કાળીયાબીડના 20 હજાર મકાનોને ગેરકાયદેસર મંજૂરી અપાઈ છે, સરકારનો અંધેર વહીવટ
ભાવનગર, તા. 17 ડિસેમ્બર 2018, સોમવાર
એશિયાની સૌથી મોટી ગેરકાયદે વસાહતનું બિરૂદ કાળીયાબીડના માથેથી કાયદેસરતા મળ્યા છતાં હજુ હટયું નથી. કારણ કે, કાળીયાબીડના 20 હજાર જેટલા મકાનોમાંથી કાયદેસર ડ્રેનેજ કનેક્શન માત્ર 100 મકાનમાં હોવાનું મહાપાલિકાના સત્તાવાર સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. કાળીયાબીડમાં 75% લોકોએ દસ્તાવેજ કરાવ્યા નથી, 99% લોકોએ કાયદેસર ડ્રેનેજ કનેક્શન લીધા નથી ત્યારે કહેવાતી કાયદેસરતા સામે અનેક સવાલ હજુ ઉભા જ છે. કોમન પ્લોટ પ્રજાની માલીકીના જ છે પરંતુ કોમન પ્લોટ ખુલ્લો કરાવવા નીકળતા પહેલા પોતાના ઘર કાયદેસર કરવા પડશે.
રાજ્ય સરકારે કાયદેસરતા આપી તેમાં સરકારના નોટિફિકેશન અને ગાઈડ લાઈન મૂજબ 30-06-2015ની સ્થિતિએ જે બાંધકામો હોય તે તમામને રેગ્યુલરાઇઝ કરવા અને ત્યારબાદ થયેલા બાંધકામોને જીડીસીઆર મૂજબ નિયમબધ્ધ કરવાના રહેશે. આ કાયદેસરતા બાદ મહાપાલિકાએ કાળીયાબીડના 10 લે-આઉટ બનાવ્યા છે જેમાં પણ ગંભીર ગોટાળા કરાયા છે.
અનેક કોમન પ્લોટ અને જાહેર માર્ગો પરના દબાણો દર્શાવ્યા નથી. આ અંગે ભારે વિરોધ-વંટોળ ઉભો થતા કમિશનરે કોમન પ્લોટ પ્રજાની માલીકીના હોવાનું જાહેર કર્યુ હતુ અને જે-તે સોસાયટી પોતાના કોમન પ્લોટ ખુલ્લા કરાવવા મહાપાલિકાની મદદ માંગશે તો મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. જેથી આજે સોમવારે શાંતિનગર-1ના રહિશો પોતાની સોસાયટીના કોમન પ્લોટ પર ઉભેલી સારથી સ્કૂલનું દબાણ હટાવી કોમન પ્લોટ ખુલ્લો કરાવવા કમિશનરને રજૂઆત કરવા ગયા હતા. ત્યારે બીજા અનેક સવાલો ઉભા થયા છે.
કારણ કે, મહાપાલિકાએ બે-બે વખત જાહેરાતો આપી હતી કે, ડ્રેનેજ પ્લાન મંજૂર કરાવી જવા. પરંતુ હજુ સુધી કાળીયાબીડના 20 હજાર જેટલા મકાનોમાંથી માત્ર 100 મકાનમાલીકોએ ડ્રેનેજ પ્લાન મંજૂર કરાવ્યો છે. બાકી બધા જ લોકો ગેરકાયદે ડ્રેનેજ વાપરી રહ્યા છે જેનો મહાપાલિકા એક રૃપિયો ટેક્ષ ઉઘરાવતી નથી. એટલુ જ નહીં કાળીયાબીડને કાયદેસરતા મળી ગયાના દાવા બાદ પણ હજુ સુધી રપ ટકા મકાનમાલીકોએ જ દસ્તાવેજ કરાવ્યા છે.
રાજકીય હેતુથી કાળીયાબીડને અધકચરી કાયદેસરતા અપાઈ હોવાથી રાષ્ટ્રીય કૃત બેન્કો કે ખાનગી બેન્કો કાળીયાબીડમાં મકાનના બાંધકામ માટે લોન આપતી નથી. માત્ર ફાયનાન્સ કંપનીઓ લોન આપી રહીં છે. એટલે કાળીયાબીડને કાયદેસરતા અપાવવા સૌપ્રથમ દરેક મકાનમાલીકોએ ડ્રેનેજ પ્લાન મંજૂર કરાવવા પડશે અને દરેક મકાનમાલીકોએ દસ્તાવેજ કરાવવા પડશે. આ બધુ જ થઈ ગયા બાદ કોમન પ્લોટ પ્રજાની માલીકીના બનશે અને તેને ખાલી કરાવવાનો પ્રજાને અધિકાર રહેશે.