Get The App

રાજકોટમાં ખાદી વેચાણમાં 50 ટકા વધારો, 31 ડિસે.સુધી મળશે વળતર

- ગાંધીજીના વિચારને આજે પણ સ્વીકારતા નાગરિકો

Updated: Dec 21st, 2021

GS TEAM

Google News
Google News
રાજકોટમાં ખાદી વેચાણમાં 50 ટકા વધારો, 31 ડિસે.સુધી મળશે વળતર 1 - image

- ખાદીના વેચાણમાં ૭૫ ટકા રકમ કાંતનાર,વણનાર,રંગ, ધોલાઈ કરનાર વગેરેને મળે છે

- ગોંડલના ઉદ્યોગભારતીની ખાદી અમેરિકા પેન્ટાગોને સ્વીકારી, ૨૫ હજાર મીટર કાપડની નિકાસ, પોલીવસ્ત્રનું વેચાણ પણ વધ્યું

રાજકોટ

આજે આત્મનિર્ભરતા શબ્દના સોએક વર્ષ પહેલા મહાત્મા ગાંધીજીએ સ્વદેશી અપનાવી આત્મનિર્ભર થવાનો મંત્ર દેશવાસીઓને આપ્યો હતો જેને આજની પેઢીએ પણ ઉત્સાહભેર સ્વીકાર્યો  છે અને તેની અસર રૂપે કોરોના કાળમાં પણ ખાદીમાં મંદી નથી બલ્કે આ વર્ષે વેચાણમાં ૨૦થી ૫૦ ટકા સુધી વધારો થયો છે.

રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે ખાદી ભવનમાં  ગત વર્ષે ગામડાના શ્રમજીવીઓએ તૈયાર કરેલ રૂ।.૬૦ લાખની ખાદી અને ૪૩ લાખની વિવિધ ગ્રામોધ્યોગની વસ્તુુંનું વેચાણ થયું હતું, આ સામે આ વર્ષે ખાદીમાં ૫૦ ટકા વધારા સાથે અત્યાર સુધીમાં રૂ।.૯૦ લાખનું વેચાણ થયું છે અને ગ્રામોધ્યોગની વસ્તુનું વેચાણ પણ વધીને રૂ।.૫૦ લાખ થયું છે જે મુખ્યત્વે તા.૨ ઓક્ટોબર પછીનું છે.  આ સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રમાં આશરે રૂ।.પાંચ કરોડની ખાદી વેચાણ થયું છે. 

ખાદી ભવનના સૂત્રો અનુસાર ખાદીનું જેટલું વેચાણ થાય તેમાં ૨૫ ટકા રકમ રૂની પુણીમાંથી ગાંધીજીના રેંટિયાના તાર પર હાથેથી કાંતનારને, ૨૫ ટકા વસ્ત્ર બનાવનાર વણકરને, ૨૫ ટકા રકમ રંગારા, ધોલાઈ કરનારા, છપાઈ કરનારા વગેરે કારીગરોને મળે છે અને ૨૫ ટકા રકમ તેના માર્કેટીંગ,વેચાણ વ્યવસ્થા વગેરેમાં વપરાય છે. ખાદી શુધ્ધ સ્વદેશી કોટન છે  જેમાં અવનવી ડિઝાઈન આવતા હવે યુવાનોમાં તેનું આકર્ષણ વધ્યું છે. 

રાજકોટમાં રેસકોર્સ ખાતે પોલીવસ્ત્ર  કે જે પણ ખાદી અને પોલિયેસ્ટરના મિશ્રણથી બને છે તેની માંગ પણ વધી છે. આશરે એક કરોડનું વેચાણ હાલ કોરોના કાળમાં થયું છે. 

તો ગોંડલની ઉદ્યોગભારતીએ શ્રમજીવી કારીગરો દ્વારા ચરખા પર તૈયાર કરાવેલ ખાદી ડેનીમની તો હવે અમેરિકાના પેન્ટાગોને પણ સ્વીકૃતિ આપી છે અને ૨૫ હજાર મીટર ખાદીની નિકાસ  કરાયાનું જણાવાયું છે. આ સંસ્થા દ્વારા આશરે રૂ।.૩.૫૦ કરોડનું વેચાણ થયું છે અને ગત વર્ષ કરતા ૧૫થી ૨૦ ટકાનો વધારો છે. 

ગુજરાતમાં બનતી ખાદી પર રાજ્ય સરકાર દ્વારા અપાતું ૨૦ ટકા  વળતર ૩૧ ડિસેમ્બર સુધી એટલે કે હવે એક સપ્તાહ સુધી મળશે. ખાદી ઉપરાંત શુધ્ધ ઉન (વુલન)ની શાલ, બ્લેન્કેટ,બંડી,મફલર વગેરે પર તથા સીલ્ક (રેશમ) વસ્ત્રો પર પણ વળતર અપાય છે.