Updated: Mar 18th, 2023
- કારના તળિયામાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની નાની-મોટી બોટલ છુપાવી
- હાલ સુરત રહેતા બુટલેગરે મહુવાના 2 શખ્સને માલ પહોંચાડવા આપ્યાની કબૂલાત : સુરત, વાળુકડ, મહુવાના 5 શખ્સ સામે ગુનો દાખલ
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘાતા વાળુકડ ગામ તરફથી એક ફોરવ્હીલ નં.જીજે.૨૧.એક્યુ.૬૪૦૮માં વિલાયતી દારૂ અને બિયરના જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે વરતેજ પોલીસે મધરાત્રિના સમયે વોચ ગોઠવી ઉપરોક્ત નંબરવાળી મહિન્દ્રા એક્સયુવી૫૦૦ કારને રોકી તલાશી લેતા કારની નીચેના ભાગે તળિયામાં ચોરખાનું બનાવેલું મળી આવ્યું હતું. જેમાંથી બિદેશી દારૂની ૧૧૮ મોટી બોટલ અને ૧૭૨ ચપટાં મળી આવ્યા હતા. જે દારૂનો જથ્થો, બે મોબાઈલ ફોન, કાર મળી કુલ રૂા.૩,૭૦,૬૬૦ના મુદ્દામાલ સાથે પોલીસે હરેશ કાનજીભાઈ આસોદરિયા (રહે, સી-૩/૪૦૫, રોયલ ટાઉનશીપ, વાલક, સુરત) અને રાજુ ડાયાભાઈ સુતરિયા (રહે, વાળુકડ, તા.ઘોઘા) નામના બે શખ્સને દબોચી લઈ પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો ભાવનગરના રૂપાણી સર્કલ અને હાલ સુરત ખાતે રહેતો હિમાંશુ વિનોદભાઈ ચૌહાણે કારમાં ભરી આપ્યો હતો તેમજ મહુવાનો મુરતુઝા અસગરભાઈ ચોકવાળા અને વિષ્નુ નાથાભાઈ ગુજરિયા નામના શખ્સો વહેલી સવારે દારૂનો જથ્થો લેવા માટે આવવાના હોવાની કબૂલાત આપી હતી.
જેના આધરે પોલીસે હરેશ આસોદરિયા, રાજુ સુતરિયા, મુરતુઝા ચોકવાળા, વિષ્નુ ગુજરિયા અને હિમાંશુ ચૌહાણ વિરૂધ્ધ પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.