Get The App

ભાવનગરમાં 200 કરોડના રોડનું ધોવાણ, એજન્સીને બ્લેક લિસ્ટ કરો

Updated: Sep 12th, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં 200 કરોડના રોડનું ધોવાણ, એજન્સીને બ્લેક લિસ્ટ કરો 1 - image

ભાવનગર, તા. 12 સપ્ટેમ્બર 2019, ગુરૂવાર

ભાવનગર શહેરની ગાય, ગાંડા, ગાંઠિયા અને ગઘેડા બાદ આ ચોમાસામાં વધુ એક નવી ઓળખ સ્થાપિત થઈ છે. કોર્પોરેશનની ખાયકી નીતિ અને શાસકોની બલીહારીને કારણે પ્રજાના પરસેવાની પૈસા બનેલા ૨૦૦ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ચૂક્યું છે. શહેરના એક પણ એવો રોડ નહીં હોય જ્યાં વરસાદને કારણે ખાડા ન પડયા હોય, ત્યારે ખાડાનગરી બની ગયેલા ભાવનગરમાં કોંગ્રેસે ભ્રષ્ટ તંત્ર સામે ખાડા યજ્ઞા કરી કસૂરવાનોને નસિયત કરવા માગણી કરી છે.

ભાવનગર શહેરમાં ગયા વર્ષે 200 કરોડના ખર્ચે કરોડો રૂપિયાના ખર્ચે નવા રોડ અને રિકાર્પેટ કરવામાં આવ્યા હતા. આ રોડ બન્યાને હજુ થોડા મહિના જ થયા છે. ત્યાં તમામ વિસ્તારોમાં બનાવેલા રસ્તા બિસ્માર થઈ ગયા છે. રસ્તાઓ પર ગંભીર અકસ્માત નોતરતા ખાડાઓને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે.

તાજેતરમાં મહાપાલિકાની મળેલી સાધારણ સભામાં કોંગ્રેસે ખાડાનગરીના મામલે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે સત્તાધારી પક્ષના સભ્યોએ કરોડોના ઘપલા કરનાર રોડના કામ કરતી એજન્સીના કોન્ટ્રાક્ટરો અને તેમની સાથે મીલિભગત કરનાર મહાપાલિકાના અધિકારીઓને છાવરવાની નીતિ અપનાવી માત્ર ૧ ટકા જ રોડ-રસ્તાને નુકશાન થયું હોવાના બણગાં ફૂક્યાં હતા. જો કે, આવા પાયા વિહોણા નિવેદનો કરનાર સભ્યો પોતે જ જાણે છે કે, પોતાના વિસ્તારમાં કેટલા રસ્તાની હાલતમાં સારી છે!

ખાડા નગરી ભાવનગરમાં રોડના કામોમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવા કોંગ્રેસ દ્વારા આજે ગુરૂવારે ખાડા યજ્ઞા યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસે કમિશનરને આવેદન આપી એવી માગણી કરી હતી કે, પ્રજાના પૈસા જે વેડફાયા છે તે માટેના જવાબદાર અધિકારી, એજન્સી અને અન્ય કસૂરવાનોને નસિહત કરવાની માગણી કરી રોડને સમારકામ કરવા તેમજ જવાબદાર એજન્સી સામે દંડનાત્મક પગલા ભરી બ્લેક લિસ્ટમાં મૂકવા માગણી કરી છે.
Tags :