મોરબી,કચ્છ, જામનગર,પોરબંદર પંથકમાં 2થી 4 ઈંચ ધોધમાર વરસાદ
સચરાચર વરસાદથી કૃષિને જીવતદાન, આજે સૌરાષ્ટ્રમાં ૪ જિલ્લામાં આગાહી
માળિયા,ટંકારામાં ચાર ઈંચ,જામનગર,મોરબી,હળવદમાં સાડાત્રણ ઈંચ, વાંકાનેર,ધ્રોલ,પોરબંદરમાં ૨ ઈંચ, રાજકોટ,થાનગઢ,કોટડાસાંગાણી, રાણાવાવ,ગોંડલ,ભૂજ,માં દોઢ ઈંચ સહિત વ્યાપક વરસાદ
મોરબી પંથકમાં ભારે વરસાદથી મચ્છુ-૨ અને ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો
લો પ્રેસર પસાર થતા વરસાદ વરસાવી ગયું, કાલથી પ્રમાણ ઘટશે
રાજકોટ: ગુજરાતમાં આજે સૌરાષ્ટ્રના ખાસ કરીને કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર જિલ્લામાં વરસાદનું જોર વધુ રહ્યું હતું અને ધોધમાર ૨થી ૪ ઈંચ વરસાદ વરસી જતા અને અન્યત્ર સમગ્ર રાજ્યના ૮૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ અને રાત્રિના ૮ સુધીમાં ૨૦૪ તાલુકામાં સચરાચર,સાર્વત્રિક વરસાદથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. સૌરાષ્ટ્રમાં આ વરસાદથી જળાશયોમાં ખાસ જળસંગ્રહ વધ્યો નથી, આજ સુધીમાં ૭૯ ટકા જળસંગ્રહ થયો છે. પરંતુ, મુરઝાતા મોલને વ્યાપક સ્થળોએ જીવતદાન મળ્યું છે. મૌસમ વિભાગ અનુસાર આવતીકાલે પોરબંદર,જામનગર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે ગાજવીજ સાથે હળવો-મધ્યમ વરસાદની આગાહી છે. બાકીના ગુજરાત માટે આવતીકાલે કોઈ એલર્ટ જારી કરાયું નથી.
મોરબી જિલ્લામાં આજે ગણેશોત્સવના પ્રારંભે સાર્વત્રિક બેથી ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ માળિયા મિયાણા તાલુકામાં આશરે ૪ ઈંચ (૯૦ મિ.મિ.) ટંકારામાં ૩.૫૦ ઈંચ, મોરબી શહેર તાલુકામાં તથા હળવદમાં સવા ત્રણ ઈંચ, વાંકાનેરમાં સવા બે ઈંચ વરસાદથી ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું. માળિયા તાલુકાના વેણાસર-ખાખરેચી વચ્ચેના કોઝવે પર તથા રંગપર જવાનો રસ્તા પર ધસમસતા પાણી ફરી વળ્યા હતા. ઝીકીયારી ગામે ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થતા ચકમપર,જીવાપર, ઝીકીયારી, જસમતગઢ, જેતપર,શાપર, તથા માળિયા તાલુકાના માણાબા,સુલતાનપુર,ચીખલી સહિત ગામોને એલર્ટ કરાયા છે. મોરબીનો મચ્છુ-૨ ડેમ ઓવરફ્લો થતા દરવાજો એક ફૂટે ખોલાયો છે એ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
જામનગરમાં ઉકળાટ વચ્ચે ગઈકાલે ઝરમર વરસાદ બાદ આજે માત્ર એક કલાકમાં ધોધમાર ૨ ઈંચ સહિત સવા ત્રણ ઈંચ વરસાદથી શહેરમાં પાણી ભરાયા હતા. જિલ્લામાં ધ્રોલમાં ૨ ઈંચ, જોડિયામાં એક ઈંચ, કાલાવડમાં સવા ઈંચ, લાલપુરમાં ૬ મિ.મિ. સાથે સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો છે.જામનગરમાં કેટલાક ગણેશ પંડાલોમાં પણ પાણી ભરાયા હતા, જો કે બાદમાં વરસાદી પાણી ઉતરી જતા આયોજકોએ રાહત અનુભવી હતી. લીમડાલેન વિસ્તારમાં ઝાડની ડાળી તુટી પડી હતી.ભારે પવન સાથે ઝાડ સાથે વિજવાયરો તૂટતા વિજપૂરવઠો થોડો સમય ખોરવાયો હતો.જામનગર-રાજકોટ હાઈવે પર ફલ્લા ગામે આશરે ૪ ઈંચ વરસાદ વરસી જતા કંકાવટી ડેમ ઓવરફ્લો થયો હતો.
પોરબંદર જિલ્લામાં પોરબંદરમાં ૨ ઈંચ, રાણાવાવમાં દોઢ ઈંચ, કુતિયાણામાં એક ઈંચ સહિત જિલ્લામાં મેઘમહેરથી ખેડૂતોના મહામુલા પાકને જીવતદાન મળ્યું છે. હજુ આવતીકાલે જિલ્લામાં વરસાદ વરસે તેવું હવામાન છે.
રાજકોટ શહેરમાં આજે આખો દિવસ વરસાદી માહૌલ રહ્યો હતો અને સતત ઝરમર રૂપે સાંજ સુધીમાં દોઢ ઈંચ પાણી વરસી ગયું હતું. જિલ્લામાં કોટડાસાંગાણીમાં અને ગોંડલમાં દોઢ ઈંચ, ઉપલેટામાં એક ઈંચ, જ્યારે અન્યત્ર ઝાપટાં વરસ્યા હતા. જામકંડોરણામાં અર્ધો ઈંચ,
કચ્છના રાપરમાં આજે રાત્રિના ૮ સુધીમાં રાજ્યનો સર્વાધિક પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ભૂજમાં દોઢ ઈંચ સહિત જિલ્લામાં વરસાદથી રાહત અનુભવાઈ છે.
સૌરાષ્ટ્રમાં આ ઉપરાંત ખંભાળિયામાં એક ઈંચ, દ્વારકામાં ઝાપટાં, ભાણવડમાં સવા ઈંચ, કલ્યાણપુર તાલુકામાં અર્ધો ઈંચ સાથે વરસાદ વરસ્યો હતો જ્યારે સુરેન્દ્રનગર જિ.ના થાનગઢમાં દોઢ ઈંચ, ભાવનગરના ઘોઘામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જુનાગઢ જિલ્લામાં ગઈકાલે અતિશય ભારે, ૪થી ૧૨ ઈંચ વરસાદ વરસ્યા બાદ આજે માળિયા હાટીનામાં પોણો ઈંચ, સહિત વરસાદનું જોર ઓછુ રહ્યું હતું. સીસ્ટમ જુનાગઢ પરથી પસાર થઈને મોરબી, કચ્છ,જામનગર તરફ ફંટાઈ હતી.
આજે સવારે ૬ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં કોડીનાર,માળિયા હાટીનામાં સાડાત્રણ ઈંચ, ભેંસાણમાં ૩ ઈંચ, કાલાવડ,ટંકારા,રાણાવાવ,ઉના, ધારી, ભૂજ, ચોટીલા, ગીર ગઢડામાં ૨થી અઢી ઈંચ, કુંકાવાવવડિયા, કુતિયાણા, અમરેલી, માણાવદર, બાબરા, મોરબી, જામનગર, ઉપલેટા, લોધિકા, ધ્રોલ, કેશોદ, લાઠી, ગોંડલ વગેરે સ્થળે ગઈકાલે એકથી બે ઈંચ વરસાદ બાદ આજે સવાર બાદ પણ વરસાદનું જોર જારી રહ્યું હતું.
ગુજરાતમાં આ ઉપરાંત વડોદરા શહેરમાં સવા અને જિ.ના પાદરામાં અઢી ઈંચ,ખેડાના વાસોમાં બે ઈંચ, નવસારી,નડિયાદ, સુરતના માંડવી, ચોરાસી, બનાસકાંઠાના વાવ, આણંદનાપેટલાદ, નવસારીના ગણદેવી, આણંદના તારાપુરમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો.