Get The App

ભાવનગરમાં 1 વર્ષ દરમિયાન 32 હત્યા

- ભાવનગર રેન્જમાં પોલીસની ધાક વધી, ગુનાખોરી ઘટી

- સન 2018ની સરખામણીએ ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં ક્રાઇમ કંટ્રોલ: ગુનાખોરીમાં 16.52 ટકા ઘટાડો

Updated: Jan 4th, 2020

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં 1 વર્ષ દરમિયાન 32 હત્યા 1 - image


- ભાવનગરમાં ખૂનની કોશીશના 30, ધાડના 05, લૂંટના 28 અને રાયોટીંગના 79, અપહરણના 117 બનાવો બન્યા 

ભાવનગર, તા. 4 જાન્યુઆરી 2019, શનિવાર

ભાવનગર, બોટાદ અને અમરેલી રેન્જમાં ગત સાલ ૨૦૧૮ની સરખામણીએ પોલીસની ધાક વધતા ગુનાખોરી ઘટતી જોવા મળી રહી છે. ભાવનગરમાં ૧ વર્ષ દરમિયાન ૩૨ હત્યાના બનાવો સામે આવ્યા છે. જ્યારે ૨૦૧૮ની સાલમાં ૪૯ રક્તરંજીત ઘટના ઘટી હતી. વર્ષ દરમિયાન ખૂનની કોશીશના ૩૦, ધાડના ૦૫, લૂંટના ૨૮ અને રાયોટીંગના ૭૯ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. ભાવનગર સાથે અમરેલીમાં ૧૪ જ્યારે બોટાદ જિલ્લામાં ૧૨ હત્યાના બનાવો ૨૦૧૯ની સાલમાં બનતા જોવા મળી રહ્યા છે.

જુનાગઢ રેન્જથી અલગ થઇ ભાવનગર રેન્જ ઉભી કરવામાં આવ્યા બાદ ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં ગત વર્ષ દરમિયાન ગુનાખોરી અંકુશમાં હોવાનું જોવા મળ્યું છે. અસામાજીક તત્વો પર પોલીસની ધાક વધી હોય તેમ ગત ૨૦૧૮ની સરખામણીએ ૨૦૧૯માં ૧૬.૫૨ ટકા ગુનાખોરીમાં ઘટાડો જોઇ શકાય છે. ભાવનગર જિલ્લામાં ૨૦૧૮માં ૪૯ હત્યાના બનાવો સામે આવ્યા હતા. જે તમામ ડિટેક્ટ થયા હતા. જ્યારે ૨૦૧૯ની સાલમાં ૩૨ હત્યાના બનાવો નોંધાયા છે. જે પૈકી એક થોડા સમય પૂર્વે કણબીવાડ વિસ્તારના મોડીરાત્રે થયેલ આધેડની હત્યાનો ભેદ અકબંધ રહ્યો છે. જ્યારે ૩૧ ગુના ડિટેક્ટ થયા છે. ગત સાલની સરખામણીએ હત્યાના બનાવોમાં ૩૪.૬૯ ટકા બનાવો ઓછા બનતા જોવા મળ્યા છે. એ જ રીતે ૨૦૧૯ની સાલમાં અમરેલીમાં ૧૪ જ્યારે બોટાદ જિલ્લામાં ૧૪ હત્યાના બનાવો સામે આવ્યા છે. ૨૦૧૮ની સાલમાં બોટાદ જિલ્લામાં ૯ રક્તરંજીત ઘટના ઘટી હતી. જેની સામે ૧૯માં હત્યાના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

જ્યારે ૨૦૧૯ની સાલમાં ૩૦ ખૂનની કોશીશના બનાવ, ૦૫ ધાડ, ૨૮ લૂંટ તેમજ ૭૯ રાયોટીંગના બનાવ બનતા જોવા મળી રહ્યા છે. આપીસી ૩૦૭ તળે ૨૦૧૮ની સાલમાં ૪૪ બનાવો સામે ગત વર્ષે ૩૦ બનાવ પોલીસ ચોપડે નોંધાતા ૩૧.૮૨ ટકાનો ક્રાઇમ રેટ ઘટતો જોવા મળ્યો છે. જે પૈકીના તમામ બનાવ ડિટેક્ટ થયા છે. જ્યારે ૩ લૂંટના બનાવ અનડિટેક્ટ રહ્યા છે.

ભાવનગર, બોટાદ અને અમરેલી રેન્જમાં ભાવનગરમાં કુલ ૧૯૯૬, અમરેલીમાં ૧૨૭૯ અને બોટાદ જિલ્લામાં ૪૪૮ બનાવો મળી કુલ ૩૭૨૩ બનાવો બનતા જોવા મળ્યા છે. જે ગત ૨૦૧૮ની સાલમાં બનેલા કુલ ૪૨૬૨ કરતા ૧૨.૬૫ ટકાનો ઘટાડો થતો હોવાનું રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે જણાવ્યું હતું.

Tags :