21 યુવાનોએ મુંડન કરાવી ભાજપ સરકારનું કર્યું બારમું !
- એલઆરડી ભરતીમાં બહેનો સાથે થઈ રહેલા અન્યાયના વિરોધમાં
- ઓબીસી, એસસી-એસટીના બહેનોને વધુ માર્કસ હોવા છતાં નોકરી ન મળતા ગાંધીનગરમાં 45 દિવસથી ચાલતા બહેનોના આંદોલનને સમર્થન આપતી સંસ્થાઓ
ભાવનગર, તા. 24 જાન્યુઆરી 2020, શુક્રવાર
રાજ્ય સરકાર દ્વારા એલઆરડીની ભરતીમાં ઓબીસી, એસસી અને એસટીના બહેનો સાથે કરવામાં આવેલા અન્યાય સામે ભાવનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારની અન્યાયકારી નીતિના વિરોધમાં ભાવનગરના ૨૧ યુવાનોએ ભાજપ સરકારનું બારમું કર્યું હતું.
તાજેતરમાં એલઆરડી (લોક રક્ષક દળ)ની લેવાયેલી પરીક્ષામાં ઓબીસી, એસસી-એસટી કેટેગરીના હેનોને વધારે માર્કસ મળ્યા હોવા છતાં તેમને નોકરીમાં નહીં લઈ પછાત સમાજને અન્યાય કરવામાં આવ્યો હતો. જેના કારણે છેલ્લા ૪૫ દિવસથી અન્યાયનો ભોગ બનેલા બહેનો દ્વારા ગાંધીનગરમાં આંદોલન ચાલી રહ્યું છે.
તેને સમર્થન આપવા તેમજ સરકારીની નીતિ-રીતિ સામે રોષ વ્યક્ત કરવા ભાવનગરમાં ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન અને કલ હમારા યુવા સંગઠન દ્વારા ઘોઘારોડ, મોટા શીતળા માતાના મંદિર સામે ભાજપ સરકારનું બારમું રાખી મુંડનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બન્ને સંગઠનના ૨૧ કાર્યકરોએ મુંડન કરાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં પણ આવા વિરોધ કાર્યક્રમો શરૂ રાખવામાં આવશે તેમ વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું.