Get The App

ડમીકાંડમાં સગીર સહિત વધુ ૩ શખ્સની ધરપકડ

Updated: May 26th, 2023

GS TEAM


Google News
Google News
ડમીકાંડમાં સગીર સહિત વધુ ૩ શખ્સની ધરપકડ 1 - image


રાજ્યના બહુચર્ચિત ડમીકાંડમાં આરોપીઓનો આંકડો 50 એ પહોંચ્યો

ભાવનગરના શખ્સે એમપીએચડબ્લ્યુની પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડયો હતો, સગીર અને પીપરલાના શખ્સનું પૂછતાછમાં નામ ખુલ્યું

ભાવનગર: રાજ્યના બહુચર્ચિત ડમી કૌભાંડમાં પોલીસે એક સગીર સહિત વધુ ત્રણ શખ્સની ધરપકડ કરતા સવા મહિનામાં ડમીકાંડમાં ઝડપાયેલા આરોપીઓનો આંકડો ૫૦ એ પહોંચ્યો છે. જો કે, હજુ ઘણાં કૌભાંડીઓ પોલીસની આંખમાં ધૂળ નાંખી ૪૬ દિવસથી ભાગતા ફરી રહ્યા છે. 

સરકારી નોકરી અને બોર્ડની પરીક્ષામાં હજારોથી લાખો રૂપિયાના ઉઘરાણા કરી છેલ્લા ૧૧ વર્ષથી ડમી ઉમેદવાર-પરીક્ષાર્થી કૌભાંડ ચાલી રહ્યું હતું. રાજ્યના સૌથી મોટા ડમીકાંડનો ગત ૧૪મી એપ્રિલે પર્દાફાશ થયા બાદ એસઓજી અને એસઆઈટીએ તપાસનો ધમધમાટ આદરી મુખ્ય કૌભાંડી સહિતના ૧૬ સરકારી કર્મચારી મળી ૪૭ કૌભાંડીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જ્યારે બાકીના નાસતા-ફરતા આરોપીઓની શોધખોળ જારી રાખી આજે ગુરૂવારે ડમીકાંડમાં હાથ કાળા કરનાર વધુ ત્રણ કૌભાંડીને સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે ઉઠાવી લીધા છે. જેમાં એક સગીર ઉપરાંત ભાવનગરના કામીનિયાનગરમાં રહેતો જયદીપ ભદ્રેશભાઈ ધાંધલ્યા (ઉ.વ.૨૮) અને તળાજાના પીપરલા ગામનો ઋષિત અરવિંદભાઈ બારૈયા (ઉ.વ.૧૮)ને ઝડપી પાડવામાં આવ્યા છે. જયદીપ ધાંધલ્યાએ વર્ષ ૨૦૨૨માં લેવાયેલી એમપીએચડબ્લ્યુની પરીક્ષામાં તેના બદલે ડમી ઉમેદવારને રાજકોટ ખાતે પરીક્ષા અપાવી હતી. જ્યારે સગીર અને પીપરલાના શખ્સનું અગાઉ પકડાયેલા કૌભાંડીઓની પૂછતાછમાં નામ ખુલતા બન્નેની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

Tags :