આવેલ બે મંદિરમાં, ઉનાથી વેરાવળ જવાના રસ્તે કેરીયા ગામે સુરધનદાદાના મંદિરમાં, સાંઢીડા જવાના રસ્તા ઉ૫ર ખોડિયાર માતાજીના મંદિરમાં, વેરાવળથી જૂનાગઢ હાઇ-વે ઉપર આવેલ મંદિરમાં અને રાજુલાના કાતર ગામે મંદિરમાં તેમજ બે વર્ષ પહેલા અમદાવાદમાં ઈસ્કોન મંદિરથી બોપલ મનીપુર ગામમાં સિધ્ધિ માતાના મંદિરમાં, બે વર્ષ પહેલા બાવળા રોડ ઉપર સનાથલ ગામ પાસે ચેહર માતાજીના મંદિરમાં, બે માસ પૂર્વે જેસરના કદમ્બગીરી પાસે જૈન દેરાસર,  બે વર્ષ પહેલા ગારિયાધારના રતનવાવ ગામે શંકર ભગવાનના મંદિરમાં, ત્રણેક વર્ષ પહેલા વેરાવળથી પોરબંદર જવાના રસ્તે દરિયાકાંઠે આવેલ મોમાઈ માતાના મંદિરમાં, ચાર વર્ષ પહેલા અમદાવાદથી અડાલજ જવાના રસ્તે મોટા મંદિરમાં, બે-અઢી વર્ષ પહેલા રાણપુરથી લીંબડી જવાના રસ્તે લખતરથી આગળ આવેલ રામાપીરનાં મંદિરમાં, પાંચેક વર્ષ પહેલા દામનગર પાસે એકલારા ગામમાં સુરાપુરા દાદાના મંદિરમાં, બે-અઢી વર્ષ પહેલા મોટા ખુંટવડાથી જેસર રોડ ઉ૫ર આવેલા મંદિરમાં, એકાદ વર્ષ પહેલા ગાંધીનગરની બાજુમાં દહેગામ મોડાસાવાળા રોડ ઉપર આવેલ સિધ્ધિ માતા અને જોગણી માતાના મંદિરમાં, એકાદ વર્ષ પહેલા દહેગામની બાજુમાં રખીયાલ ગામ આગળ મંદિમાં, બે વર્ષ પહેલા અમદાવાદથી મહેસાણા જવાના રસ્તે કલોલ ગામની બાજુમાં આવેલ રિધ્ધી માતાના મંદિરમાં સોના-ચાંદીના આભૂષણ અને રોકડની ચોરી કરી હતી.

તેમજ બે વર્ષ પહેલા સિદસર ગામે માતાજીના મઢમાં, બે વર્ષ પહેલા વીરમગામની બાજુમાં માંડલ ગામે માતાજીના મઢમાં અને દાઠા ગામથી આગળ વાટલિયા ગામે ધાર ઉપર આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાં, ત્રણેક વર્ષ પહેલા અમદાવાદના બાકરોલ ટોલનાકા પાસે રીંગરોડ ઉપર માતાજીના મંદિરમાં, એક વર્ષ પહેલા ગાંધીનગરના કણભા ગામે મઢમાં, બે વર્ષ પહેલા તલોદથી અંદર સોનવડ ગામ પાસે ચેહર માતાજીના મંદિરમા, બે-અઢી વર્ષ પહેલા સાણંદમાં આવેલ માતાજીનં મઢમાં, અઢી-ત્રણ વર્ષ પહેલા ગઢડાથી બોટાદ જવાના રસ્તે માતાજીના મઢમાં, આશરે દોઢ વર્ષ પહેલા ગઢડાના રણિયાળા ગામે ખોડિયાર માતાજીના મઢમાં અને ત્રણેક વર્ષ પહેલા ગઢડાથી બોટાદ જતા રોડ ઉપર આવેલ મેલડી માતાના મંદિરમાં તસ્કરી કર્યાની કબૂલાત આપી હતી.

એક તસ્કરને ખાંભા કોર્ટે 3 વર્ષ જેલની સજા ફટકારેલી

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ-પેરોલ ફર્લો સ્કવોડની ટીમની ઝપટે ચડેલી તસ્કર ત્રિપુટી પૈકી અતુલ ધકાણાને અમરેલી જિલ્લામાં અગાઉ ચોરીના કેસમાં ખાંભા કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી હતી. આ સિવાય રીઢો તસ્કર અતુલ ધકાણા ભાવનગર, અમરેલી, ગાંધીનગર, પાટણ જિલ્લામાં પણ મંદિરમાંથી ચોરી કરવાના કેસમાં અગાઉ ઝડપાયો હતો. જ્યારે ભરત થડેશ્વર નામનો શખ્સ ભાવનગર જિલ્લામાં મંદિર ચોરીના ગુનામાં પકડાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Gujarat